સૌરાષ્ટ્ર યુનિ.નું 'રાજ'કારણ, 'રૂપાણી' + 'ભીમાણી' = વિવાદ,ભાજપના બે જૂથમાં 'ભીમાણી' છે માત્ર હાથો?

ગુજરાતમાં આવેલી 14 યુનિવર્સિટીઓ પૈકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ કેમ અવાર નવાર વિવાદોમાં આવે છે. આ પ્રશ્ન સૌ કોઈને થઈ રહ્યો છે. તો તેનો જવાબ છે ભાજપનો આંતરિક જૂથવાદ.

સૌરાષ્ટ્ર યુનિ.નું 'રાજ'કારણ, 'રૂપાણી' + 'ભીમાણી' = વિવાદ,ભાજપના બે જૂથમાં 'ભીમાણી' છે માત્ર હાથો?

ગૌરવ દવે/રાજકોટ: જામનગરના નાઘેડીની શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં ખુલ્લેઆમ પરીક્ષામાં કરાવવામાં આવતી ચોરીનું કૌભાંડ ZEE 24 કલાકે ઉજાગર કર્યું હતું. સરકાર હરકતમાં આવી અને તપાસના આદેશ આપ્યા. કોલેજને બચાવવા ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણી મેદાને આવ્યા અને કોમર્સનું જોડાણ રદ્દ કરી કડક કાર્યવાહી કરી હોવાનો સરકાર પાસે પોતાની નિષ્ફળતાનો બચાવ કર્યો. પણ એ વાત પણ નિશ્ચિત છે કે, રાજકારણનો હાથો બનેલા પ્રો. ગિરીશ ભીમાણીએ કાર્યકારી કુલપતિનું પદ ગુમાવવું જ પડશે.

ગુજરાતમાં આવેલી 14 યુનિવર્સિટીઓ પૈકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ કેમ અવાર નવાર વિવાદોમાં આવે છે. આ પ્રશ્ન સૌ કોઈને થઈ રહ્યો છે. તો તેનો જવાબ છે ભાજપનો આંતરિક જૂથવાદ. છેલ્લા 14 મહિના થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણેકે રાજકીય અખાડો હોય તેમ વિવાદોમાં જ સપડાતી આવી છે. જેને કારણે સરકાર અને પક્ષ બન્નેની છાપ ખરડાઈ છે. રૂપાણી સરકાર વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલ રૂપાણી તમામ સંકલન કરતા હતા. પરંતુ ગુજરાતમાં જેવુ સત્તા પરિવર્તન થયું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ તરીકે પ્રો. ગિરીશ ભીમાણીની નિમણુંક કરાઈ. પ્રો. ગિરીશ ભીમાણીએ નિયત સમયમાં સેનેટ સભ્યની ચૂંટણી ન યોજી સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલ રૂપાણી સહિત 5 સિન્ડિકેટના ભાજપના જૂથને ઘર ભેગું કરી દીધું.  પ્રો. ભીમાણીએ અનેક નિર્ણયો કરી સરકાર નજીક જવાનો પ્રયાસ કર્યો પણ અનેક નવા વિવાદો પણ સર્જ્યા.

કેમ વર્ષો થી યુનિવર્સિટીમાં ભાજપની કોઈ સંકલન નહિ ?
જ્યાર થી ગુજરાતમાં ભાજપનું સાશન આવ્યું છે ત્યારે થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ દ્વારા સંકલન કરવામાં આવતું નથી.  સામાન્ય રીતે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, જિલ્લા વહીવટી તંત્ર તમામ જગ્યાએ સંકલનની બેઠક મળતી હોય છે. જેમાં ધારાસભ્યો, સાંસદ સભ્ય, રાજ્યસભાના સાંસદ અને પક્ષના હોદ્દેદારો જેમ કે શહેર અથવા જિલ્લા પ્રમુખની હાજરીમાં સંકલન કરવામાં આવતું હોય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ જ સંકલન થતું ન હોવાથી ભાજપના જ બે જૂથ આમને સામને આવે છે અને વિવાદો સર્જાય છે.

'નો-રિપીટ' થિયરી જ જૂથવાદ ઠારી શકે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના જ બે જૂથને કારણે શિક્ષણ અને  વહીવટી શિથિલતા આવી છે. સેનેટ અને સિન્ડિકેટમાં સરકાર નો-રિપીટ કરવાના મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં સેનેટની ચૂંટણી ન કરવી તે કેટલી યોગ્ય ? ભાજપના જ પૂર્વ સિન્ડિકેટ સભ્યોએ કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટમાં પોતાના સભ્યો ઘુસાડવા ભાજપના જ બન્ને જૂથો ખેંચતાણ કરી રહ્યા છે. સત્તા મંડળમાં સભ્યો ન હોવાથી અને કાયમી કુલપતિ ન હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી લક્ષી કોઈ કામગીરી થઈ શકતી નથી. રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય લઈ કાર્યકારી કુલપતિને દૂર કરી કાયમી કુલપતિ મુકવા જોઈએ. સરકારે વિવાદોના મૂળ થી દુર રહી મતદાર યાદી તૈયાર થઈ ગઈ હોય તો સેનેટની ચૂંટણીની જાહેરાત કરી દેવી જોઈએ. 

હંગામી વ્યવસ્થા થી યોગ્ય નિર્ણય નહિ - ડો બારોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીમાં ડીન અને કોંગ્રેસના પ્રદેશ નેતા ડો. નિદત બારોટે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 14 મહિના થી સરકાર કાર્યકારી કુલપતિ થી હંગામી ધોરણે કામ રોળી રહી છે. જેથી વહીવટી શિથિલતા પણ આવી છે. યોગ્ય નિર્ણયો થઈ શકતા નથી. આ વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીનું વર્ષ હતું. 2022માં પ્રથમ મતદાર યાદી તૈયાર થઈ, 31 ડિસેમ્બરના ફરી બીજી વખત મતદાર યાદી તૈયાર કરાઈ. પરંતુ સેનેટની ચૂંટણી ન યોજી. ભાજપના જ બે જૂથને કારણે નેશનલ એજ્યુકેશન પોલીસીનો સંપૂર્ણ અમલ ન થયો, A ગેડ ન હોવાથી એકેડેમિક ક્રેડિટ બેન્ક ન બની શકી, નવા અભ્યાસક્રમ ન આવ્યા, કાયમી ભરતી ન થઈ સહિત અનેક વહીવટી પ્રક્રિયાઓ ખોરવાઈ ગઈ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news