Bday Special : વેસ્ટ ઇન્ડિઝમાં પ્રથમ જીત અપાવનાર મહાન ખેલાડી દિલીપ સરદેસાઇને ગૂગલની અનોખી ભેટ
ભારતીય ક્રિકેટ જગતના નવયુવાનો માટેના પ્રેરણાસ્ત્રોત સમા મહાન ખેલાડી દિલીપ સરદેસાઇના જન્મદિવસને ગૂગલે અનોખી રીતે યાદ કર્યો છે. ગૂગલે અનોખું ડૂડલ બનાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી : ગૂગલે બુધવારે પોતાના ડૂડલને ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન દિલીપ સરદેસાઇના જન્મદિવસે સમર્પિત કર્યું છે. 8 ઓગસ્ટે દિલીપ સરદેસાઇનો 78મો જન્મદિવસ છે. દિલીપ સરદેસાઇ ભારતીય ક્રિકેટમાં નવચેતના પુરૂષના રૂપમાં ઓળખાતા હતા. સ્પિન વિરૂધ્ધ એ વખતના એ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા હતા. તેઓ ઘણી શાનદાર ઇનિંગ્સ રમ્યા છે.
1940માં જન્મેલા સરદેસાઇએ 1961માં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પોતાની આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત કરી હતી અને ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 1972માં પોતાની છેલ્લી ટેસ્ટ પણ રમ્યા હતા. પોતાના કેરિયરમાં 30 ટેસ્ટમાં સરદેસાઇએ 39.23 રનની સરેરાશથી 2001 રન બનાવ્યા હતા જેમાં 5 સદી અને 9 અર્ધ શતક છે. પ્રાથમિક રીતે આ આંકડા આકર્ષક ન લાગે પરંતુ જે લોકોએ એમને બેટીંગ કરતા જોયા છે એ ક્યારેય એમને ભૂલી શકે એમ નથી.
દિલીપ સરદેસાઇના કેરિયરની સૌથી યાદગાર પળ 1971ની વેસ્ટ ઇન્ડિઝની સિરીઝ માનવામાં આવે છે. જ્યારે એમની કેરિયર ખતમ થયાનું જણાતું હતું અને એમને ટીમમાં સ્થાન અપાયું હતું. આ સિરીઝમાં જ્યારે ભારતીય ટીમ રન માટે ઝૂઝમી રહી હતી ત્યારે દિલીપે ત્રણ સદી સાથે 642 રન બનાવ્યા હતા જેમાં સર્વોચ્ચ 212 રનનો સ્કોર યાદગાર છે. સરદેસાઇના આ પ્રદર્શનને પગલે ભારત વેસ્ટ ઇન્ડિઝમાં પહેલી વખત કોઇ સિરીઝ જીત્યું હતું.
એ વર્ષે દિલીપ સરદેસાઇએ ઇંગ્લેન્ડમાં પણ પહેલી વખત ટેસ્ટ સિરીઝ જીતાડી હતી. જે વખતે એમણે ઓવલમાં 54 અને 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.
દિલીપ સરદેસાઇએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 179 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચમાં 271 ઇનિંગ્સમાં સરદેસાઇએ 10230 રન બનાવ્યા હતા જેમાં 25 સદી અને 56 અર્ધ શતક છે. 1960-61માં પૂણે તરફથી રમતાં દિલીપ સરદેસાઇએ પાકિસ્તાન વિરૂધ્ધ 106 રન બનાવ્યા હતા.
દિલીપ સરદેસાઇએ 2 જુલાઇ 2007માં 66 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. એમના પરિવારમાં પત્ની નંદની, પુત્ર રાજદીપ અને પુત્રી શોનાલી છે. રાજદીપ જાણીતા પત્રકાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે