વર્લ્ડ કપ 2019: ટૂર્નામેન્ટમાં ભારતનો સતત બીજો વિજય, કાંગારૂને 36 રને કચડ્યું

બેટ્સમેનોની કમાલા બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે આઈસીસી વિશ્વકપમાં પોતાની  બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો છે. 

વર્લ્ડ કપ 2019: ટૂર્નામેન્ટમાં ભારતનો સતત બીજો વિજય, કાંગારૂને 36 રને કચડ્યું

લંડનઃ કેનિંગ્ટન ઓવલના મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ-2019ની 14મી મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે શિખર ધવનની સદી તથા વિરાટ કોહલી અને રોહિત શર્માની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 352 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 316 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બુમરાહ અને ભુવનેશ્વરે ત્રણ-ત્રણ તથા ચહલે બે વિકેટ ઝડપી હતી. ભારતે પોતાની પ્રથમ મેચમાં આફ્રિકાને 6 વિકેટે પરાજય આપ્યો હતો. મેચમાં શાનદાર સદી ફટકારનાર ભારતીય ઓપનર શિખર ધવનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

વોર્નર અને ફિન્ચની ધીમી શરૂઆત
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનરોએ સંભાળીને શરૂઆત કરી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 61 રન હતો ત્યારે ફિન્ચ રનઆઉટ થતાં ભારતને પ્રથમ સફળતા મળી હતી. ફિન્ચે 35 બોલમાં 36 રન બનાવ્યા હતા. 

ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણ બેટ્સમેનોએ ફટકારી અડધી સદી
ફિન્ચ આઉટ થયાં બાદ વોર્નર અને સ્મિથે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. વોર્નર 5 ચોગ્ગાની મદદથી 56 રન બનાવી આઉટ થયો હતો. તેણે 84 બોલનો સામનો કર્યો હતો. આ તેના કરિયરની 19મી અને વિશ્વકપમાં બીજી અડધી સદી છે. તો સ્મીથે 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા. સ્મિથે 60 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના વનડે કરિયરની 21મી અને વિશ્વકપની છઠ્ઠી અડધી સદી છે. તો એલેક્સ કેરીએ પણ 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ઉસ્માન ખ્વાજા 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 બોલ પર 42 રન બનાવી આઉટ થયો હતો. તેને બુમરાહે બોલ્ડ કર્યો હતો. તો ગ્લેન મેક્સવેલ 14 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 28 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. તો ગત મેચના હિરો નાથન કૂલ્ટર નાઇલને બુમરાહે માત્ર ચાર રન પર પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કમિન્સ 8 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. સ્ટાર્ક 3 રન બનાવી રનઆઉટ થયો હતો. 

ભારત તરફથી જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 61 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તો યુજવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 62 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારને પણ 3 સફળતા મળી હતી. 

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 352 રન બનાવ્યા હતા. શિખર ધવન ટીમનો હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. ધવને 16 ચોગ્ગાની મદદથી 109 બોલ પર 117 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 13 ચોગ્ગાની મદદથી 95 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. તેણે 53 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ધવન સિવાય કેપ્ટન વિરાટ કોહલી 82, રોહિત શર્મા 57, હાર્દિક પંડ્યાએ 48 અને ધોનીએ 27 રનની ઈનિંગ રમી હતી. લોકેશ રાહુલ 3 બોલ પર 11 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 62 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય પેટ કમિન્સ 55, સ્ટાર્ક 74 અને નાથન કુલ્ટર નાઇલે 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા. 

હાર્દિક 2 રનના અંતરથી વિશ્વકપમાં પ્રથમ અડધી સદી ચુક્યો 
વિરાટે 3 ચોગ્ગાની મદદથી 54 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની વનડેમાં 50મી અને વિશ્વકપમાં બીજી અડધી સદી છે. પરંતુ પંડ્યા વિશ્વકપમાં પોતાની પ્રથમ અડધી સદી ચુકી ગયો હતો. તે 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 27 બોલ પર 48 રન બનાવીને આઉટ થયો હતો. પેટ કમિન્સના બોલ પર કવરમાં ફિન્ચે તેનો કેચ ઝડપ્યો હતો. 

ધવન આઈસીસી વનડે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર એક્ટિવ ક્રિકેટર બની ગયો છે. આ સદી સાથે ધવને આઈસીસી વનડે ટૂર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી અને વિશ્વકપ)માં સૌથી વધુ સદી ફટકારનાર એક્ટિવ ક્રિકેટ બની ગયો. આઈસીસી વનડે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે રેકોર્ડ સંયુક્ત રૂપથી સચિન અને ગાંગુલી ટોપ પર છે. બંન્નેએ 7-7 સદી ફટકારી છે. ધવન 6 સદીની સાથે પોન્ટિંગ અને સાંગાકારાની સાથે સંયુક્ત બીજા નંબર પર છે. સચિન, ગાંગુલી, પોન્ટિંગ અને સાંગાકારા ચારેય નિવૃત થઈ જયા છે. 

ધવને આ વિશ્વકપમાં પોતાની પ્રથમ સદી ફટકારી
ધવને વનડેમાં 17મી અને વિશ્વકપમાં ત્રીજી સદી ફટકારી હતી. આ વિશ્વકપમાં આ તેની પ્રથમ સદી છે. ધવનની સદીની સાથે ભારતના વિશ્વકપમાં 27 સદી થઈ છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા 26 સદી સાથે બીજા સ્થાને છે. 

રોહિતે વિશ્વકપમાં ત્રીજીવાર અડધી સદી ફટકારી
આ પહેલા રોહિત શર્મા 70 બોલ પર 57 રન બનાવીને આઉટ થયા હતા. રોહિતે 61 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે સતત ચોથી ઈનિંગમાં 50 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. 

રોહિત-ધવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી 
રોહિતે આઉટ થતાં પહેલા શિખર સાથે પ્રથમ વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી. વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે આ બીજી હાઇએસ્ટ પાર્ટનરશિપ છે. પ્રથમ નંબર પર આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ડિવિલિયર્સ છે. બંન્નેએ 2007માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 160 રનની ભાગીદારી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news