US ઠેકાણાઓ પર રોકેટ હુમલાથી ટ્રમ્પ લાલઘૂમ, ઈરાનને ધમકી આપતા કહ્યું- જવાબ વિધ્વંસક હશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રોકેટ હુમલા બાદ ધમકી આપી છે કે અમેરિકી લોકો અને ઠેકાણાઓ પર હુમલા કરનારા લોકો કે તેનો ઈરાદો રાખનારા લોકોને શોધી શોધીને ખાતમો કરાશે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને અમારા ઠેકાણાઓ પર હુમલો કર્યો તો અમે તેના 52 ઠેકાણાઓ પર ભીષણ હુમલા કરીશુ અને તેને બરબાદ કરી નાખીશું.
Trending Photos
બગદાદ: ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા કાસિમ સુલેમાની (Qassem Suleimani) નું અમેરિકાના હવાઈ હુમલામાં મોત થયા બાદથી અમેરિકા (USA) અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જોવા મળી રહ્યો છે. યુદ્ધના ભણકારાથી વિશ્વ થરથરી રહ્યું છે. સુલેમાનીના મોતના એક દિવસ બાદ ઈરાકમાં અમેરિકી ઠેકાણા પર રોકેટ અને મોર્ટાર હુમલા થયા. રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ અને બલાદ એરબેસ પર શનિવારે મોડી રાતે ઈરાન સમર્થક મિલિશિયાએ અનેક રોકેટ છોડ્યાં. આ બધા વચ્ચે ઈરાકના હિજબુલ્લાએ દેશના સુરક્ષાદળોને ચેતવણી આપી છે કે તેઓ અમેરિકી ઠેકાણાઓથી 1000 મીટર દૂર જતા રહે. આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રોકેટ હુમલા બાદ ધમકી આપી છે કે અમેરિકી લોકો અને ઠેકાણાઓ પર હુમલા કરનારા લોકો કે તેનો ઈરાદો રાખનારા લોકોને શોધી શોધીને ખાતમો કરાશે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને અમારા ઠેકાણાઓ પર હુમલો કર્યો તો અમે તેના 52 ઠેકાણાઓ પર ભીષણ હુમલા કરીશુ અને તેને બરબાદ કરી નાખીશું.
આ અગાઉ શનિવારે મોડી રાતે ઈરાકની રાજધાની બગદાદના ગ્રીન ઝોન વિસ્તારમાં અનેક મોર્ટાર બોમ્બ છોડાયા અને અમેરિકી સૈનિકોના ઠેકાણા પર કેટલાક રોકેટ પડ્યાં. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે બગદાદમાં શનિવારે સાંજે મોર્ટારના ગોળા ગ્રીન ઝોનમાં આવીને પડ્યાં. આ વિસ્તાર ઉચ્ચ સુરક્ષાવાળો છે જ્યાં અમેરિકી દૂતાવાસ છે. ઈરાકી સેનાએ કહ્યું કે એક રોકેટ ઝોનની અંદર જઈને પડ્યું. આ હુમલા બાદ વિસ્તારમાં સાઈરનો વાગવા માંડી અને હેલિકોપ્ટર મંડરાતા જોવા મળ્યાં. આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
....targeted 52 Iranian sites (representing the 52 American hostages taken by Iran many years ago), some at a very high level & important to Iran & the Iranian culture, and those targets, and Iran itself, WILL BE HIT VERY FAST AND VERY HARD. The USA wants no more threats!
— Donald J. Trump (@realDonaldTrump) January 4, 2020
હુમલાખોરોને વીણી વીણીને મારીશું-ટ્રમ્પ
ઈરાકી સેનાએ જણાવ્યું કે અમેરિકી દૂતાવાસને નિશાન બનાવ્યાં બાદ કતયૂશા રોકેટ બગદાદના ઉત્તરમાં બાલાદ એરબેસ પર પડ્યું. આ એરબેસ પર મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકો રહે છે. આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાખોરોને ધમકી આપી છે કે તેમને શોધી શોધીને ખાતમો કરવામાં આવશે. તેમણે કહ્યું કે મારા નેતૃત્વ હેઠળ આતંકવાદીઓ પ્રત્યે અમેરિકાની નીતિ સ્પષ્ટ છે કે જે કોઈએ અમેરિકાને નુકસાન પહોંચાડ્યું કે તેનું કાવતરું ઘડી રહ્યાં છે તેમને અમે શોધીશું અને ખાતમો કરીશું. અમે હંમેશા અમારા રાજનયિકો અને પોતાના લોકોની રક્ષા કરીશું.
