IPL 2019: ચેન્નઈએ હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું, પ્લેઓફની ટિકિટ પાક્કી

શેન વોટસનની શાનદાર બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. 

IPL 2019: ચેન્નઈએ હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું, પ્લેઓફની ટિકિટ પાક્કી

ચેન્નઈઃ શેન વોટસન (96)ની શાનદાર બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-12ના 41માં મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપીને પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. 11 મેચોમાં આ ચેન્નઈનો 8મો વિજય છે અને તેના 16 પોઈન્ટ થઈ ગયા છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નર અને મનીષ પાંડેની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે 19.5 ઓવરમાં 176 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. હૈદરાબાદે આ સિઝનમાં 10 મેચ રમી છે જેમાં પાંચમાં વિજય અને પાંચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

176 રનના લક્ષ્યનો પીચો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં ફાફ ડુ પ્લેસિસ (1)ને દીપક હુડ્ડાએ રનઆઉટ કર્યો હતો. ત્યારબાદ સુરેશ રૈના અને શેન વોટસને બીજી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. સુરેશ રૈના (38) રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. તેણે 6 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. તો બીજીતરફ શેન વોટસને શાનદાર બેટિંગ કરી હતી. આ સિઝનમાં તેણે પ્રથમ અડધી સદી નોંધાવી હતી. વોટસને રાયડૂ સાથે પણ ત્રીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 160 રન હતો ત્યારે વોટસન (96)ને ભુવનેશ્વરે બેયરસ્ટોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે ચાર રન માટે સદી ચુકી ગયો હતો. તેણે 53 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ રાયડૂ 25 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. 

સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ વિકેટ પર 175 રન બનાવ્યા
મનીષ પાંડે અને ડેવિડ વોર્નરની અડધી સદી અને બંન્ને વચ્ચે સદીની ભાગીદારીથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં મંગળવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ત્રણ વિકેટ પર 175 રન બનાવ્યા હતા. મનીષ પાંડે 49 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 83 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે વોર્નર (57)ની સાથે બીજી વિકેટ માટે 115 રન જોડીને ટીમને મજબૂત સ્થિતિ અપાવી હતી, જ્યારે વિજય શંકર (26)ની સાથે પણ 47 રન જોડ્યા હતા. 

સનરાઇઝર્સની અંતિમ પાંચ ઓવરોમાં ધીમી બેટિંગ
સનરાઇઝર્સે હાલની સિઝનમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સર્વાધિક સ્કોરની બરોબરી પણ કરી હતી. આ પહેલા સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 31 માર્ચે અહીં પાંચ વિકેટ પર 175 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સે પરંતુ અંતિમ પાંચ ઓવરમાં ધીમી બોલિંગ કરી અને ટીમ આ દરમિયાન 41 રન જોડી શકી હતી. સુપર કિંગ્સ તરફથી હરભજન સિંહ સૌથી સફળ બોલર રહ્યો, જેણે 39 રન આપીને બે વિકેટ ઝડપી હતી, જ્યારે દીપક ચહરે 30 રન આપીને એક વિકેટ હાસિલ કરી હતી. 

હરભજને બીજી ઓવરમાં બેયરસ્ટોને કર્યો આઉટ
ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે બીજી ઓવરમાં જ જોની બેયરસ્ટોને વિકેટની પાછળ કેચ કરાવ્યો જે ખાતું પણ ખોલાવવામાં અસફળ રહ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન વોર્નરે ત્યારબાદ આકર્ષક બેટિંગ કરી અને ટીમનો સ્કોર પાવર પ્લેમાં એક વિકેટ પર 54 રન સુધી પહોંચાડી દીધો હતો. પાંડેએ હરભજનને નિશાન બનાવ્યો હતો. તેણે આ ઓફ સ્પિનર પર ચોગ્ગાથી ખાતું ખોલાવ્યા બાદ તેની ઓવરમાં સિક્સ અને બે બાઉન્ડ્રી પણ ફટકારી હતી. વોર્નરે પણ હરભજનની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો. 

વોર્નર અને મનીષ પાંડે વચ્ચે સદીની ભાગીદારી
વોર્નરે જાડેજાની ઓવરમાં પણ સિક્સ ફટકારી હતી, જ્યારે પાંડેએ લેગ સ્પિનર તાહિરનું સ્વાગત છગ્ગા સાથે કર્યું હતું. પાંડેએ બ્રાવો પર બે ચોગ્ગાની સાથે 25 બોલમાં આ સિઝનની પ્રથમ અડધી સદી પૂરી કરી અને 11મી ઓવરમાં ટીમનો સ્કોર 100 રનની પાર પહોંચાડી દીધો હતો. વોર્નરે પણ તાહિરના બોલ પર એક રનની સાથે 39 બોલમાં સતત પાંચમી અડધી સદી પૂરી કરી હતી. હાલની સિઝનની 10 ઈનિંગમાં તે આઠમી વખત 50 કે તેથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો. 

વોર્નર અડધી સદી પૂરી કર્યાં બાદ હરભજનના બોલ પર સ્ટમ્પ આઉટ થઈ ગયો, તેણે 45 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. વિજય શંકરે આવતા તાહિરની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો. પાંડે 19મી ઓવરમાં ચહરના બોલ પર ભાગ્યશાળી રહ્યો, જ્યારે સુરેશ રૈનાએ તેનો આસાન કેચ છોડ્યો હતો. ત્યારબાદ ચહરે વિજય શંકરને જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેણે 20 બોલમાં 26 રન બનાવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news