INDvsAUS Test: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 277/6

પર્થમાં આજથી શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 277 રન બનાવી લીધા છે. 

 INDvsAUS Test: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 277/6

પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ગુમાવી 277 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ટિમ પેન (16) અને પેટ કમિન્સ (11) રન બનાવી મેદાનમાં હતા. ભારત તરફથી પ્રથમ દિવસે હનુમા વિહારી અને ઈશાંત શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી. તો જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવને એક-એક સફળતા મળી હતી. 

112 રનની પ્રથમ વિકેટની ભાગીદારી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને હૈરિસ અને ફિન્ચે મજબૂત શરૂઆત અપાવી હતી. બંન્નેએ મળીને પ્રથમ વિકેટ માટે 112 રન જોડ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો ફિન્ચના રૂપમાં લાગ્યો તેને બુમરાહે LBW આઉટ કર્યો હતો. ફિન્ચે 105 બોલમાં 6 બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરની બીજી અડધી સદી નોંધાવી હતી. 

ઝડપથી પડી 3 વિકેટ
ત્યારબાદ ઉસ્માન ખ્વાજા (5)ને ઉમેશ યાદવે શિકાર બનાવ્યો હતો. તેને વિકેટ પાછળ પંતે કેચ કર્યો હતો. ઓપનર માર્કસ હૈરિસ (70)ને 49મી ઓવરમાં હનુમા વિહારીએ રહાણેના હાથે કેચ કરાવ્યો હતો. હૈરિસે 141 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે લંચ બાદ 90 બોલ પર પોતાના કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. 

પીટર હૈંડ્સકોમ્બ (7)ને ઈશાંત શર્માના બોલ પર કોહલીએ શાનદાર કેચ કર્યો હતો. યજમાન ટીમે પ્રથમ વિકેટ માટે 112 અને પછી ત્રણ વિકેટ 148 રન સુધી ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 33.3 ઓવરમાં 100 રન અને 68.5 ઓવરમાં 200 રન પૂરા કર્યા હતા. પર્થના આ સ્ટેડિયમમાં પ્રથમવાર કોઈ ટેસ્ટ મેચનું આયોજન થઈ રહ્યું છે. 

હેડ-માર્શની ભાગીદારી
4 વિકેટ પર 148ના સ્કોર બાદ શોન માર્શ અને ટ્રેવિસ હેડે મોર્ચો સંભાળ્યો અને ટકીને બેટિંગ કરી હતી. બંન્નેએ પાંચમી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. માર્શ (45) ટીમે 232ના સ્કોર પર પાંચમી વિકેટ રૂપમાં પેવેલિયન પરત ફર્યો હતો. માર્શે 98 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ હેડને ઈશાંત શર્માએ આઉટ કર્યો હતો. હેડે 80 બોલ પર 6 ચોગ્ગા સાથે ટેસ્ટ કરિયરની ત્રીજી ફિફ્ટી લગાવી હતી. 

ઉમેશ અને હનુમા વિહારીને મળ્યું સ્થાન
આ પહેલા યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઈજાને કારણે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા અને તેના સ્થાને ઉમેશ યાદવ અને હનુમા વિહારીને તક મળી હતી. તો ઓસ્ટ્રેલિયાએ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પ્રવાસી ટીમે એડિલેડ ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ  31 રનથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવેલી છે. 

ટીમ
ભારતીય ટીમઃ વિરાટ કોહલી, મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. 

ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્ચ, માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પૈટ કમિન્સ, નાથન લાયન, જોશ હેઝલવુડ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news