ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની ચૂંટણી જીતી, સૌથી વધુ 188 મતો મળ્યાં

ભારત સંયુક્ત રાષ્ટ્રની ટોચની માનવાધિકાર સંસ્થામાં 3 વર્ષ માટે ચૂંટાઈ આવ્યું. તેનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી 2019થી શરૂ થશે.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની ચૂંટણી જીતી, સૌથી વધુ 188 મતો મળ્યાં

સંયુક્ત રાષ્ટ્ર: શુક્રવારે ભારત સંયુક્ત રાષ્ટ્રની ટોચની માનવાધિકાર સંસ્થામાં 3 વર્ષ માટે ચૂંટાઈ આવ્યું. તેનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી 2019થી શરૂ થશે. તેને એશિયા-પ્રશાંત શ્રેણીમાં 188 મતો મળ્યાં છે. તમામ ઉમેદવારોમાં સૌથી વધુ મતો ભારતને ફાળે ગયા છે. સંયુક્ત રાષ્ટ્રની 193 સભ્યોવાળી મહાસભાએ અહીં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના નવા સભ્યો માટે ચૂંટણી યોજી હતી. ગુપ્ત મતદાન દ્વારા કુલ 18 નવા સભ્યો  પૂર્ણ બહુમતથી ચૂંટાઈ આવ્યાં. કોઈ પણ દેશે ચૂંટાઈ આવવા માટે ઓછામાં ઓછા 97 મતોની જરૂર પડે છે. 

ભારત એશિયા પ્રશાંત શ્રેણીમાં એક સીટ માટે સતત પ્રયત્નશીલ હતું. ભારતની સાથે સાથે બહેરીન, બાંગ્લાદેશ, ફિજી અને ફિલિપાઈન્સે પણ આ સભ્યપદ માટે દાવો કર્યો હતો. આ જોતા એશિયા પ્રશાંત શ્રેણીથી પાંચ સીટો માટે પાંચ દેશો ચૂંટણીના મેદાનમાં હતાં. ભારતનું ચૂંટાઈ આવવું લગભગ નક્કી જ હતું. 

ભારતની આ મોટી જીત બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને કહ્યું કે સર્વાધિક મતોથી ભારતની જીત એ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની શાખને પરિલક્ષિત કરે છે. તેમણે ભારતના પક્ષમાં મતદાન કરનારા સભ્યોનો આભાર વ્યક્ત કર્યો. 

જીનેવા સ્થિત UNHRCમાં આ અગાઉ 2011-2014, 2014-2017 માટે પણ ભારત ચૂંટાઈ આવ્યું હતું. ભારતનો ગત કાર્યકારળ 31 ડિસેમ્બર 2017ના રોજ પૂરો થયો હતો. નિયમો મુજબ સતત બે કાર્યકાળ બાદ કોઈ પણ દેશ તરત ત્રીજીવાર ચૂંટણી લડી શકે નહીં. 

UNHRCમાં કુલ 47 સભ્ય દેશો
માર્ચ 2006માં સ્થાપિત થયેલ UNHRCમાં કુલ 47 સભ્ય દેશો છે. ભૌગોલિક સ્થિતિને જોતા સભ્યોને પાંચ ક્ષેત્રીય સમૂહોમાં વહેંચી દેવાયા છે. આફ્રિકન સ્ટેટસમાં 13 સભ્યો, એશિયા પેસિફિકમાં 13 સભ્યો, ઈસ્ટર્ન યુરોપિયન સ્ટેટ્સમાં 6, લેટિન અમેરિન અને કેરેબિયન સ્ટેટસમાં 8-8 સભ્ય દેશો જ્યારે વેસ્ટર્ન યુરોપિયન અને અન્ય સ્ટેટ્સ માટે 7 સીટો નિર્ધારીત છે. 

જે નવા સભ્યો  ચૂંટાઈ આવ્યાં છે તેમના નામ બુર્કિના ફાસો, કેમરુન, ઈરિટ્રિયા, સોમાલિયા અને ટોગો છે. આ બધા આફ્રિકન સ્ટેટ્સ કેટેગરીમાં છે. જ્યારે ઈસ્ટર્ન યુરોપિયન સ્ટેટ્સ ગ્રુપમાં બુલ્ગેરિયા અને ઝેક રિપબ્લિક જ્યારે લેટિન અમેરિકન કેરિબિયન સ્ટેટ્સ કેટેગરીમાં આર્જેન્ટિના, બહામાસ અને ઉરુગ્વે સામેલ છે. આ ઉપરાંત વેસ્ટર્ન યુરોપિયન અને અન્ય રાજ્યોની કેટેગરીમાં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક અને ઈટલી નવા સભ્યો ચૂંટાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news