IPL 2019: બહાર થઈ કોહલીની RCB, પ્લેઓફમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 16 રનથી પરાજય આપીને 2012 બાદ પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચ્યું છે. આ સાથે આરસીબી આઈપીએલની આ સિઝનમાંથી આઉટ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરને આઈપીએલ સિઝન-12ના 46માં મુકાબલામાં 16 રનથી પરાજય આપીને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સે સામે મળેલા પરાજય બાદ આરબીસી આઈપીએલની આ સિઝનમાં પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ બાદ દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં ક્વોલિફાઇ કરનારી બીજી ટીમ બની ગઈ છે. દિલ્હી કેપિટલ્સે 12 મેચોમાં 8 જીત અને ચાર હારની સાથે 16 પોઈન્ટ હાસિલ કરી લીધા છે. દિલ્હીએ હજુ બે મેચ રમવાની છે. મહત્વનું છે કે, દિલ્હીએ 2012 બાદ પ્રથમ વખત પ્લેઓફ માટે ક્વોલિફાઇ કર્યું છે.
રોયલ ચેલેન્જર્સ 12 મેચોમાં 4 જીત અને 8 હારની સાથે આઈપીએલની સિધન-12માં પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા અને રોયલ ચેલેન્જર્સને 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આરસીબી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 171 રન બનાવી શકી અને પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી.
દિલ્હી કેપિટલ્સની ઈનિંગ
દિલ્હી કેપિટલ્સે કેપ્ટન શ્રેયસ અય્યર અને શિખર ધવનની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ પાંચ વિકેટ પર 187 રન બનાવ્યા હતા. અય્યરે 37 બોલનો સામનો કરતા 52 રન બનાવ્યા જેમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સામેલ છે. ધવને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા આ સિઝનમાં પાંચમી અને સતત ત્રીજી અડધી સદી પટકારી હતી. દિલ્હીએ 20મી ઓવરમાં 20 રન જ્યારે અંતિમ ત્રણ ઓવરમાં 46 રન જોડ્યા જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ છે. શેફરેન રદરફોર્ડે 13 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સની મદદથી 28 અને અક્ષર પટેલે નવ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 16 રન બનાવ્યા હતા.
બેંગલુરૂ માટે યુજવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી હતી. વોશિંગટન સુંદર, ઉમેશ યાદવ અને નવદીપ સૈનીને એક-એક સફળતા મળી હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો (18) અને ધવને શરૂઆતમાં કેટલાક સારા શોટ્સ્ ફટકારીને ગરમીમાં બેહાલ દર્શકોનો ઉત્સાહ વધાર્યો હતો. શો યાદવના બોલ પર વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો હતો. આ રીતે 35 રનના સ્કોર પર દિલ્હીએ પ્રથમ વિકેટ ગુમાવી હતી.
આવા ધગધગતા તડકામાં પણ સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. અય્યર અને શિખર હવે ક્રીઝ પર હતા, યજમાન ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 59 રન જોડ્યા હતા. આ બંન્નેએ સારી ભાગીદારી કરતા દિલ્હી કેપિટલ્સને 11.3 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. આગામી બોલ પર ધવને 36 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ આગામી ઓવરમાં ચહલનો શિકાર બની ગયો હતો. શોર્ટ ફાઇન લેગ પર ઉભેલા વોશિંગટન સુંદરે આસાન કેચ કરીને તેની 50 રનની ઈનિંગનો અંત કર્યો હતો.
આ રીતે બીજી વિકેટ માટે 53 બોલમાં 68 રનની ભાગીદારીનો અંત થયો અને રિષભ પંત મેદાન પર આવ્યો હતો. અય્યર સમજદારી પૂર્વક પોતાની ઈનિંગને આગળ વધારતો રહ્યો, તેણે 15મી ઓવરમાં ચહલના પ્રથમ બોલ પર સિક્સ ફટકારી અને પછી ત્રીજા બોલ પર ફરી સિક્સ ફટકારીને પોતાની અડધી સદી ફટકારી હતી. આ ઓવરમાં પંત ચાર રન બનાવી LBW આઉટ થયો હતો.
દિલ્હીએ 16મી ઓવરમાં અય્યરના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી. કોલિન ઇન્ગ્રામ (11) પણ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રદરફોર્ડ અને અક્ષર પટેલે છઠ્ઠી વિકેટ માટે 3.1 ઓવરમાં અણનમ 46 રનની ભાગીદારી કરીને દિલ્હીને 180ની ઉપર પહોંચાડ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે