ENG vs AFG: અફઘાનિસ્તાને સર્જી દીધો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રને આપ્યો પરાજય

World Cup 2023: મુઝીબ ઉર-રહેમાન, રાશિદ ખાન અને મોહમ્મ નબીની શાનદાર સ્પિન બોલિંગની મદદથી અફઘાનિસ્તાને આઈસીસી વિશ્વકપમાં મેજર અપસેટ સર્જી દીધો છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રને પરાજય આપ્યો છે. 
 

ENG vs AFG: અફઘાનિસ્તાને સર્જી દીધો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રને આપ્યો પરાજય

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપ 2023 (World Cup 2023) માં પ્રથમ મોટો અપસેટ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રને કારમો પરાજય આપ્યો છે. આ સાથે અફઘાનિસ્તાને વિશ્વકપના ઈતિહાસમાં પોતાની બીજી જીત મેળવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ આજે દરેક મોરચે ફ્લોપ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 49.5 ઓવરમાં 284 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં 215 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત
અફઘાનિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને બીજી ઓવરમાં ઝટકો લાગ્યો હતો. જોની બેયરસ્ટો (1) રન બનાવી ફારુકીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જો રૂટ (11) રન બનાવી મુઝીબની ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડે પાવરપ્લેમાં 2 વિકેટે 52 રન બનાવ્યા હતા. 

ઈંગ્લેન્ડના સ્ટાર બેટરો ફ્લોપ
ઈંગ્લેન્ડનો ઓપનર ડેવિડ મલાન સેટ થયા બાદ 32 રન બનાવી મોહમ્મદ નબીનો શિકાર બન્યો હતો. મલાને 39 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ નવીન-ઉલ-હકે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર (9) ને બોલ્ડ કરી અફઘાનિસ્તાનને મોટી સફળતા અપાવી હતી. લિયામ લિવિંગસ્ટોન 10 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. મોહમ્મદ નબીએ સેમ કરન (10) ને આઉટ કરી અફઘાનિસ્તાનને છઠ્ઠી સફળતા અપાવી હતી. 

હેરી બ્રૂકે બનાવ્યા સૌથી વધુ રન
ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન હેરી બ્રૂકે બનાવ્યા હતા. હેરી બ્રૂક 61 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 66 રન બનાવી આઉટ થયો હતો. બ્રૂકને મુઝીબે પોતાનો શિકાર બનાવ્યો હતો. ક્રિસ વોક્સ 9 રન બનાવી મુઝીબની ઓવરમાં બોલ્ડ થયો હતો. આદિલ રાશિદ 20 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો.

અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને મુઝીબે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ નબીને બે તથા ફારુકી અને નવીન-ઉલ હકને એક-એક વિકેટ મળી હતી. 

અફઘાનિસ્તાનની મજબૂત શરૂઆત
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતી અફઘાનિસ્તાનને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને આક્રમક શરૂઆત કરી હતી. પ્રથમ પાવરપ્લેમાં અફઘાનિસ્તાને વિના વિકેટે 79 રન ફટકારી દીધા હતા. વિકેટકીપર ગુરબાઝે વોક્સ, કરન અને ટોપ્લેની ઓવરમાં ફટકાબાજી શરૂ કરી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા 17મી ઓવરમાં મળી હતી. ઈબ્રાહિમ ઝાદરાન 28  રન બનાવી આદિલ રાશિનો શિકાર બન્યો હતો. અફઘાનિસ્તાને 114 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. 

ગુરબાઝની વિસ્ફોટક બેટિંગ
ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટર રહમતુલ્લાહ ગુરબાઝે પ્રથમ બોલથી આક્રમક વલણ અપનાવ્યું હતું. ગુરબાઝે આક્રમક અંદાજમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગુરબાઝ 57 બોલમાં 8 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 80 રન બનાવી રનઆઉટ થયો હતો. રહમત શાહ 3 રન બનાવી રાશિદની ઓવરમાં આઉટ થયો હતો. અફઘાનિસ્તાનનો કેપ્ટન શાહિદી પણ 14 રન બનાવી જો રૂટની ઓવરમાં આઉટ થયો હતો. 

152 રનના સ્કોર પર અફઘાનિસ્તાનને ચોથો અને 174 રનના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો. અઝમતુલ્લાહ 19 અને મોહમ્મદ નવી 9 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ ઇકરામ અલિખીલ વચ્ચે સાતમી વિકેટ માટે 43 રનની ભાગીદારી થઈ હતી. રાશિદ ખાન 23 રન બનાવી આઉટ થયો હતો. ઇકરામ 66 બોલમાં 2 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 58 રન બનાવી આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં મુઝીબ ઉર રહમાને પણ આક્રમક બેટિંગ કરી હતી. મુઝીબ 16 બોલમાં 28 રન બનાવી આઉટ થયો હતો. મુઝીબ અને ઇકરામની ઈનિંગની મદદથી અફઘાનિસ્તાનની ટીમ 280થી વધુ રન બનાવવામાં સફળ રહી હતી. 

ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે 10 ઓવરમાં 1 મેડન સાથે 42 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. માર્ક વુડે 9 ઓવરમાં 50 રન આપી એક વિકેટ ઝડપી હતી. આ સિવાય જો રૂટ, ટોપ્લે અને લિવિંગસ્ટોનને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news