RSS નેતા ભૈયાજી જોશીનું હિંસા અંગે મોટું નિવેદન : ધર્મની રક્ષા માટે ક્યારેક-ક્યારેક હિંસા જરૂરી છે
Suresh Bhaiyyaji Statement : ભૈય્યાજી જોશીએ 'હિંદુ આધ્યાત્મિક સેવા મેળા'માં જણાવ્યું હતું કે અહિંસાના ખ્યાલને બચાવવા માટે ક્યારેક હિંસા જરૂરી બની શકે છે. મહાભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભારતે શાંતિના માર્ગ પર બધાને સાથે લઈને ચાલવું પડશે. તેમણે હિન્દુ ધર્મની નિઃસ્વાર્થ સેવા પર પણ ભાર મૂક્યો
Trending Photos
Ahmedabad News : અમદાવાદમાં હિન્દુઓના સૌથી મોટા હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થઈ છે. ત્યારે આ મંચ પર અનેક જાણીતા મહાનુભાવો પોતાના વિચારો રજૂ કરી રહ્યાં છે. આવામાં અમદાવાદ પધારેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ક્યારેક હિંસા જરૂરી હોય છે. ક્યારેક અહિંસાના ખ્યાલને સુરક્ષિત રાખવા માટે હિંસા જરૂરી હોય છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતના લોકોએ બધાને સાથે લઈને શાંતિના માર્ગ પર ચાલવું પડશે.
ભારતે શાંતિના માર્ગ પર બધાને સાથે લઈને ચાલવું જોઈએ તેવું ભારપૂર્વક જણાવતા RSS નેતાએ કહ્યું કે અહિંસાના ખ્યાલને સુરક્ષિત રાખવા માટે ક્યારેક હિંસા "જરૂરી" હોય છે. ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 'હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા'ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું, હિન્દુઓ હંમેશા પોતાના ધર્મની રક્ષા માટે પ્રતિબદ્ધ રહે છે. આપણા ધર્મનું રક્ષણ કરવા માટે, આપણે એવા કાર્યો કરવા પડશે જેને બીજા લોકો અધર્મ કહેશે અને આવા કાર્યો આપણા પૂર્વજો કરતા હતા.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણીના સદસ્ય ભૈયાજી જોશીએ પૌરાણિક ગ્રંથ મહાભારતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હિન્દુ ધર્મમાં અહિંસાનું તત્વ વણાયેલું છે અને તેને નકારી શકાય જ નહીં. પરંતુ ક્યારેક-ક્યારેક આપણે અહિંસાના વિચારની રક્ષા માટે હિંસાનો સહારો લેવો પડે છે. આમ કરવામાં આવે નહીં તો અહિંસાનો વિચાર પણ સુરક્ષિત નહીં રહે. આપણા મહાન પૂર્વજોએ આપણને આ સંદેશો આપેલો છે. પાંડવોએ અધર્મનો અંત લાવવા માટે યુદ્ધ લડ્યું હતું. નિયમોની અવગણના કરી.
તેમણે આગળ કહ્યું હતું કે, જો કોઇ ધર્મ લોકોને પોત-પોતાના ધર્મનું પાલન કરવાની મંજૂરી આપે નહીં તો શાંતિની સ્થાપના પણ થવાની નથી. ભારત સિવાય અન્ય એવો કોઇ જ દેશ નથી જે તમામ દેશને સાથે લઇને ચાલવા માટે સમર્થ હોય. વસુધૈવ કુટુંબકમ્ આપણી આઘ્યાત્મિક્તાનો વિચાર છે. જો આપણે સમગ્ર વિશ્વને એક પરિવાર માની લઇએ તો કોઇ સંઘર્ષ નહીં થાય. આપણે જ્યારે એમ કહીએ કે ભારતને મજબૂત બનાવવું જોઇએ તો વાસ્તવમાં આપણે વિશ્વને એવું આશ્વાસન આપીએ છીએ કે એક મજબૂત ભારત અને એક મજબૂત હિન્દુ સમુદાય તમામના હિતમાં છે. કેમકે, આપણે નબળા અને વંચીતોની રક્ષા કરીશું. આ વિશ્વના હિન્દુઓ સાથે જોડાયેલી વિચારધારા છે.
અમદાવાદમાં કુંભ
જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા 23મી જાન્યુઆરીથી ચાર દિવસીય આ મેળાના સ્થાનને ‘અયોધ્યાપુરમ્’ નામ આપવામાં આવ્યું છે. 10 લાખથી વધુ લોકો મુલાકાતે આવવાના હોવાથી 10 એકરમાં વાહનો પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2018માં અમદાવાદમાં આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરાયું હતું. 7 વર્ષ બાદ વધુ ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાતના મંદિરો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો અંગે લોકોને જાગૃત કરાવવા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ સાથે આ મેળામાં 225થી વધુ સંસ્થાઓ ભાગ લીધો છે. 11 એકરમાં ષટ્કોણ થીમ પર સમગ્ર મેળાનું આયોજન કરાયું છે. સાયન્સ હોલ, ખેલ મેદાન, યજ્ઞ શાળા, ફિલ્મ એક્ઝિબિશન, એક્ઝિબિશન એરિયાની સાથે વિશાળ પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. મેળામાં સાધુ અને સંતો માટે પણ અલગથી વ્યવસ્થા કરાઈ છે. આ મેળામાં સંસ્થાઓ તેઓની સેવાકીય કાર્યોનું પ્રદર્શન કરીને લોકોને જાગૃત કરશે, જેમાંથી 90 ધાર્મિક સંસ્થાઓ પોતાના કાર્યોનું પ્રદર્શન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે