IPL 2021, RCB vs KKR: આરસીબી માત્ર 92 રનમાં ધરાશાયી, કોલકત્તાનો 9 વિકેટે શાનદાર વિજય
IPL 2021, RCB vs KKR: આંદ્રે રસેલ અને વરૂણ ચક્રવર્તીની દમદાર બોલિંગ સામે બેંગલોરની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિરાટની ટીમ માત્ર 92 રન બનાવી શકી હતી.
Trending Photos
અબુધાબીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ-2021ના બીજા ફેઝમાં શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. અબુધાબીના શેખ ઝાયત આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કોલકત્તાએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 9 વિકેટે પરાજય આપી આ સીઝનમાં પોતાની ત્રીજી જીત મેળવી છે. આ જીત સાથે કોલકત્તાના છ પોઈન્ટ થઈ ગયા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીની ટીમ માત્ર 92 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે 10 ઓવરમાં 1 વિકેટે 94 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
કોલકત્તાના ઓપનરોની શાનદાર બેટિંગ
બેંગલોરે આપેલા 93 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સને શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં જ 56 રનની ભાગીદારી કરી હતી. કોલકત્તાને 82 રનના સ્કોર પર શુભમન ગિલ (48)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ગિલ 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી ચહલનો શિકાર બન્યો હતો.
આઈપીએલમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલ વેંકટેશ અય્યર 27 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 41 રન બનાવી અણનમ રહ્યો હતો. તો આંદ્રે રસેલ પણ શૂન્ય રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.
કોલકત્તાની બોલિંગ સામે આરબીસી ધરાશાયી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કેપ્ટન વિરાટ કોહલીનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. આરસીબીને પ્રથમ ઝટકો વિરાટ કોહલી (5)ના રૂપમાં લાગ્યો હતો. કોહલીને પ્રસિદ્ધ કૃષ્ણાએ LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ 41 રન પર ટીમને દેવદત્ત પડિક્કલના (22) રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. પડિક્કલ લોકી ફર્ગ્યૂસનનો શિકાર બન્યો હતો. પાવરપ્લેમાં આરસીબીએ 2 વિકેટે 41 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ BCCI એ 2021-22 માટે ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ કર્યો જાહેર, અમદાવાદ-રાજકોટ સહિત આ જગ્યાએ રમાશે મેચ
મેક્સવેલ, ડિવિલિયર્સ ફ્લોપ
પાવરપ્લે બાદ આંદ્રે રસેલે એસ ભરત (16)ને શુભમન ગિલને હાથે કેચ આઉટ કરાવી કોલકત્તાને ત્રીજી સફળતા અપાવી હતી. આજ ઓવરમાં આંદ્રે રસેલે શાનદાર યોર્કર દ્વારા એબીડી વિલિયર્સ (0)ને બોલ્ડ કરી કોલકત્તાને મોટી સફલતા અપાવી હતી. ત્યારબાદ ગ્લેન મેક્સવેલ (10) વરૂણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો હતો. આરસીબીએ 63 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
વરૂણ ચક્રવર્તીની શાનદાર બોલિંગ
સચિન બેબી 7 રન બનાવી ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો હતો. હસરંગા (0) પણ ચક્રવર્તીની ઓવરમાં LBW આઉટ થયો હતો. કાઇલ જેમિન્સને ચાર રન બનાવ્યા હતા. હર્ષલ પટેલ (12) ફર્ગ્યૂસનનો શિકાર બન્યો હતો. સિરાજ (8)ને રસેલે આઉટ કરી બેંગલોરની ઈનિંગનો અંત કર્યો હતો. કોલકત્તા તરફથી આંદ્રે રસેલે 9 રન આપીને ત્રણ અને વરૂણ ચક્રવર્તીએ 13 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાને એક અને લોકી ફર્ગ્યૂસનને બે સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે