GT vs RCB: વિલ જેક્સની 41 બોલમાં સદી, આરસીબી સામે ગુજરાત ટાઈટન્સનો કારમો પરાજય

IPL 2024: આઈપીએલ-2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ સતત બીજી જીત મેળવી છે. આજે ગુજરાત ટાઈટન્સને અમદાવાદમાં 9 વિકેટે કારમો પરાજય આપ્યો છે. આરસીબીની કુલ ત્રીજી જીત છે. 

GT vs RCB: વિલ જેક્સની 41 બોલમાં સદી, આરસીબી સામે ગુજરાત ટાઈટન્સનો કારમો પરાજય

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આઈપીએલ-2024ની 45મી મેચમાં ગુજરાત ટાઈટન્સને તેના ઘરમાં 9 વિકેટે કારમો પરાજય આપ્યો છે. આરસીબી તરફથી વિક જેક્સે કમાલની બેટિંગ કરતા માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. જેક્સની સદીની મદદથી આરસીબીએ 200 રનનો ટાર્ગેટ માત્ર 16 ઓવરમાં હાસિલ કરી લીધો હતો. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આરસીબીએ 16 ઓવરમાં 1 વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

અમદાવાદમાં વિલ જેક્સનો ધમાકો
આરસીબી તરફથી વિલ જેક્સે કમાલની બેટિંગ કરી હતી. જેક્સે ધીમી શરૂઆત કરી હતી. એક સમયે તે 25 બોલમાં 37 રન બનાવી રમી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ જેક્સે માત્ર 41 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી. વિલ જેક્સે રાશિદ ખાન અને મોહિત શર્માની ઓવરમાં 29-29 રન ફટકાર્યા હતા. વિલ જેક્સે પોતાની ઈનિંગમાં 11 સિક્સ અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 

વિરાટ કોહલીના 500 રન પૂરા
વિરાટ કોહલીએ આઈપીએલ 2024માં 500 રન પૂરા કરી લીધા છે. કોહલી ઓરેન્જ કેપના લિસ્ટમાં ટોપ પર છે. આ સિવાય કોઈ બેટર 500 રન પૂરા કરી શક્યો નથી. વિરાટ કોહલીએ ગુજરાત ટાઈટન્સ સામે 44 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે અણનમ 70 રન બનાવ્યા હતા. 

શાહરૂખ ખાન-સાંઈ સુદર્શનની શાનદાર બેટિંગ
ગુજરાત ટાઈટન્સની વાત કરવામાં આવે તો સાંઈ સુદર્શને કમાલનું પ્રદર્શન કર્યું હતું. સાંઈ સુદર્શને 49 બોલમાં 8 ચોગ્ગા અને 4 સિક્સની સાથે અણનમ 84 રન બનાવ્યા હતા. તો શાહરૂખ ખાને પણ આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા 58 રન ફટકાર્યા હતા. શાહરૂખ ખાને 30 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને 5 સિક્સ ફટકારી હતી. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. સાહા માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય શુભમન ગિલ 16 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ડેવિડ મિલરે અણનમ 26 રન બનાવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news