IND vs ZIM: પ્રથમ વનડેમાં ભારતનો 10 વિકેટે વિજય, કેએલ રાહુલની આગેવાનીમાં મળી પ્રથમ જીત

IND vs ZIM: ટીમ ઈન્ડિયા માટે શિખર ધવન અને શુભમન ગિલે કમાલ કરી દીધો. ગિલે અણનમ 82 અને ધવને 81 રન બનાવ્યા હતા. કેએલ રાહુલની આગેવાનીમાં આ પ્રથમ જીત છે. 
 

IND vs ZIM: પ્રથમ વનડેમાં ભારતનો 10 વિકેટે વિજય, કેએલ રાહુલની આગેવાનીમાં મળી પ્રથમ જીત

હરારેઃ હરારેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીત મેળવી છે. આ સાથે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 30.5 ઓવરમાં વિના વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

ભારત માટે બોલરોના દમદાર પ્રદર્શન બાદ ઓપનર શિખર ધવન અને શુભમન ગિલે કમાલ કરી દીધો. ગિલે અણનમ 82 અને ધવને અણનમ 81 રન બનાવ્યા હતા. આ પહેલા અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણા અને દીપક ચાહરે બોલિંગમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે કેએલ રાહુલની આગેવાનીમાં આ પ્રથમ જીત છે. 

લક્ષ્યનો પીછો કરતા ભારતની ઓપનિંગ જોડી ધવન અને ગિલે શાનદાર બેટિંગ કરી અને પાવરપ્લેમાં 43 રન બનાવ્યા હતા. બંનેએ આસાનીથી ઝિમ્બાબ્વેના બોલરોનો સામનો કર્યો હતો. ધવને 76 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 20મી ઓવરમાં ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. 

ત્યારબાદ ગિલે આક્રમક બેટિંગ કરતા 51 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેના પરિણામસ્વરૂપ 26 ઓવર બાદ ભારતનો સ્કોર 153 રન થઈ ગયો હતો. ત્યારબાદ 30.5 ઓવરમાં શિખર ધવને બાઉન્ડ્રી ફટકારી જીત અપાવી દીધી હતી. ધવને 9 ચોગ્ગાની મદદથી 113 બોલમાં 81 રન અને ગિલે 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 72 બોલમાં 82 રન બનાવ્યા હતા. ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news