IPL 2019: બોલરોનું શાનદાર પ્રદર્શન, ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાને 7 વિકેટે આપ્યો પરાજય

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલના 23માં મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 7 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. 

IPL 2019: બોલરોનું શાનદાર પ્રદર્શન, ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાને 7 વિકેટે આપ્યો પરાજય

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના હોમગ્રાઉન્ડમાં વિજય યાત્રા જાળવી રાખતા ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 23માં  મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 7 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ચેન્નઈના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા કોલકત્તાને 20 ઓવરમાં માત્ર 108 રન પર રોકી લીધું હતું. જેના જવાબમાં ચેન્નઈએ 17.2 ઓવરમાં 111 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. ચેન્નઈ માટે ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ અણનમ 43 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી દીપક ચહરે 3, તાહિર અને હરભજને બે-બે તથા જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ચેન્નઈનો 6 મેચમાં આ પાંચમો વિજય છે અને તેના 10 પોઈન્ટ થઈ ગયા છે. 

વોટસન અને રૈના ફરી ફ્લોપ
109 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં સુનીલ નરેને શેન વોટસન (17)ને ચાવલાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરના છેલ્લા બોલ પર નરેને સુરેશ રૈના (14)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. પીયૂષ ચાવલાએ શાનદાર કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયડૂએ ત્રીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. રાયડૂ (21) પીયૂષ ચાવલાનો શિકાર બન્યો હતો. રાયડૂએ 31 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ચેન્નઈની ઘાતક બોલિંગ
દીપક ચહરની ખતરનાક બોલિંગિની આગળ કોલકત્તા નાઇટ રાઇડર્સના બેટ્સમેન નિઃશહાય જોવા મળ્યા હતા. ઈનિંગની શરૂઆતી 5 ઓવરોમાં તેણે 3 ઓવર ફેંકી અને માત્ર 14 રન આપીને 3 બેટ્સમેનોને શિકાર બનાવ્યા હતા. તેણે કુલ 4 ઓવરમાં 20 રન ખર્ચ કરીને 3 વિકેટ ઝડપી હતી. 

આ સિવાય હરભજન સિંહે પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 15 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય ઇમરાન તાહિરે પણ દિનેશ કાર્તિક અને શુભમન ગિલને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. તેણે 21 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. 

આમ થયો કોલકત્તાનો ધબડકો, 24 રન પર પડી 4 વિકેટ
કોલકત્તાની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ચેન્નઈની શાનદાર બોલિંગની આગળ કોલકત્તાના બેટ્સમેન કંઇ ખાસ ન કરી શક્યા અને માત્ર 9 રનની અંદર 3 બેટ્સમેનો પેવેલિયન પરત ફરી ગયા હતા. ગત મેચમાં શાનદાર અડધી સદી ફટકારનાર ક્રિસ લિન પણ ખાતું ખોલાવ્યા વિના પ્રથમ ઓવરના અંતિમ બોલ પર LBW આઉટ થયો હતો. તેને દીપક ચહરે પોતાનો શિકાર બનાવ્યો હતો. 

ત્યારબાદ બીજી ઓવરમાં એક વાર ફરી હરભજન સિંહની ફિરકીનો જાદૂ જોવા મળ્યો હતો. તેણે સુનિલ નરેનને એક ઓવરના પાંચમાં બોલ પર દીપક ચહરના હાથે કેચ કરાવ્યો હતો. નરેન 5 રન બનાવી આઉટ થયો હતો. કોલકત્તા આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા નીતીશ રાણાને આઉટ કરીને વધુ એક ઝટકો આપ્યો હતો. 

નીતીશ રાણાએ ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર કેદાર જાધવના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. વિકેટ પડવાનો આ સિલસિલો ચાલું રહ્યો હતો. 5મી ઓવરના ચોથા બોલ પર રોબિન ઉથપ્પાને 11 રનના વ્યક્તિગત સ્કોર પર દીપક ચહરે આઉટ કર્યો હતો. ઉથપ્પા જ્યારે આઉટ થયો ત્યારે કોલકત્તાનો સ્કોર 24 રન પર 4 વિકેટ હતો. 

ત્યારબાદ ઇમરાન તાહિરે પોતાની બોલિંગનો જલદો દેખાડ્યો અને કેપ્ટન દિનેશ કાર્તિને 9મી ઓવરમાં હરભજન સિંહના હાથે કેચ કરાવ્યો હતો. દિનેશ કાર્તિક પણ પોતાની ટીમ માટે કંઇ ખાસ ન કરી શક્યો અને 21 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. 

13મી ઓવરમાં રસેલને મળ્યું જીવનદાન
ઈનિંગની 11મી ઓવરના પ્રથમ બોલ પર ઇમરાન તાહિરે કોલક્તાને શુભમન ગિલના રૂપમાં છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ગિલ 12 બોલમાં 9 રન બનાવી આઉટ થયો હતો. 13મી ઓવરના બીજા બોલ પર રસેલને જીવન દાન મળ્યું હતું. ઇમરાન તાહિરના બોલ પર હરભજન સિંહે રસેલનો કેચ છોડ્યો હતો. 

એક ઓવરમાં સતત બે ઝટકા
ત્યારબાદ 16મી ઓવરમાં કોલકત્તાને સતત બે ઝટકા લાગ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર પીયૂષ ચાવલા 8 રન બનાવીને આઉટ થયો હતો. તેને હરભજન સિંહે પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદના બોલ પર કુલદીપ યાદવ શૂન્ય પર રન આઉટ થયો હતો. ત્યારબાદ 17મી ઓવરના ત્રીજા બોલ પર કોલકક્તાની 9મી વિકેટ પડી હતી. જાડેજાએ પ્રસિદ્ધ કૃષ્ણાને શૂન્ય પર આઉટ કર્યો હતો. 

રેસલની અડધી સદી
કોલકત્તાની ટીમ એક તરફ વિકેટ ગુમાવતી હતી ત્યારે બીજા છેડે રસેલે શાનદાર બેટિંગ કરતા ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. રસેલે 44 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેની બીજી અડધી સદી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news