ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
Trending Photos
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો આમને સામને છે. ઈરાનના મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે જવાબી કાર્યવાહીની વાત કરતા દુનિયા ચિંતાતૂર છે. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે આ હુમલાની ઈરાને કિંમત ચૂકવવી પડશે. આ બધા વચ્ચે જી7 દેશોએ બંને દેશો વચ્ચેના તણાવને ઓછો કરવા માટે એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
રોયટર્સના જણાવ્યાં મુજબ બાઈડેને કહ્યું કે તેઓ ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં તેમના પરિમાણુ સ્થળો પર કોઈ પણ ઈઝરાયેલી હુમલાનું સમર્થન નહીં કરે અને તેમણે ઈઝરાયેલને પોતાના દુશ્મન વિરુદ્ધ પ્રમાણસર કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો. બાઈડેને આ વાત ઈરાન દ્વારા ઈઝરાયેલ પર 180થી વધુ મિસાઈલો છોડાયાના એક દિવસ બાદ કહી. જો કે બાઈડેને ઈરાનના આ હુમલાને પહેલા અપ્રભાવી ગણાવ્યો હતો.
ઈઝરાયેલ જવાબ આપવા તૈયાર
બીજી બાજુ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કસમ ખાધી છે કે ઈરાન આ હુમલાની કિંમત ચૂકવશે. બાઈડેને એરફોર્સ વનમાં સવાર થતા પહેલા પત્રકારોને કહ્યું કે અમે ઈઝરાયેલીઓ સાથે ચર્ચા કરીશું કે શું કરવા જઈ રહ્યા છે પરંતુ અમે બધા જી7 દેશ એ વાત સાથે સહમત છીએ કે તેમને જવાબ આપવાનો અધિકાર છે પરંતુ તેમણે પ્રમાણસર રીતે જવાબ આપવો જોઈએ. બાઈડેને કહ્યું કે ઈરાન પર વધુ પ્રતિબંધ લગાવીશું અને તેઓ જલદી નેતન્યાહૂ સાથે વાત કરશે. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે ઈરાન પોતાના રસ્તાથી ખુબ દૂર છે.
જો કે કેટલાક વિશેષજ્ઞોએ કહ્યું છે કે ઈઝરાયેલની પ્રતિક્રિયા એપ્રિલમાં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલો અને ડ્રોન હુમલાની સરખામણીમાં આ વખતે વધુ ઘાતક હોઈ શકે છે. આ વખતે ઈઝરાયેલ તહેરાનના પરમાણુ સ્થળ કે તેલ સર્વિસને નિશાન બનાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે