વર્લ્ડકપ 2019: વિશ્વકપમાં ભારતનો પાંચમો વિજય, વિન્ડીઝને 125 રને હરાવ્યું

બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે આઈસીસી વિશ્વ કપ-2019ની 34મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 125 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પાંચમો વિજય મેળવ્યો છે.

વર્લ્ડકપ 2019: વિશ્વકપમાં ભારતનો પાંચમો વિજય, વિન્ડીઝને 125 રને હરાવ્યું

માનચેસ્ટરઃ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે આઈસીસી વિશ્વ કપ-2019ની 34મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 125 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પાંચમો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં કોહલી અને ધોનીની અડધી સદીની મદદથી 7 વિકેટે 268 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિન્ડીઝની ટીમ  34.2 ઓવરમાં 143 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શમીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.  

ટૂર્નામેન્ટમાં ભારતનો આ પાંચમો વિજય છે. ભારતના કુલ 11 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ સેમિફાઇનલમાં પહોંચવાની નજીક પહોંચી ગઈ છે. 

શમીએ ભારતને અપાવી શરૂઆતી સફળતા
અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક ઝડપનાર મોહમ્મદ શમીએ આ મેચમાં પણ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. શમીએ ક્રિસ ગેલ (6)ને કેદાર જાધવના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ શાઈ હોપ (5)ને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. વિન્ડીઝે 16 રનમાં બે વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શમીએ શિમરોન હેટમાયર (18)ને રાહુલના હાથે કેચ કરાવીને પોતાની ત્રીજી સફળતા મેળવી હતી. 

સુનિલ એમ્બ્રિસ-પૂરન વચ્ચે અડધી સદીની ભાગીદારી
ઓપનિંગ બેટ્સમેન સુનિલ એમ્બ્રિસ અને નિકોલર પૂરને ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. સુનિલ એમ્બ્રિસ (31)ને હાર્દિક પંડ્યાએ LBW આઉટ કરીને વિન્ડીઝને ત્રીજો ઝટકો આપ્યો હતો. નિકોલસ પૂરન (28)ને કુલદીપ યાદવે આઉટ કર્યો હતો. તેણે 50 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ કેપ્ટન જેસન હોલ્ડર (6)ને ચહલે કેદારના હાથે કેચ કરાવીને વિન્ડીઝને પાંચમો ઝટકો આપ્યો હતો. 

બુમરાહ હેટ્રિક ચુક્યો
જસપ્રીત બુમરાહ 27મી ઓવરમાં પોતાના બીજા સ્પેલમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેણે પ્રથમ બોલ પર બ્રેથવેટને ધોનીના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ફેબિયન એલેનને શૂન્ય પર LBW આઉટ કર્યો હતો. બુમરાહને હેટ્રિકની તક મળી હતી પરંતુ તે આ સિદ્ધિ મેળવવા ચુકી ગયો હતો. શેલ્ડન કોટરેલ (10)ને ચહલે LBW આઉટ કર્યો હતો. 

ભારત તરફથી મોહમ્મદ શમીએ 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાબ, ચહલે બે-બે તથા હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી હતી.  

ભારતે બનાવ્યો સન્માનજનક સ્કોર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ પર 268 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 72 રનનું યોગદાન આપ્યું હતું. એમએસ ધોની 61 બોલ પર 56 રન બનાવી અણનમ રહ્યો હતો. લોકેશ રાહુલ 48 અને હાર્દિક પંડ્યાએ 46 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે કેમાર રોચે 3, જેસન હોલ્ડર અને શેલ્ડન ટોકરેલે બે-બે વિકેટ ઝડપી હતી. 

ધોની-હાર્દિક વચ્ચે 70 રનની ભાગીદારી 
કોહલી આઉટ થયા બાદ મેદાનમાં ઉતરેલા હાર્દિકે ધોનીને સાથ આપ્યો હતો. બંન્નેએ છઠ્ઠી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક 38 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજીતરફ ધોનીએ પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. તેણે 50મી ઓવરમાં ઓશાને થોમસના બોલ પર કુલ 16 રન બનાવ્યા હતા. 

કોહલીએ 52મી અડધી સદી ફટકારી 
કોહલીએ કરિયરની 52મી અડધી સદી ફટકારી હતી. આ કોહલીનો સતત ચોથો 50+ સ્કોર છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 82, પાકિસ્તાન વિરુદ્ધ 77 અને અફઘાનિસ્તાન વિરુદ્ધ 67 રન બનાવ્યા હતા. કોહલી આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી ઓછી ઈનિંગમાં 20 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ માનચેસ્ટરમાં 37 રન બનાવતા આ સિદ્ધિ હાસિલ કરી હતી. 

કોહલીએ લારા-સચિનનો રેકોર્ડ તોડ્યો 
કોહલીએ સૌથી ઓછી ઈનિંગમાં 20 હજાર રન બનાવવાના મામલામાં સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો છે. સચિન અને લારાએ 457મી ઈનિંગમાં 20 હજાર રન પૂરા કર્યાં હતા. કોહલીએ 417મી ઈનિંગમાં જ આ આંકડાને પાર કરી દીધો છે. તે 20 હજાર રન બનાવનાર 12મો બેટ્સમેન છે. કોહલીએ ટેસ્ટમાં 131, વનડેમાં 224 અને ટી20મા 62 ઈનિંગ રમી છે. 

લોકેશ રાહુલ અડધી સદી ચૂક્યો 
ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો 29 રનના સ્કોર પર લાગ્યો હતો. ઓપનર રોહિત શર્મા 18 રન બનાવી આઉટ થયો હતો. કેમાર રોચના બોલ પર શાઈ હોપે તેનો કેચ લીધો હતો. લોકેશ રાહુલ અડધી સદી ફટકારવાથી ચુકી ગયો હતો. 48 રન પર તે હોલ્ડરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે બીજી વિકેટ માટે કોહલી સાથે 69 રનની ભાગીદારી કરી હતી. વિજય શંકર 14 રન બનાવી કેમાર રોચના બોલ પર આઉટ થયો હતો. કેદાર જાધવ (7)ને કેમાર રોચે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news