ભારતીય ગુટખા કંપનીના કર્મચારીઓએ 'ટૂંકા વસ્ત્રો'વાળી ડાન્સર્સ સાથે ક્રૂઝ માથે લીધી !
ભારતની ગુટખા કંપની કમલા પસંદના 1000 કર્મચારીઓ ક્રૂઝની સફરે ગયા હતા, તેમના કારણે આ લક્ઝરી ક્રુઝમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોની સફર દુઃસ્વપ્ન સાબિત થઈ, ભારતીય કંપનીના કર્મચારીઓએ લાજ-શરમ નેવે મુકી દીધી હતી
Trending Photos
મેલબોર્નઃ એક લક્ઝરી ક્રૂઝમાં મુસાફરી કરી રહેલા ઓસ્ટ્રેલિયાના મુસાફરો માટે આ તેમની આ સફર દુઃસ્વપ્ન સાબિત થઈ હતી, જ્યારે ભારતીય ગુટખા કંપનીના 1000થી વધુ કર્મચારીઓએ આખી ક્રુઝ માથે લીધી હતી. ઓસ્ટ્રેલિયાની 9ન્યૂઝમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે ભારતીય કંપનીના કર્મચારીઓએ ક્રુઝમાં રહેલા બાર અને પૂલ ડેક પર રીતસરનો કબ્જો જમાવી લીધો હતો.
રિપોર્ટમાં જણાવાયું છે કે, વોયેજ ઓફ સીઝ નામની ક્રૂઝમાં ભારતીય કંપનીના કર્મચારીઓ તેમની સાથે બર્લેસ્ક્યુ ડાન્સર્સને લઈને આવ્યા હતા, જે અત્યંત ટૂંકા અને પારદર્શક વસ્ત્રોમાં સજ્જ થઈને બિભત્સ ડાન્સ કરતી હતી અને કર્મચારીઓ તેમની પાછળ રીતસરના પાગલ થયા હતા. ભારતીય કંપનીના કર્મચારીઓની આવી હરકતને કારણે ક્રુઝમાં મુસાફરી કરી રહેલા અન્ય પરિવારોને તેમના રૂમમાં દોડી જવાની ફરજ પડી હતી અને તેઓ ક્ષોભમાં મુકાઈ ગયા હતા.
9ન્યુઝે વધુમાં જણાવ્યું કે, ક્રુઝની ક્ષમતા કરતાં એક તૃતિયાંશ વધુ પ્રમાણમાં મુસાફરો ભરવામાં આવ્યા હતા. આ કંપનીના કર્મચારીઓ લન્ચ અને ડીનરમાં પણ મર્યાદાને નેવે મુકી દીધી હતી, જેના કારણે જમવાનું પણ ખુટી પડતું હતું.
ક્રુઝમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરોને ટાંકતા 9ન્યૂઝે જણાવ્યું છે કે, આ કર્મચારીઓ ક્રુઝ પર પણ અત્યંત બેશરમીપૂર્વક વ્યવહાર કરતા હતા. તેઓ ક્રુઝ પર પરિવાર સાથે આવેલી યુવતીઓનાં વીડિયો અને ફોટો ખેંચતા જોવા મળ્યા હતા. પરિવારોએ જણાવ્યું કે, દરેક કર્મચારીના હાથમાં કેમેરો હતો અને તેઓ અત્યંત મર્યાદાવિહીન વ્યવહાર કરતા હતા.
(ફોટો સાભાર 9ન્યુઝ, ઓસ્ટ્રેલિયા)
ક્રૂઝ પર આવેલા આઉટડોર સિનેમામાં વિશાળ સ્ક્રીન પણ ફીટ કરવામાં આવ્યા હતા, જ્યાં મુસાફરો માટે હોલિવૂડ ફિલ્મો દર્શાવાની હતી, પરંતુ તેના સ્થાને કમલા પસંદ ગ્રૂપની કંપનીના વીડિયો બતાવાતા હતા.
આ લક્ઝરી ક્રુઝ ચલાવતી કંપની રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલ દ્વારા અન્ય મુસાફરોની ફરિયાદ બાદ તેમની પાસે માફી માગવામાં આવી છે અને તેમની ટિકિટની સંપૂર્ણ રકમ પાછી ચૂકવવામાં આવી છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, અમે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપીએ છીએ. આ ઘટના અંગે કંપની તપાસ કરી રહી છે અને ભવિષ્યમાં આવું નહીં બને તેની ખાતરી આપીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે