IND vs NZ: ભારતને ન્યૂઝીલેન્ડને 8 વિકેટે રગદોળ્યું, બોલિંગમાં શમી તો બેટિંગમાં રોહિત છવાયો, સિરીઝ કરી કબજે
India vs New Zealand: મોહમ્મદ શમી, સિરાજ, હાર્દિકની શાનદાર બોલિંગની મદદથી ભારતે બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને માત્ર 108 રનમાં ઓલઆઉટ કરી દીધુ છે. મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. તો રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી.
Trending Photos
રાયપુરઃ ફાસ્ટ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે અહીં રમાયેલી ત્રણ મેચની સિરીઝની બીજી વનડે મેચમાં મહેમાન ન્યૂઝીલેન્ડને વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે સિરીઝની છેલ્લી વનડે 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. રાયપુરમાં પ્રથમ વખત વનડે મેચ રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભારતના ફાસ્ટ બોલરોની ઘાતક બોલિંગ સામે કીવી બેટરોનો ધબડકો થયો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ 34.3 ઓવરમાં માત્ર 108 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 20.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
રોહિતની અડધી સદી
ન્યૂઝીલેન્ડે આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા અડધી સદી ફટકારી આઉટ થયો હતો. રોહિતે 50 બોલમાં 7 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 51 રન બનાવ્યા હતા. તો વિરાટ કોહલી 9 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ 53 બોલમાં છ ચોગ્ગા સાથે 40 રન ફટકારી અને ઈશાન કિશન 8 રન બનાવી અણનમ રહ્યો હતો.
મોહમ્મદ શમી અને સિરાજનો ઘાતક સ્પેલ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમ ભારતીય ફાસ્ટ બોલરોનો સામનો કરવામાં સતત નિષ્ફળ રહી હતી. પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર મોહમ્મદ શમીએ ફિન એલેન (0) ને બોલ્ટ કરી મહેમાન ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સ એક-એક રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતા. હેનરી નિકોલ્સ 20 બોલનો સામનો કરી માત્ર બે રન બનાવી સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ ડેરિલ મિચેલ (1) રન બનાવી શમીની ઓવરમાં આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે 9 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
ડેવોન કોનવે 7 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન ટોમ લાથમ પણ માત્ર 1 રન બનાવી શક્યો હતો. તેને શાર્દુલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 15 રનમાં ન્યૂઝીલેન્ડની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ અને બ્રેસવેલે ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 56 રન હતો ત્યારે બ્રેસવેલ (22) ને શમીએ આઉટ કર્યો હતો. મિચેલ સેન્ટનર 27 રન બનાવી હાર્દિકની ઓવરમાં બોલ્ડ થયો હતો. ગ્લેન ફિલિપ્સ 36 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. આ સિવાય વોશિંગટન સુંદર અને હાર્દિક પંડ્યાને બે-બે વિકેટ તથા કુલદીપ, સિરાજ અને ઠાકુરને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે