કુલભૂષણ જાધવના કેસની આગામી ફેબ્રુઆરીમાં થશે આંતરરાષ્ટ્રીય અદાલતમાં સુનાવણી

આંતરરાષ્ટ્રીય કોર્ટ 18થી 21 ફેબ્રુઆરી, 2019માં કુલભુષણ જાધવના કેસની સુનાવણી હાથ ધરશે, પાકિસ્તાન દ્વારા જાસુસીના આરોપ હેઠળ કુલભુષણને એપ્રિલ, 2017માં ફાંસીની સજા સંભળાવાઈ હતી, ત્યાર બાદ ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતના દ્વારા ખટખટાવ્યા હતા

કુલભૂષણ જાધવના કેસની આગામી ફેબ્રુઆરીમાં થશે આંતરરાષ્ટ્રીય અદાલતમાં સુનાવણી

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા ભારતના નેવી અધિકારી કુલભુષણ જાધવની ફાંસી અટકાવી દેવાયાના એક વર્ષથી વધુ સમય વીત્યા બાદ આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા હેગ ખાતે તેના કેસની આગામી વર્ષે 18થી 21 ફેબ્રુઆરી દરમિયાન સુનાવણી હાથ ધરાશે. 

સંયુક્ત રાષ્ટ્રોનાં મુખ્ય ન્યાય વિભાગ દ્વારા આ અંગેની એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી, જેમાં જણાવાયું છે કે, કોર્ટની વેબસાઈટ પર સમગ્ર કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરાશે અને સાથે જ સંયુક્ત રાષ્ટ્રોની ઓનલાઈન ટેલિવિઝન ચેનલ યુએન વેબ ટીવી પર પણ તેનું પ્રસારણ કરાશે. 

કુલભુષણ જાધવ (47 વર્ષ) બલુચિસ્તાનમાં જાસુસી અને ભાંગફોડની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના આરોપમાં પાક જેલમાં કેદ છે. પાકિસ્તાનની સૈનિક અદાલત દ્વારા તેને એપ્રિલ, 2017માં ફાંસીની સજા સંભળાવાઈ હતી, જેને ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકારી હતી. આથી, જ્યાં સુધી આ કેસનો અંતિમ ચૂકાદો ન આવે ત્યાં સુધી કુલભુષણ જાધવની ફાંસી પર રોક લગાવી દેવાઈ હતી. 

ભારત અને પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા અરજીની સંદર્ભમાં તમામ પુરાવા અને કોર્ટ દ્વારા પુછવામાં આવેલા તમામ સવાલોના જવાબ આપી દેવાયા છે. પાકિસ્તાનનો દાવો છે કે, તેમના સુરક્ષા કર્મીઓએ જાધવને બલુચિસ્તાન પ્રાન્તમાંથી માર્ચ, 2016માં પકડ્યો હતો અને તે ઈરાનમાંથી તેમના દેશમાં પ્રવેશ્યો હતો. 

આંતરરાષ્ટ્રીય અદાલતને આપેલા પુરાવામાં પાકિસ્તાને જણાવ્યું છે કે, જાધવ કોઈ સામાન્ય નાગરિક નથી, કેમ કે તે પાકિસ્તાનમાં જાસુસી અને ભાંગફોડની પ્રવૃત્તિઓ કરવાના ઈરાદા સાથે પ્રવેશ્યો હતો. 

ભારત દ્વારા આ તમામ આરોપો નકારી દેવાયા છે અને જણાવાયું છે કે, જાધવનું ઈરાનમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. જાધવ ભારતીય નૌકા દળમાંથી નિવૃત્ત થયા બાદ તેના વ્યવસાય અર્થે ઈરાનમાં હતો અને તેને સરકાર સાથે કોઈ જ સીધો સંબંધ નથી. 

કુલભુષણ જાધવની માતા અને તેની પત્નીને પાકિસ્તાન સરકાર દ્વારા ડિસેમ્બર, 2017માં ઇસ્લામાબાદ ખાતે મુલાકાત માટેની મંજુરી આપવામાં આવી હતી. ઈસ્લામાબાદની વિદેશ મંત્રાલયની કચેરીમાં આ મુલાકાત ગોઠવવામાં આવી હતી. ભારતના તત્કાલિન નાયબ હાઈ કમિશનર જે.પી. સિંઘ પણ જાધવના પરિવારના સાથે ગયા હતા. જાધવ અને તેના પરિવારની કાચની દિવાલ વચ્ચે 40 મિનિટ વાતચીત થઈ હતી. જાધવને મળવાની મકીલને મંજુરી આપવાનો મુદ્દે બંને દેશ વચ્ચે મુખ્ય રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news