વિરોધી ટીમના કેપ્ટને વિરાટને ફેંક્યો 'પડકાર', કહ્યું-, 'અમે શું ચીજ છીએ તે દેખાડવા માંગીએ છીએ'
આયરલેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન ગેરી વિલ્સનનું કહેવું છે કે તેમની ટીમ અહીં 27 જૂનથી શરૂ થઈ રહેલી બે ટી-20 મેચોની સિરીઝમાં ભારતને હરાવવા માટે સક્ષમ છે.
Trending Photos
માલાહાઈડ (આયરલેન્ડ): આયરલેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન ગેરી વિલ્સનનું કહેવું છે કે તેમની ટીમ અહીં 27 જૂનથી શરૂ થઈ રહેલી બે ટી-20 મેચોની સિરીઝમાં ભારતને હરાવવા માટે સક્ષમ છે. આયરલેન્ડની ટીમ પૂર્વમાં અનેક મોટી ટીમોને સ્તબ્ધ કરી ચૂકી છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ (ક્રમશ 2007 અને 2011માં વનડે વિશ્વકપમાં) આયરલેન્ડને મળેલી સફળતા તરફ ઈશારો કરતા વિલ્સને કહ્યું કે તેઓ પૂર્વમાં મળેલી જીતોમાંથી પ્રેરણા લઈને ભારત વિરુદ્ધ મેદાન પર ઉતરશે. વિલ્સને મેચના એક દિવસ પહેલા કહ્યું કે ભારતની ટી-20 ટીમ ખુબ સારી છે, પરંતુ તેમણે બેટિંગ કરવાની છે અને અમારે બોલિંગ. જો અમે બોલિંગમાં અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તો પછી ભલે વિરાટ કોહલી હોય, રોહિત શર્મા હોય કે પછી દુનિયાનો ગમે તે હોય, તેમણે રમવું જ પડશે.
તેણે કહ્યું કે કોઈ પણ, ક્યારે પણ, ગમે તેને હરાવી શકે છે અને આ જ ખેલની ખુબી છે, ક્રિકેટની ખાસિયત છે. અમે બેંગ્લુરુ (2011 વિશ્વ કપ)માં ઈંગ્લેન્ડ અને કેરેબિયામાં (2007) પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર પરિણામો આપ્યા હતાં. આથી અમે એ વિશ્વાસ સાથે ઉતરીશું કે અમે પાસું પલટી શકીએ તેમ છે.
જ્યાં ભારત અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચ જીત્યા બાદ આયરલેન્ડનો સામનો કરી રહ્યો છે ત્યાં આયરલેન્ડે પણ હાલમાં જ સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ વિરુદ્ધ ત્રિકોણીય સીરિઝ ખેલી છે. બંને દેશોનો જૂનો ક્રિકેટ ઈતિહાસ નથી. તેમણે પરસ્પર ફક્ત ચાર આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. વિલ્સને ભારત વિરુદ્ધ નીડર થઈને રમવાનું વચન આપ્યું.
તેણે કહ્યું કે અમે અમારા ખેલાડીઓ સાથે ખુલીને રમવાની અને ટી20 ક્રિકેટનો આનંદ ઉઠાવવા પર ચર્ચા કરી છે. અમે ત્યાં જઈને પૂરેપૂરા ઉત્સાહથી રમવા માંગીએ છીએ અને અમે ભારત વિરુદ્ધ રમી રહ્યાં છીએ જે સંભવત: દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ છે. અમે તેમને મોટો પડકાર ફેંકવા માંગીએ છીએ અને દેખાડવા માંગીએ છીએ કે અમે શું ચીજ છીએ.
ડબલીન ટી20માં જીત સાથે શરૂઆત કરવા માંગશે ભારત-આયરલેન્ડ
ભારત આજે ધ વિલેજ મેદાન પર આયરલેન્ડ વિરુદ્ધ રમાનારી બે ટી-20 મેચોની સીરિઝની પહેલી મેચમાં વિજયી શરૂઆત કરવાના ઈરાદેથી ઉતરશે. આયરલેન્ડનો પ્રવાસ ભારત માટે ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ કરવા અને ત્યાંની પરિસ્થિતિઓ સાથે તાલમેળ બેસાડવાનો ઉત્તમ મોકો છે. આયરલેન્ડ બાદ ભારત ઈંગ્લેન્ડમાં 3 ટી-20, 3 વનડે અને પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.
ઓપનિંગને કોહલી માટે માથાનો દુખાવો
પહેલી મેચમાં ટીમ પસંદગીને લઈને કોહલીએ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ટીમ પાસે રોહિત, શિખર ધવન, અને લોકેશ રાહુલ જેવા 3 ઓપનર છે. આવામાં ઓપનિંગની જવાબદારી કોણ સંભાળશે તે અંગે કોહલીએ માથાપચ્ચી કરવી પડશે. નંબર 3 પર કોહલી પોતે રમવા આવે છે. આવામાં જો કોહલી રાહુલને અંતિમ 11માં પસંદ કરે તો અજિંક્ય રહાણેની ગેરહાજરીમાં રાહુલને 4 નંબર પર મોકલી શકાય છે. આમ તો આ સ્થાન માટે કોહલી પાસે સુરેશ રૈના, દિનેશ કાર્તિકના રૂપમાં બે વિકલ્પ છે. પાંચમાં અને છઠ્ઠા નંબર માટે મનીષ પાંડે, અને મહેન્દ્ર સિંહ ધોની છે. સાતમા નંબરે હાર્દિક પંડ્યા છે અને કાર્તિકને ટીમમાં લઈને મનીષને તેઓ બહાર બેસાડી શકે છે.
પંજાબમાં જન્મેલો સિમી સિંહ ભારત વિરુદ્ધ રમશે
મેજબાનો માટે આ સીરિઝ ખુબ મહત્વની છે. હાલમાં જ નેતૃત્વમાં ફેરફાર થયો છે. વિલિયમ પોર્ટરફિલ્ડે કેપ્ટનશીપથી રાજીનામું આપ્યું હતું. તેના સ્થાને ગેરી વિલ્સનને ટીમનો કેપ્ટન બનાવાયો છે. આ બંને ટીમના મુખ્ય બેટ્સમેનો છે. હરફનમૌલા ખેલાડી કેવિન ઓ બ્રાયન ઉપર પણ ટીમનો મદાર રહેશે. આ બધાને ભારત વિરુદ્ધ ટી 20 મેચ રમવાનો અનુભવ પણ છે. ટીમમાં પંજાબમાં જન્મેલા સ્પિનર સિમરનજીત સિંહ પણ છે. જે ભારત વિરુદ્ધ મેદાન પર ઉતરી શકે છે.
ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર) હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કોલ.
આયરલેન્ડ: ગેરી વિલ્સન (કેપ્ટન/વિેકેટકિપર), એન્ડ્રયુ બાલબિર્ને, પીટર ચેસ, જ્યોર્જ ડોકરેલ, જોશ લિટિલ, એન્ટી મેક્બ્રાઈન, કેવીન ઓ બ્રાયન, વિલિયમ પોર્ટરફિલ્ડ, સ્ટુઅર્ટ પોયનટેર, બ્યોડ રેન્કિંન, જેમ્સ શેનન, સિમિ સિંહ, પોલ સ્ટીરલિંગ, સ્ટુઅર્ટ થોમ્પ્સન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે