સરફરાઝને કેપ્ટન પદેથી હટાવો, હેડ કોચ મિકી આર્થરે બોર્ડને કરી ભલામણ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ક્રિકેટ કમિટીએ પાકિસ્તાન ટીમના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનની સમીક્ષા કરી છે. કમિટીએ આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપની પણ સમીક્ષા કરી હતી. 

સરફરાઝને કેપ્ટન પદેથી હટાવો, હેડ કોચ મિકી આર્થરે બોર્ડને કરી ભલામણ

કરાચીઃ  પાકિસ્તાન ટીમના હેડ કોચ મિકી આર્થરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીની ક્રિકેટ કમિનીને ટીમના હાલના કેપ્ટન સરફરાઝ અહમદને હટાવવાની ભલામણ કરી છે. હેડ કોચ મિકી આર્થરે પીસીબીને કેપ્ટન સરફરાઝ અહમદને હટાવવાની ભલામણ તે માટે કરી છે, કારણ કે તે પોતે આગામી બે વર્ષ સુધી પાકિસ્તાનની ટીમ સાથે જોડાઈને તેને ઉંચાઇઓ પર લઈ જવા ઈચ્છે છે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ક્રિકેટ કમિટીએ પાકિસ્તાન ટીમના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનની સમીક્ષા કરી છે. કમિટીએ આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપની પણ સમીક્ષા કરી, જેમાં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલ પહેલા બહાર થઈ ગઈ હતી. સૂત્રો પ્રમાણે મિકી આર્થરે કેપ્ટન સરફરાઝ અહમદને કેપ્ટન પદે હટાવવાની ભલામણ કરતા એક નવા નામનું સૂચન પણ કર્યું છે. 

મિકી આર્થર ઈચ્છે છે કે સરફરાઝ અહમદના સ્થાને શાદાબ ખાન ટી20 અને વનડે માટે પાકિસ્તાન ટીમનો કેપ્ટન બને. આ સિવાય ટેસ્ટ ટીમ માટે પાકિસ્તાનની કમાન બાબર આઝમને મળે. મિકી આર્થરે કેપ્ટન સરફરાઝ અહમદની નબળાઈઓ વિશે પણ બોર્ડને જાણ કરી છે. 

પીસીબીના મેનેડિંગ ડાયરેક્ટર વસીમ ખાનની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં મિકી આર્થરે ક્રિકેટ કમિટીને કહ્યું છે, 'મને પાકિસ્તાનની ટીમની સાથે બે વર્ષ વધુ રહેવાની જરૂર છે, જેથી હું ટીમ પાસેથી યાદગાર પરિણામ કઢાવી શકું. મહત્વનું છે કે 2016ના મધ્યથી જ મિકી આર્થર પાકિસ્તાન ટીમના કોચ છે.'

હેડ કોચ તરીકે મિકી આર્થરે પાકિસ્તાનને અપાવેલી સિદ્ધિઓ પર નજર કરીએ તો પાકિસ્તાને વર્ષ 2017મા ભારતને હરાવીને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સિવાય ઘણા સમયથી પાકિસ્તાનની ટીમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઈસીસી રેન્કિંગમાં નંબર વન છે. પરંતુ વનડે અને ટેસ્ટમાં ટીમનું પ્રદર્શન એટલું સારૂ રહ્યું નથી. 

મહત્વનું છે કે પાકિસ્તાન ટીમના હાલના હેડ કોચ મિકી આર્થર અને બાકી સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ આ 15 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. સૂત્રોએ તે પણ જણાવ્યું કે, મિકી આર્થરે પીસીબીની ક્રિકેટ કમિટીની સાથે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે કેમ પાકિસ્તાનના પ્રદર્શન નીચે ગયું છે. આ વિશે મિકી આર્થરે પ્રેઝનટેશનમાં જણાવ્યું કે, ટીમના ફીલ્ડિંગ કોચ હટ્યા બાદ ટીમની ફીલ્ડિંગનું સ્તર નીચે ગયું છે, જે પ્રદર્શનમાં ઘણું મહત્વ ધરાવે છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારી આ પક્ષ સાથે સંમત નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news