કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં વહાલસોયા ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
વાપીથી ભીલાડમાં લગ્ન પ્રસંગમાં ગયા બાદ સાત વર્ષીય બાળક અચાનક ગુમ થતા પરિવારે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બાળક 39 કલાક બાદ વાપીની દમણગંગા નદી પાસે ઝાડી ઝાંખરામાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં મુંબઇમાં રહેતા બાળકના પિતરાઇ મામાએ જ પ્રેમિકાને 30 લાખ આપવા અન્ય બે વ્યક્તિને 10 લાખની લાલચ આપી અપહરણ કરાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Trending Photos
નિલેશ જોશી/ઉમરગામ: આપણા સમાજમાં મામાને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. જે સંબંધમાં બે વાર માં આવે એટલે મામા પરંતુ આજના આધુનિક યુગમાં મામા અને ભાણેજના સંબંધો પણ લજવાઈ રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ વિસ્તારમાં એક મામા જ પોતાના ભાણાનો દુશ્મન બની ગયો છે. શોર્ટકટમાં રૂપિયાની લાહમાં પોતાની બહેનના વહાલ સોયા દીકરાનું અપરણ કર્યું હતું. સાઉદી અરેબિયાથી લગ્ન માણવા આવેલ ભાણેજની હત્યા કરવાના ઇરાદે લાખો રૂપિયાની ખંડણી માગનાર મામો અને તેના 2 સાગરીતોને ઝડપવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે ત્યારે કોણ છે આ કલયુગનો કંસ મામો??
વલસાડ જિલ્લાના ઉમરગામના ભીલાડમાં ગઈ 23મી ડીસેમ્બર ના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આ દરમિયાન લગ્નના જમણવારમાં મામાના ત્યાં મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલું એક બાળક ગુમ થયું હતું. જમણવાર બાદ બાળક નહીં તમળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય પતો ન લાગતા આખરે તેઓએ ભીલાડ પોલીસ સ્ટેશન નો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળક ને શોધવા હાથ ધરેલ સર્ચ ઓપરેશન માં ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી.
આખરે આ બાળક એક ઝાડી માંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યું હતું. અપહરણ બાદ પોલીસે 36 કલાક સુધી ચલાવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન બાળક હેમ ખેમ મલી આવતા પોલીસે અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે બાળકની તબિયત જોતા તાત્કાલિક તેને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
માતા પિતા સાથે લગ્નના થોડા દિવસ અગાઉ જ બાળક સાઉદી અરેબિયા થી ભીલાડ આવ્યું હતું અને લગ્નના જમણવાર દરમિયાન સગા સબંધીઓ ની હાજરીમાં જ તેનું અપહરણ થવાને કારણે અનેક રહસ્યો સર્જાયા છે. આથી આરોપી સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને લગ્ન પ્રસંગમાં આવેલા અન્ય સગા સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી અને આસપાસના 70થી વધુ ઘરોમાં તપાસા કરતા અંતે પોલીસે આ બાળકના અપહરણના મામલામાં શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારૂખખાન નામના આરોપી સહિત અન્ય બે આરોપીઓની પણ સંડોવણી બહાર આવતા પોલીસે મુંબઈથી ઉમેર ઉર્ફે મોનું જુબેર ખાન અને મહંમદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. તો અપહરણનો માસ્ટરમાઈન્ડ શાહબાઝ ખાન ઉર્ફે સોનું ફારુક ખાનની પણ ઉત્તર પ્રદેશના આગ્રા મથુરા નજીકથી ઝડપી પાડ્યો હતો.
આરોપી શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારુક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામો હતો અને આ મામાએ જ સાઉદી અરેબિયાથી લગ્ન માણવા આવેલા આ બાળકના પિતા પાસે લાખો રૂપિયાની ખંડણી માગવાના ઇરાદે તેના મુંબઈના બે સાગરીતો સાથે મળી અને ભાણેજના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ આરોપીઓએ લગ્ન પ્રસંગમાંથી જ બાળકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને બેહોશ કરી અને બાળકના પિતા પાસેથી લાખોની ખંડણી માગવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે બાળકનું ગળું દબાવતા બાળક બેહોશ થઈ ગયું હતું. આથી બાળક મરી ગયું હોવાનું માની આરોપીઓ બાળકને વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઝાડીયોમાં ફેંકી અને ફરાર થઈ ગયા હતા. આમ કૌટુંબીક મામાએ જ ભાણેજના પિતા પાસેથી મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણ નું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
પોલીસના હાથે ભાણેજના અપહરણના માસ્ટરમાઈન્ડ મામા શાહબાજ ઉર્ફે સોનું ફારૂખ ખાનના બે સાગરીતો હાથ લાગ્યા છે. જ્યારે માસ્ટરમાઈન્ડ મામાને વલસાડ જિલ્લા પોલીસ મથુરાથી વલસાડ લાવી રહી છે. ઝડપાયેલા બે સાગરીતોના પૂછપરછમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ માસ્ટરમાઈન્ડ મામો આ બંને સાગરીતોને 10 લાખ રૂપિયા આપવાની લાલચ આપી અને આ ષડયંત્ર માં સામેલ કર્યા હતા અને લગ્નના એક મહિના અગાઉ જ તેઓએ પ્લાન બનાવ્યું હતું. અપહરણમાં સામેલ આ આ બંને સાગરીતોને મામાએ વાપી નજીક હાઈવે પરની એક હોટલમાં રાખ્યા હતા.
પરિવારમાં દીકરાને માતા બાદ સૌથી વધુ પ્રેમ મામા જ કરતા હોય છે. ત્યારે કળિયુગનો આ મામો તાત્કાલિક રૂપિયા કમાવવા એટલો બધો અંધ બની ગયો હતો કે પોતાના જ વહાલસોયા ભાણા અફાપની હત્યા અને ખંડણી માગી લાખો રૂપિયા કમાવવાનો પ્લાન રચ્યો હતો. જોકે રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ફરી એકવાર સાર્થક ઠરી છે. ભાણેજ અફાપ મરી ગયો તેવું માનીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે 36 કલાક સુધી ઝાડીઓ વચ્ચે નિર્જન વિસ્તારમાં નસીબદાર અફાપ શેખની રક્ષા ઉપરવાળા એ જ કરી છે અને 36 કલાક બાદ પણ આ પીડિત બચી ગયો છે ત્યારે હાલ ઝડપાયેલા તમામ આરોપીઓ વિરોધ ભીલાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે