IND vs SA: ભારતે પહેલીવાર ઘરઆંગણે આફ્રિકા વિરુદ્ધ T20 સિરીઝ જીતી, રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ
IND vs SA 2nd T20 Live: ભારત અને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ આસાન વિજય નોંધાવ્યો હતો, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા પર છે.
Trending Photos
India vs South Africa 2nd T20 live Updates: ગુવાહાટીમાં રમાયેલી ત્રણ મેચની T20I સીરિઝની બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. 238 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 221 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોકે અણનમ 69 રનની ઇનિંગ રમી હતી. સાથે જ મિલરે 106 રનની શાનદાર સદી ફટકારી હતી.
જો કે આફ્રિકાની ટીમને બન્ને ખેલાડીઓ જીતાડી શક્યા નહોતા અને ભારતીય ટીમે 16 રને મેચ જીતી લીધી હતી. પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે રમીને દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ જીતી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને પોતાની ધરતી પર પ્રથમ વખત ટી-20 સીરિઝમાં હરાવ્યું છે. ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી T20 મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. આ ટી20 મેચ માત્ર ઔપચારિકતા રહેશે.
રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ
બીજી T20 મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકા સામે 238 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 221 રન જ બનાવી શકી હતી. રોહિત શર્માએ આ સાથે ઈતિહાસ રચ્યો છે. ભારતની ધરતી પર T20I શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને હરાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.
ભારતે પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો, પણ...
સૂર્યકુમાર યાદવ અને ઓપનર લોકેશ રાહુલની આક્રમક અડધી સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20Iમાં ત્રણ વિકેટે 237 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રનની ઈનિંગ દરમિયાન પાંચ સિક્સર અને એટલા પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમારે અડધી સદી 18 બોલમાં પૂરી કરી, જે ભારત માટે બીજી સૌથી ઝડપી અડધી સદી છે. તેણે વિરાટ કોહલી (49 અણનમ) સાથે ત્રીજી વિકેટ માટે 43 બોલમાં 102 રનની ભાગીદારી પણ કરી હતી.
કોહલી અને રાહુલે કરી કમાલ
કોહલીએ 28 બોલમાં અણનમ ઈનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. કોહલીએ મહારેકોર્ડ બનાવતા T20 કરિયર (ઘરેલું અને આંતરરાષ્ટ્રીય)માં 11000 રન પૂરા કર્યા. તેના નામે હવે 11030 રન છે. આ પહેલા રાહુલે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા અને શરૂઆતની વિકેટ માટે કેપ્ટન રોહિત શર્મા (37 બોલમાં 43 રન) સાથે 10 ઓવરમાં 96 રનની ભાગીદારી કરી હતી.
સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગ
છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિકે (સાત બોલમાં અણનમ 17) કાગીસો રબાડા સામે એક ચોગ્ગો અને પછી બે છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 237 સુધી પહોંચાડ્યો હતો. ભારતીય ટીમે પોતાની ઇનિંગમાં 25 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે કેશવ મહારાજે ચાર ઓવરમાં માત્ર 23 રન આપ્યા અને બે વિકેટ લીધી. રબાડા, વેઈન પાર્નેલ અને લુંગી એનગિડીએ તેમની ચાર ઓવરના ક્વોટામાં 57, 54 અને 49 રન આપ્યા. એનરિચ નોરખિયાએ ત્રણ ઓવરમાં 41 રન આપ્યા.
રોહિતને બીજી ઓવરમાં જીવનદાન મળ્યું
ટોસ હાર્યા બાદ જ્યારે પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે છેલ્લી કેટલીક મેચોમાં ધીમી ઈનિંગ્સ માટે ટીકાનો ભોગ બનેલા રાહુલે પહેલા જ બોલમાં જ રબાડા સામે ચોગ્ગો ફટકાર્યો હતો. સિરીઝની પ્રથમ મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહેલા રોહિતને બીજી ઓવરમાં જીવન મળ્યું જ્યારે વેઈન પાર્નેલનો બોલ તેના ગ્લોવમાં અટવાઈ ગયો અને સ્લિપ ફિલ્ડિંગમાં ચાર રન માટે ગયો. તેણે ત્રીજી ઓવરમાં બોલિંગ કરવા આવેલા Ngidi સામે પહેલી સિક્સ ફટકારી હતી.
રાહુલની આક્રમક બેટિંગ
ત્યારબાદ બંન્ને ખેલાડી પાર્નેલ, રબાડા અને કેશવ મહારાજની આગામી ત્રણ ઓવરમાં આક્રમક અભિગમ અપનાવી ટીમને પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 57 રન બનાવ્યા હતા. પાવરપ્લે પછી પણ રાહુલની આક્રમક બેટિંગ ચાલુ રહી હતી. તેણે નોરખિયા સામે સાતમી અને નવમી ઓવરમાં સિક્સર ફટકારી હતી. નવમી ઓવરમાં નોરખિયા સામે બન્ને ખેલાડીએ 21 રન બનાવ્યા હતા, જેમાં રોહિતે પણ બે ચોગ્ગા ફટકાર્યા હતા.
રાહુલે 24 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી
રોહિત 10મી ઓવરમાં મહારાજના બોલને બાઉન્ડ્રી લાઇનની પાર પહોંચાડવાની કોશિશમાં ડીપ મિડવિકેટ પર સ્ટબ્સ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 37 બોલમાં સાત ચોગ્ગા સાથે એક સિક્સર ફટકારી હતી. રાહુલે આગામી ઓવરમાં એડન માર્કરામ સામે સિક્સર ફટકારીને 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, ઇનિંગની 12મી ઓવરમાં મહારાજનો બીજો શિકાર બન્યો હતો.
મહત્વનું છે કે, કોવિડ મહામારી બાદ આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ છે, જેની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ આસાન વિજય નોંધાવ્યો હતો, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા પર છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે T20 સિરીઝમાં એક પણ વાર હરાવ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે