LSG vs MI: રોમાંચક મેચમાં લખનઉ સામે 5 રને હાર્યું મુંબઈ ઈન્ડિયન્સ, સ્ટોયનિસની મેચ વિનિંગ ઈનિંગ

IPL 2023; માર્કસ સ્ટોયનિસની શાનદાર બેટિંગ બાદ યશ ઠાકુર અને મોહસિન ખાને અંતિમ ઓવરોમાં કરેલી દમદાર બોલિંગની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે પ્લેઓફ માટે મહત્વની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ રને પરાજય આપ્યો છે. 

LSG vs MI: રોમાંચક મેચમાં લખનઉ સામે 5 રને હાર્યું મુંબઈ ઈન્ડિયન્સ, સ્ટોયનિસની મેચ વિનિંગ ઈનિંગ

લખનઉઃ  ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની 63મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 રને પરાજય આપી પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ જીત સાથે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવી શકી હતી. લખનઉ પોતાની અંતિમ લીગ મેચમાં કોલકત્તા સામે રમશે, જ્યારે મુંબઈએ પ્લેઓફમાં પહોંચવા માટે 21 મેએ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવવું પડશે. 

સ્ટોયનિસની આક્રમક ઈનિંગ
લખનઉ સુપર જાયન્ટ્સ માટે મહત્વની મેચમાં માર્કસ સ્ટોયનિસે દમદાર બેટિંગ કરી હતી. સ્ટોયનિસે 47 બોલમાં 4 ફોર અને 8 સિક્સની મદદથી અણનમ 89 રન ફટકાર્યા હતા. આ સિવાય કૃણાલ પંડ્યાએ 42 બોલમાં 49 રનની ઈનિંગ રમી હતી. ડિ કોકે 16 અને પૂરને 8 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી બેહરોનડોર્ફે 2 અને ચાવલાએ એક વિકેટ ઝડપી હતી. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ધમાકેદાર રહી હતી. રોહિત અને ઈશાન કિશને પાવરપ્લેમાં 58 રન ફટકારી દીધા હતા. રોહિત શર્મા અને ઈશાન કિશન વચ્ચે પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી. રોહિત શર્મા 25 બોલમાં ત્રણ સિક્સ અને એક ફોર સાથે 37 રન બનાવી આઉટ થયો હતો. ઈશાન કિશન 39 બોલમાં 8 ચોગ્ગા અને એક સિક્સ સાથે 59 રન બનાવી આઉટ થયો હતો. 

સૂર્યકુમાર યાદવ માત્ર 7 રન બનાવી યશ ઠાકુરનો શિકાર બન્યો હતો. નેહલ વઢેરા 16 રન બનાવી આઉટ થયો હતો. ટિમ ડેવિડ 19 બોલમાં ત્રણ સિક્સ અને એક ચોગ્ગા સાથે 32 રન બનાવી અણનમ રહ્યો હતો. વિષ્ણુ વિનોદ 2  રન બનાવી આઉટ થયો હતો. લખનઉ તરફથી રવિ બિશ્નોઈએ 26 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય યશ ઠાકુરને બે તથા મોહસિન ખાનને એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news