ટ્રમ્પે કહ્યું કે "ઈરાન એક એવા આતંકવાદીની હત્યાનો બદલો લેવા માટે ખુલ્લેઆમ અમેરિકી ઠેકાણાઓ પર હુમલાની વાત કરી રહ્યું છે જેણે અમેરિકીઓની હત્યા કરી. તેમણે કહ્યું કે ઈરાન અમારા દૂતાવાસ પર હુમલો કરી રહ્યું છે અને અન્ય ઠેકાણાઓ પર હુમલા માટે તૈયારી કરી રહ્યું છે. ઈરાનની સમસ્યા અનેક વર્ષોથી છે. હું ઈરાનને ચેતવણી આપવા માંગુ છું કે જો તેણે કોઈ અમેરિકન કે પછી અમેરિકી ઠેકાણા પર હુમલો કર્યો તો અમે ઈરાનના 52 લક્ષ્યોન ઓળખ કરી લીધી છે. (ઈરાન દ્વારા બંધક બનાવવામાં આવેલા 52 અમેરિકી બંધકોની યાદમાં)".
52 ઈરાની ઠેકાણાઓ ખુબ જ મહત્વના-ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે આ 52 ઈરાની ઠેકાણાઓમાં અનેક ઉચ્ચ સ્તરના છે અને ઈરાન તથા તેની સંસ્કૃતિ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ ઠેકાણાઓ અને ખુદ ઈરાનને ખુબ જ ઝડપથી તથા ખુબ વિધ્વસંક રીતે નિશાન બનાવવામાં આવશે. અમેરિકા હજુ વધુ ધમકીઓ ઈચ્છતું નથી. ટ્રમ્પે સંકટ સમયમાં મહાભિયોગ લાવવા બદલ ડેમોક્રેટિક પાર્ટીની આલોચના પણ કરી.
Under President @realDonaldTrump, America's policy is unambigious toward terrorists who harm or plan to harm any American. pic.twitter.com/4rYsj2ZxSF
— The White House (@WhiteHouse) January 4, 2020
તનાવપૂર્ણ હાલાત જોતા અમેરિકાએ મોટી સંખ્યામાં સૈનિકોને પશ્ચિમ એશિયા માટે રવાના કર્યાં છે. એટલું જ નહીં અમેરિકી યુદ્ધજહાજો પણ ઈરાક તરફ આગળ વધી રહ્યાં છે. અમેરિકાના સહયોગી બ્રિટને પણ પોતાનું જહાજ ઈરાનને સટીને આવેલા હોર્મૂઝની ખાડી માટે રવાના કર્યું છે. કહેવાય છે કે ઈરાન સમર્થક મિલિશિયાના નિશાન પર 35 ઠેકાણા છે જેમાં ફારસની ખાડીમાં પેટ્રોલિંગ કરી રહેલું અમેરિકી જહાજ, અને પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈન્ય ઠેકાણું સામેલ છે. કહેવાય છે કે આગામી 48 કલાક પશ્ચિમ એશિયા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
અમેરિકા પર વરસ્યું ચીન
પશ્ચિમ એશિયામાં પણ વધતા તણાવને ઓછો કરવા માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. જર્મનીએ કહ્યું કે તે ઈરાન સાથે તણાવને ખતમ કરવા માટે વાત કરશે. આ બાજુ સાઉદી અરબના કિંગ સલમાને પણ ઈરાકના રાષ્ટ્રપતિ બેરહમ સાલેહ સાથે ફોન પર વાત કરી છે. કિંગ સલમાને કહ્યું કે સાઉદી અરબ ઈરાકની સ્થિરતા અને સુરક્ષાનું સમર્થન કરે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ ઈરાકના ટોચના નેતૃત્વ સાથે આ મુદ્દે વાત કરી છે. આ બાજુ ચીને કહ્યું કે અમેરિકાએ પોતાની શક્તિઓનો દુરુપયોગ ન કરવો જોઈએ. ચીને ઈરાનના નેતાઓ સાથે પણ આ મુદ્દે વાત કરી છે. ચીને કહ્યું કે અમેરિકાના આ પગલાએ આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત નિયમોને તોડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે