INDvsENG: ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતવાનું કોહલીનું સપનું રોળાયું, ચોથી ટેસ્ટમાં ભારતનો 60 રને પરાજય

આ સાથે ઈંગ્લેન્ડ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 3-1થી આગળ થઈ ગયું છે. 
 

 INDvsENG: ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતવાનું કોહલીનું સપનું રોળાયું, ચોથી ટેસ્ટમાં ભારતનો 60 રને પરાજય

સાઉથમ્પ્ટનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની અહીં રમાયેલી ચોથી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 60 હરાવીને શ્રેણી 3-1થી પોતાના નામે કરી લીધી છે. 245 રનનો લક્ષ્ય પાર પાડવા ઉતરેલી ભારતીય ટીમ 184 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે મોઇન અલીએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય સ્ટોક્સ અને એન્ડરસનને બે-બે તથા કરન અને બ્રોડને એક-એક વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 246 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ પૂજારાની સદીની મદદથી 273 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવના આધારે 27 રનની લીડ મળી હતી બીજા દાવમાં ઈંગ્લેન્ડે 271 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

ભારતની ખરાબ શરૂઆત
ભારતને પ્રથમ ઝટકો સ્ટુઅર્ડ બ્રોન્ડે આપ્યો હતો. તેણે રાહુલને 0 રને બોલ્ડ કર્યો હતો. બ્રોડ બાદ એન્ડરસને પૂજારા (5)ને એલબીડબલ્યૂ આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. પૂજારાએ ડીઆરએસનો ઉપયોગ કર્યો પરંતુ નિર્ણય તેની વિરુદ્ધ ગયો હતો. ત્યારબાદ ધવનને પણ એન્ડરસને સ્લિપમાં સ્ટોક્સના હાથમાં ઝીલાવીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો. ધવને 17 રન બનાવ્યા હતા. 

કેપ્ટન વિરાટ કોહલીને અમ્પાયર જોએલ વિલ્સનની સંભવિત ભૂલનું જીવનદાન મળ્યું હતું. ત્યારબાદ કેપ્ટન કોહલી અને રહાણે વચ્ચે ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ મોઇન અલીએ કોહલીને આઉટ કરીને ભારતને પરાજય તરફ ધકેલી દીધું હતું. કોહલી 58 રન બનાવીને આઉટ થતા ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. હાર્દિક પંડ્યા (0)ને સ્ટોક્સે આઉટ કરીને ઈંગ્લેન્ડને પાંચમી સફળતા અપાવી હતી. રિષભ પંતે પણ ટી-20ની જેમ આક્રમક બેટિંગ કરતા બે ફોર અને સિક્સ ફટકારી હતી. પરંતુ મોઇન અલીની જાળમાં ફસાઇ ગયો હતો. સિક્સ મારવાના પ્રયાસમાં કુકને કેચ આપી બેઠો હતો. આ દરમિયાન રહાણેએ પોતાની અર્ધસદી પૂરી કરી હતી. ભારતનો સ્કોર 153 રન હતો ત્યારે મોઇન અલીએ રહાણેને એલબી આઉટ કરીને ભારતનો પરાજય નિશ્ચિત કરી દીધો હતો. 

ઈંગ્લેન્ડ બીજા દાવમાં 271 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 271 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે ઇંગ્લેન્ડે ભારતને 245 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મેચની શરૂઆતમાં પહેલા જ બોલે મોહમ્મદ શમીએ બ્રોડને આઉટ કરી દીધો હતો. તે પછી ઇશાંત શર્માએ સેમ કુરેનને રનઆઉટ કરીને છેલ્લી વિકેટ લીધી હતી. બ્રોડ શૂન્ય પર આઉટ થયો હતો. તેને મોહમ્મદ શમીએ રિષભ પંતના હાથે કેચઆઉટ કરાવ્યો. આ પહેલા ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 8 વિકેટના નુકસાને 260 રન બનાવ્યા હતા.

ભારત પર ઇંગ્લેન્ડે ત્રીજા દિવસે મેળવી હતી 233 રનની લીડ
ભારત પર ઇંગ્લેન્ડે કુલ 233 રનની લીડ મેળવી. ત્રીજા દિવસની મેચ પૂરી થવા પર સેમ કુરન 37 રન સાથે અણનમ રહ્યો. ટીમ માટે જોસ બટલરે 69 રન બનાવીને સૌથી સફળ બેટ્સમેન રહ્યો. કીટોન જેનિંગ્સે 36 રન સાથે અને બેન સ્ટોક્સે 30 રન સાથે ટીમનો સ્કોર વધારવામાં યોગદાન આપ્યું. એક સમયે ઇંગ્લેન્ડની અડધી ટીમ 122 રન પર પેવેલિયન પરત ફરી ચૂકી હતી. ત્યારબાદ બટલરે પહેલા સ્ટોક્સ અને પછી કુરેન સાથે ક્રમશઃ 56 અને 55 રનની ભાગીદારી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news