IND vs SA: વિશાખાપટ્ટનમમાં ભારતની વાપસી, કરો યા મરો મુકાબલામાં આફ્રિકાને 48 રને હરાવ્યું

સાઉથ આફ્રિકા સામે મહત્વની મેચમાં ભારતીય ટીમે 48 રન બનાવી પાંચ મેચની સિરીઝમાં શાનદાર વાપસી કરી છે. આ સાથે આફ્રિકા સિરીઝમાં 2-1થી આગળ છે. હવે ચોથી ટી20 મેચ 17 જૂને રાજકોટમાં રમાશે. 

IND vs SA: વિશાખાપટ્ટનમમાં ભારતની વાપસી, કરો યા મરો મુકાબલામાં આફ્રિકાને 48 રને હરાવ્યું

વિશાખાપટ્ટનમઃ રુતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનની શાનદાર બેટિંગ બાદ હર્ષલ પટેલ અને ચહલની ઘાતક બોલિંગની મદદથી ભારતે આફ્રિકા સામે ત્રીજી ટી20 મેચમાં 48 રને જીત મેળવી શાનદાર વાપસી કરી છે. સિરીઝમાં 0-2થી પાછળ રહ્યાં બાદ કરો યા મરો મુકાબલામાં ભારતે જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 10 ઓવરમાં 131 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

આફ્રિકાનો ધબડકો
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાને 23 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. કેપ્ટન બવુમા 8 રન બનાવી અક્ષરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રીઝા હેન્ડ્રિક્સ 23 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં આઉટ થયો હતો. પાવરપ્લેમાં મહેમાન ટીમે 2 વિકેટે 38 રન બનાવ્યા હતા. 

હર્ષલ પટેલ અને ચહલ છવાયા
ડ્વેન પ્રિટોરિયસ 16 બોલમાં 20 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ચહલે રુસી વાન ડેર ડુસેન (1) ને આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી. પાછલી મેચનો હીરો હેનરિક ક્લાસેન પણ માત્ર 29 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ડેવિડ મિલરે ત્રણ રન બનાવ્યા હતા. રબાડા 9, કેશવ મહારાજ 11 રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફથી હર્ષલ પટેલે 3.1 ઓવરમાં 25 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય ચહલે 20 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. એક-એક વિકેટ ભુવી અને અક્ષરને મળી હતી. 

ભારતના બંને ઓપનરોએ અપાવી શાનદાર શરૂઆત
કરો યા મરો મુકાબલામાં ભારતીય ટીમના બંને ઓપનર ગાયકવાડ અને ઈશાન કિશને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં 57 રન જોડી દીધા હતા. રુતુરાજ ગાયકવાડે શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. ગાયકવાડે ટી20 કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા 57 રન બનાવ્યા હતા. રુતુરાજ 35 બોલમાં 7 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી આઉટ થયો હતો. તો ઈશાન કિશને આ સીરિઝમાં બીજી અડધી સદી ફટકારતા 54 રન બનાવ્યા હતા. કિશને 35 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

શ્રેયસ અય્યર 14 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન રિષભ પંત આજે ફરી ફ્લોપ રહ્યો અને માત્ર 6 રન બનાવી પ્રિટોરિયસનો શિકાર બન્યો હતો. હાર્દિક પંડ્યાએ 21 બોલમાં 4 ચોગ્ગા સાથે અણનમ 31 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક 6 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. તો અક્ષર પટેલે 5 રનનું યોગદાન આપ્યુ હતું. 

સાઉથ આફ્રિકા તરફથી ડ્વેન પ્રિટોરિયસે 4 ઓવરમાં 29 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય રબાડા, શમ્સી, મહારાજને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news