એશિયા કપમાં મુકાબલા પહેલા જૂઓ ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યંત રોમાંચક રહેલા 5 'મહામુકાબલા'
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચ એક 'યુદ્ધ'થી ઓછી હોતી નથી, આ 'યુદ્ધ'માં બંને પક્ષે દશભક્તી ચરમસીમાએ હોય છે
Trending Photos
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી કોઈ પણ ક્રિકેટ મેચ એક 'યુદ્ધ'થી ઓછી નથી હોતી. આ 'યુદ્ધ'માં બંને તરફ દેશભક્તી ચરમસીમાએ હોય છે. બંને દેશની કરોડોની વસતી પણ આ યુદ્ધનો ભરપૂર આનંદ માણે છે. પછી મેચના અંતિમ બોલ પર લગાવાયેલો છગ્ગો હોય કે છેલ્લી ઓવરમાં લેવાયેલી વિકેટ. મેચની દરેક ઘટના યાદગાર બની જાય છે. એશિયા કપમાં બને ટીમ ફરી એક વખત સામ-સામે ટકરાવાની છે. આ વખતે આ મુકાબલો યુએઈમાં થવા જઈ રહ્યો છે. અહીં, ભારત-પાક વચ્ચે રમાયેલા આવા જ કેટલાક રોમાંચક અને યાદગાર બની ગયેલા 5 'મહામુકાબલા'ની વાતો રજુ કરી છે.
પેપ્સી કપ, 1996
શારજાહમાં રમાતી ભારત-પાકિસ્તાન મેચ હંમેશાં ખાસ રહેતી હોય છે. શારજાહમાં ભારત અને પાકિસ્તાનીઓની ઘણી વસતી છે. આથી બંને ટીમને એમ લાગે છે કે તેઓ પોતાના ઘરેલુ મેદાનમાં રમી રહી છે. પેપ્સી કપની આ મેચ એટલા માટે ખાસ હતી, કેમ કે ભારતે પ્રથમ બેટિંગ કરતાં ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત 300 રન બનાવ્યા હતા. સચિન તેંડલુકર અને નવજોત સિંહ સુદ્ધુ બંનેએ સદી ફટકારી હતી. પાકિસ્તાન આ મેચ 28 રને હારી ગયું હતું.
વિશાખાપટ્ટનમ, 2005
આ મેચ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે, તેણે સંકેત આપ્યા હતા કે મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપમાં એક મોટી તાકાત તરીકે બહાર આવશે. ધોનીએ આ મેચમાં 123 બોલમાં 148 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. તેણે દરેક દિશામાં શોટ ફટકારીને વર્લ્ડ ક્રિકેટનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. એ સમયે ભારતની બેટિંગ લાઈનમાં સચિન, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજ ખેલાડી હતી. જોકે, ધોનીએ આ બધાની ચમક ફિકી પાડી દીધી હતી. ધોનીની પ્રશંસા બંને દેશનાં પ્રશંસકોએ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 9 વિકેટ ગુમાવીને 359નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 44.1 ઓવરમાં 298 રને આઉટ થઈ ગઈ હતી.
એશિયા કપ, 2012
આ મેચ પણ 300થી વધુના સ્કોરવાળી રહી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 329 રનનું લક્ષ્ય ભારતને આપ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાને ગેમ ચેન્જર સાબિત કર્યો હતો. કોહલીએ 148 રનની ઈનિંગ્સ રમીને બે ઓવર પહેલાં જ ભારતને વિજય અપાવી દીધો હતો.
રોથમેન્સ કપ ફાઈનલ, શારજાહ 1985
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ક્લાસિક મેચ હતી, જેને પ્રશંસકો આજ સુધી ભુલ્યા નહીં હોય. આ મેચ ઈમરાન ખાનની બોલિંગ માટે યાદ કરવામાં આવે છે. ઈમરાને ભારતીય ટીમને 125 રને આઉટ કરી રહી હતી. એવું લાગતું હતું કે, પાકિસ્તાન આ એકપક્ષીય મેચ જીતી જશે. જોકે, દર્શકો માટે હજુ રોમાંચ બાકી હતો. ટીમ ઈન્ડિયાએ પણ સામે પક્ષે પાકિસ્તાન કરતાં વધુ સારી બોલિંગ કરકી અને પાકિસ્તાનની ટીમને માત્ર 87 રનમાં ઓલ આઉટ કરીને મેચ જીતી લીધી. ભારત માટે આ વિજય સૌથી ચોંકાવનારો હતો.
એશિયા કપ, 1986
એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે ટક્કર હતી. બંને ટીમે સર્વશ્રેષ્ઠ ક્રિકેટનું પ્રદર્શન કર્યું. સુનીલ ગાવસ્કરે 92 રન બનાવ્યા, જેના કારણે ભારતે પાકિસ્તાનને 245 રનનું લક્ષ્ય આપ્યુંહતું. જોકે, જાવેદ મિયાંદાદે ચેતન શર્માના અંતિમ બોલ પર સિક્સર ફટકારીને પાકિસ્તાનને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. જાવેદ મિયાંદાદનો આ છગ્ગો ક્રિકેટ ઈતિહાસનો યાદગાર છગ્ગો બની ગયો હતો. આ છગ્ગાએ મિયાંદાદને ક્રિકેટની દુનિયામાં અમર બનાવી દીધા. કરોડો લોકો તેના ફેન બની ગયા હતા.
હવે, બીજી એક ખાસ વાત જણાવી દઈએ કે એશિયા કપમાં 6 વખત ટાઈટલ જીતીને ભારત આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ રહી છે. જોકે, પાકિસ્તાને જ ભારતને સૌથી મોટી ટક્કર આપી છે. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 12 મેચ રમાઈ છે. ભારતે 6 મેચ જીતી છે, જ્યારે 5માં પરાજય થયો છે. એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે