ભારત vs પાકિસ્તાનઃ ટીમ ઈન્ડિયા જીતી, આ ખાસ રેકોર્ડનું સાક્ષી બન્યું ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ
વિશ્વ કપ 2019માં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું હતું. અત્યાર સુધી વિશ્વકપમાં ભારતની પાકિસ્તાન પર સાતમી જીત હતી. વિશ્વકપમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ ક્યારેય હાર્યું નથી.
Trending Photos
માનચેસ્ટરઃ વરસાદના વિઘ્નો વચ્ચે દિલોની ધડકનો રોકી દેનાર ભારત પાકિસ્તાનનો મુકાબલો અંતે ભારતીય ટીમે જીતી લીધો. વિશ્વકપના આ મુકાબલામાં ભારતીય ખેલાડીઓએ ટીમને જીત અપાવવાની સાથે-સાથે કેટલાક ખાસ રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યાં હતા. આ સાથે મેચમાં એવી પણ ઘણી વાત થઈ, જે પહેલા ક્યારેય થઈ નથી. આવો જાણીએ, ઈંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ ભારતની જીત સાથે કઈ-કઈ ક્ષણનું સાક્ષી બન્યું...
પ્રથમ વખત પસંદ કરી ફીલ્ડિંગ
ભારત પાકિસ્તાન વચ્ચે વિશ્વકપમાં રમાયેલી મેચમાં પ્રથમ વખત એવું બન્યું કે ટોસ જીતનારી ટીમે બોલિંગ પસંદ કરી. આ પહેલા બંન્ને ટીમો વચ્ચે વિશ્વકપમાં કુલ 6 મુકાબલા થયા, જેમાં દર વખતે ટોસ જીતનારી ટીમે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. મહત્વનું છે કે, તમામ 6 મેચમાં ભારતનો વિજય થયો અને આ વખતે 7મી જીત મેળવીને અજેય લીડ જાળવી રાખી. રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. તેની પાછળ માનચેસ્ટરનું હવામાન હતું. ત્યાં વરસાદને કારણે આશા કરવામાં આવી હતી કે બોલરોને ફાયદો મળશે. ટોસ હાર્યા બાદ કેપ્ટન કોહલીએ પણ કહ્યું હતું કે, તે પણ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરત.
સતત બે સદીની ભાગીદારી
પ્રથમવાર વિશ્વકપની સતત બે મેચોમાં ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ સદીની ભાગીદારી કરી હતી. પ્રથમ શિખર ધવન અને રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 127 રન જોડ્યા હતા.. પછી પાકિસ્તાનની સાથે રમાયેલી મેચમાં રોહિત શર્માએ કેએલ રાહુલની સાથે મળીને 136 રન જોડ્યા હતા. આ સાથે રોહિત અને રાહુલની જોડી પહેલી એવી ભારતીય જોડી બની ગઈ છે, જેણે વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ 100 રનની ભાગીદારી કરી.
પાકિસ્તાન વિરુદ્ધ સૌથી વધુ રન
પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્મા (140)ની બેટિંગ શાનદાર હતી. આ ઈનિંગની સાથે તે વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ સૌથી વધુ સ્કોર બનાવનાર ભારતીય બની ગયો છે. રોહિતે 113 બોલમાં 140 રન બનાવી વિરાટ કોહલી (107)ને પાછળ છોડ્યો હતો. કોહલીએ આ સ્કોર 2015માં બનાવ્યો હતો. હવે રોહિત વિરાટ બાદ બીજો બેટ્સમેન છે, જેણે વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી છે. આ સાથે રોહિતે વિશ્વ કપ 2019મા પોતાની બીજી સદી ફટકારી હતી. અત્યાર સુધી વિશ્વ કપ 2019મા રોહિત સિવાય માત્ર ઈંગ્લેન્ડના જો રૂટે બે સદી ફટકારી છે.
હસન અલીનો રેકોર્ડ
મેચમાં આમ તો પાકિસ્તાનના તમામ બોલરોની ધોલાઈ થઈ, પરંતુ આ મેચમાં હસન અલીએ ખરાબ બોલિંગને કારણે રેકોર્ડ બનાવી લીધો. હસન પાસે 9 ઓવર બોલિંગ કરાવવામાં આવી, તેમાં તેણે 84 રન આપીને માત્ર એક વિકેટ ઝડપી. વિશ્વકપમાં કોઈપણ પાકિસ્તાની બોલર દ્વારા આ સૌથી ખરાબ પ્રદર્શન છે.
સૌથી ઝડપી 11 હજાર રન
પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ વનડેમાં પોતાના 11 હજાર રન પૂરા કર્યાં હતા. માત્ર 222 ઈનિંગમાં આટલા રન બનાવીને તે સૌથી ઝડપી 11 હજાર રન બનાવનાર ક્રિકેટર બની ગયો. મહત્વનું છે કે સચિન તેંડુલકરે આ મુકામ સુધી પહોંચવા માટે 276 ઈનિંગ રમી હતી, એટલે કે વિરાટથી 54 ઈનિંગ વધુ.
બાબર-ફખરની જોડી
ભારત સામે રમાયેલી મેચમાં માત્ર એક વસ્તુ પાકિસ્તાનના હકમાં ગઈ. તે રહી બાબર આઝમ અને ફખર જમાનની ભાગીદારી. બંન્નેએ મળીને બીજી વિકેટ માટે 104 રન જોડ્યા હતા. આ કોઈ પાકિસ્તાની જોડી દ્વારા વિશ્વકપમાં ભારત વિરુદ્ધ બનાવવામાં આવેલી પહેલી સદીની ભાગીદારી હતી. બંન્નેએ મળીને આમિર સોહેલ અને જાવેદ મિયાંદાદનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે 1992 વિશ્વકપમાં સિડની ગ્રાઉન્ડમાં ત્રીજી વિકેટ માટે 88 રન જોડ્યા હતા.
મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન વિરુદ્ધ 336 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પરંતુ વરસાદથી પ્રભાવિત મેચમાં જીતનો નિર્ણય ડલવર્થ લુઇસથી થયો અને ભારતે પાકિસ્તાનને 89 રનથી પરાજય આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે