કર્ણાટક બન્યું વિજય હજારે ચેમ્પિયન, અભિમન્યુ મિથુનની બર્થડેના દિવસે હેટ્રીક
કર્ણાટકના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને આ મેચમાં હેટ્રીક લઈને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં હેટ્રીક લેનારો તે કર્ણાટકનો પ્રથમ બોલર બન્યો છે. મિથને અંતિમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે સળંગ 3 વિકેટ ઝડપી હતી.
Trending Photos
બેંગલુરુઃ કર્ણાટકે ચોથી વખત વિજય હજારે ટ્રોફી પોતાને નામ કરી છે. યજમાન ટીમે શુક્રવારે ઘરેલુ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 5 વખતની વિજેતા તમિલનાડુને વરસાદથી પ્રભાવિત મેચમાં વીજેડી પદ્ધતિની મદદથી 60 રને હરાવી દીધી હતી. કર્ણાટકના અભિમન્યુ મિથુનની હેટ્રિક અને 5 વિકેટની મદદથી તમિલનાડુને 49.5 ઓવરમાં 252 રને ઓલ આઉટ કરી લીધું હતું. ત્યાર પછી 23 ઓવરમાં એક વિકેટે 146 રન બનાવી લીધા હતા. એ દરમિયાન વરસાદ પડતાં મેચ રોકવી પડી હતી.
વીજેડી પદ્ધતિથી કર્ણાટકનો વિજય
વરસાદ પડવાના કારણે મેચ રમી શકાઈ નહીં. કર્ણાટકને વીજેડી પદ્ધતિના આધારે વિજેતા જાહેર કરાયું હતું. મેચ અટકી ત્યારે કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ 52 અને મયંક અગ્રવાલ 69 રન બનાવીને રમતા હતા. રાહુલે 72 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી તો મયંકે 55 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. યજમાન ટીમ માત્ર એક જ વિકેટ દેવદૂત પડીકલની ગુમાવી હતી.
અભિમન્યુ મિથુન રહ્યો હીરો
આ અગાઉ કર્ણાટકના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને આ મેચમાં હેટ્રીક લઈને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં હેટ્રીક લેનારો તે કર્ણાટકનો પ્રથમ બોલર બન્યો છે. મિથને અંતિમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે સળંગ 3 વિકેટ ઝડપી હતી. તેણે પહેલા શાહરૂખ ખાન(27), એમ. મોહમ્મદ (0) અને મુરુગુન અશ્વિન (0)ને આઉટ કરીને તમિલનાડુને ઓલઆઉટ કરવાની સાથે જ પોતાની હેટ્રીક પુરી કરી હતી.
તમિલનાડુનો ટોપ ઓર્ડર રહ્યો નિષ્ફળ
તમિલનાડુનો ટોપ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ રહ્યો હતો. માત્ર ઓપનિંગ બેટ્સમેન અભિનવ મુકુંદ જ વિકેટ પર ટકી શક્યો. મુકુંદે 110 બોલમાં 85 રન બનાવ્યા હતા. તાજેતરમાં જ ટેસ્ટ મેચ રમીને આવેલો રવિચંદ્રન અશ્વિન માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. મુકુંદને બાબા અપરાજિતનો સાથ મળ્યો. અપરાજિતે 84 બોલમાં 66 રન બનાવ્યા હતા અને મુકુંદ સાથે ત્રીજી વિકેટની 124 રનની ભાગીદારી કરી હતી.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે