પાકિસ્તાનમાં 2000થી વધુ સરકારી શિક્ષકોને 'ગણતરીની મિનિટો'માં કરી દેવાયા સસ્પેન્ડ
શિક્ષણ સચિવે ખુલાસો કરતા જણાવ્યું કે, 'તપાસ સમિતિઓ 30 દિવસના અંદર ગેરહાજર રહેનારા શિક્ષકોના નસીબ અંગે નિર્ણય લેશે'
Trending Photos
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના એક રાજ્ય બલૂચિસ્તાનના શિક્ષણ વિભાગે ગયા અઠવાડિયે 2,000થી વધુ શિક્ષકોને એક ધડાકે સસ્પેન્ડ કરી દીધા. આ શિક્ષકો ક્વેટા, ડેરા બુગતી, પિશિન, કિલા અબ્દુલ્લા અને રાજ્યના અન્ય જિલ્લાઓના છે. બલૂચિસ્તાનના શિક્ષણ સચિવ તૈયબ લહરીએ આ માહિતી આપી છે.
લહરીએ ડોન ન્યૂઝને જણાવ્યું કે, "અમે નિષ્ક્રિય શાળાઓને કાર્યરત કરવા માટે તેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડક હાથે કામ શરૂ કર્યું છે." શિક્ષણ સચિવે જણાવ્યું કે, સસ્પેન્ડ કરાયેલા આ શિક્ષકોને સ્કૂલમાંથી ગેરહાજર રહેવા બાબતે કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, તેઓ આ નોટિસનો જવાબ આપવા સ્કૂલમાં હાજર રહ્યા ન હતા.
સચિવે જણાવ્યું કે, પિશિનમાં 200થી વધુ શિક્ષકો, 81 ડેરા બુગતીમાં અને અન્ય શિક્ષકોને જુદા-જુદા જિલ્લાઓમાંથી સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર બલુચિસ્તાનમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર શિક્ષણ સુધીની સ્કૂલમાં શિક્ષકોની સંખ્યા 70,000થી વધારે છે.
આ પ્રથમ વખત રાજ્યની સરકાર દ્વારા ગેરહાજર રહેનારા શિક્ષકો સામે આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં શિક્ષણની સ્થિતિની સમીક્ષા માટે બલૂચિસ્તાનના શિક્ષણ સલાહગાર મોહમ્મદ ખાન લહરી દ્વારા કરાયેલી સમીક્ષા બેઠક પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બેઠકમાં 1800થી વધુ બિનક્રિયાશિલ સ્કૂલને સક્રિય કરવા માટે અને રાજ્યની 67 માધ્યમિક, 80 ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે