Ranji Trophy : સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં છતાં પંજાબને હરાવી સૌરાષ્ટ્ર સેમીફાઇનલમાં, પાર્થ બન્યો હીરો
રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રે શાનદાર વાપસી કરતા પંજાબને હરાવી દીધુ છે. આ જીત સાથે સૌરાષ્ટ્રે સેમીફાઇનલમાં પણ પ્રવેશ કરી લીધો છે. હવે તેનો સામને કર્ણાટક સામે થશે.
Trending Photos
રાજકોટઃ રણજી ટ્રોફી સીઝન-2022-2023 (Ranji Trophy)ની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે મુખ્ય ખેલાડી ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકરની ગેરહાજરીમાં પણ સેમીફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. કારણ કે પંજાબ વિરુદ્ધ ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રના આ ત્રણ સ્ટાર ખેલાડીની કમી નવમાં ક્રમે બેટિંગ કરવા આવેલા પાર્થ ભુતે પૂરી કરી હતી. પાર્થે બંને ઈનિંગમાં મળીને 162 રન ફટકાર્યા અને મેચમાં આઠ વિકેટ લીધી હતી. જેના કારણે સૌરાષ્ટ્રે પંજાબને 71 રને પરાજય આપી સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તેનો સામનો કર્ણાટક સામે થશે.
પાર્થની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ
પંજાબને બીજી ઈનિંગમાં જીત માટે સૌરાષ્ટ્રે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચોથા દિવસની રમતના અંતે પંજાબે બે વિકેટ પર 52 રન બનાવ્યા હતા. મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રના બોલરોએ કમાલની બોલિંગ કરી અને પંજાબની ટીમને 180 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ રીતે પંજાબે 130 રનમાં પોતાની અંતિમ આઠ વિકેટ ગુમાવી અને ટીમ લક્ષ્યથી 71 રન પાછળ રહી ગઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી પાર્થે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.
પ્રથમ ઈનિંગમાં પાર્થે ફટકારી હતી સદી
રાજકોટના મેદાનમાં 31 જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેચના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમે 147 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ નવમાં ક્રમે બેટિંગ કરવા આવેલા પાર્થે બધાના દિલ જીતી લીધા. પાર્થે સૌરાષ્ટ્રની ઈનિંગ સંભાળી હતી અને તે અણનમ રહ્યો હતો. પાર્થે 155 બોલમાં ચાર સિક્સ અને 11 ચોગ્ગાની મદદથી અણનમ 111 રન ફટકાર્યા હતા. જેની મદદથી સૌરાષ્ટ્રની ટીમ 303 રન બનાવવામાં સફળ રહી હતી.
પંજાબનો પલટવાર
બેટિંહમાં સદી ફટકાર્યા બાદ પાર્થે બોલિંગમાં પમ કમાલ કર્યો અને પ્રથમ ઈનિંગમાં 114 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. આ બંનેની બોલિંગ છતાં પંજાબની ટીમે પ્રથમ ઈનિંગમાં 431 રન ફટકારી દીધા હા. પ્રથમ ઈનિંગમાં પ્રભસિમરન સિંહે 126 તો નમન ધીરે 131 રન બનાવ્યા હતા.
પાર્થ બન્યો હીરો
હવે પંજાબથી પાછળ રહ્યાં બાદ સૌરાષ્ટ્રે બીજી ઈનિંગમાં વાપસી કરી અને 379 રન બનાવ્યા હતા. ત્યારબાદ પંજાબને જીત માટે 252 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ઈનિંગમાં પણ પંજાબે નવમા ક્રમે બેટિંગ કરતા 51 રન બનાવ્યા હતા. જ્યારે પ્રેરક માંકડે 88 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઈનિંગમાં પાર્થે પાંચ વિકેટ લીધી હતી. આ મેચમાં પાર્થે કુલ 162 રન બનાવ્યા અને આઠ વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે