NZvsSL: ન્યૂઝીલેન્ડની શ્રીલંકા પર સતત બીજી જીત, ગ્રાન્ડહોમ-ટોમ બ્રૂસની ધમાકેદાર ઈનિંગ
ન્યૂઝીલેન્ડે પ્રથમ ટી20 મેચમાં પણ શ્રીલંકાને હરાવ્યુ હતું. તેણે બીજી મેચ જીતીને 3 મેચોની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ યજમાન શ્રીલંકા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરી રહેલી ન્યૂઝીલેન્ડની ટીમે સતત બીજી ટી20 મેચ પણ જીતી લીધી છે. તેણે મંગળવારે રમાયેલા આ મુકાબલામાં શ્રીલંકાને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. કીવી ટીમે પ્રથમ મેચ 5 વિકેટથી પોતાના નામે કરી હતી. સતત બીજી જીત સાથે તેણે ત્રણ મેચોની ટી-20 સીરિઝમાં પણ 2-0ની લીડ મેળવી લીધી છે. આ પહેલા બંન્ને ટીમો વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. ત્રીજી ટી20 મેચ શુક્રવારે રમાશે.
યજમાન શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે 20 ઓવરમાં 9 વિકેટ પર 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડની જીતનો હીરો કોલિન ડિ ગ્રાન્ડહોમ (Colin de Grandhomme) રહ્યો હતો. તેણે 38 રનમાં ત્રણ વિકેટ ગુમાવનાર કીવી ટીમ માટે 46 બોલમાં 59 રન ફટકાર્યા હતા. તેણે બીજા છેડે ટોમ બ્રૂસ (53)ની સાથે ચોથી વિકેટ માટે 109 રનની ભાગીદારી પણ કરી હતી.
શ્રીલંકા તરફથી અલિકા ધનંજયે 3 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે એક સમયે ત્રણ વિકેટ પર 147 રન બનાવી લીધા હતા. આગામી આઠ રન બનાવવામાં તેણે વધુ ત્રણ વિકેટ ગુમાવી અને સ્કોર 155 રન પર છ વિકેટ થઈ ગયો હતો. પરંતુ મિચેલ સેન્ટરને બે બોલ પર 10 રન ફટરારીને શ્રીલંકાની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે