Asia Cup 2023: તાકાત જ નબળાઈ બની? ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

Asia Cup 2023: એશિયા કપની સુપર 4 રાઉન્ડમાં શ્રીલંકા સામેની મેચ ટીમ ઈન્ડિયાએ ભલે જીતી લીધી હોય પરંતુ એક શરમજનક રેકોર્ડ ચોક્કસપણે નોંધાઈ ગયો. 

Asia Cup 2023: તાકાત જ નબળાઈ બની? ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમ હાલ એશિયા કપ 2023માં રમી રહી છે. ટીમની સૌથી મોટી તાકાત ગણાવવી હોય તો તે બેટિંગ છે. ખાસ કરીને સ્પિનિંગ વિરુદ્ધ ભારતીય બેટર્સ હંમેશા જબરદસ્ત પ્રદર્શન કરતા જોવા મળે છે. આ જ કારણ છે કે ભારતમાં પણ મોટાભાગે સ્પિન ફ્રેન્ડલી પિચો જોવા મળે છે. પરંતુ એશિયા કપ 2023માં મંગળવારે (12 સપ્ટેમ્બર) શ્રીલંકા વિરુદ્ધ કઈક અલગ જ મામલો જોવા મળ્યો. સુપર 4 રાઉન્ડમાં ભારતીય ટીમની આ બીજી મેચ હતી. જેમાં ટીમ 49.1 ઓવરમાં 213 રન પર ઓલઆઉટ થઈ ગઈ. જો કે આ મેચ ભારતીય ટીમે બોલર્સના શાનદાર પ્રદર્શનના કારણે 41 રનથી જીતી લીધી અને ફાઈનલમાં જગ્યા પાક્કી કરી. 

બનાવ્યો આ શરમજનક રેકોર્ડ
અહીં સૌથી વધુ ચોંકાવનારી વાત એ રહી કે બધી 10 વિકેટ સ્પિનરોએ જ લીધી. આ મેચમાં શ્રીલંકાની ટીમનો અસલ હીરો સ્ટાર સ્પિનર ડુનિથ વેલાલગે હતો. 20 વર્ષના આ મિસ્ટ્રી સ્પિનરે ભારતની અડધી ટીમ એકલા હાથે સમેટી લીધી. મેચમાં વેલાલગેએ 10 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ લીધી. ત્યારબાદ બીજો સ્ટાર બોલર ઓફ સ્પિનર ચરિથ અસલંકા રહ્યો. જેણે સૌથી વધુ 4 વિકેટ લીધી. જ્યારે ઓફ સ્પિનર મહીશ તીક્ષણાએ 1 વિકેટ લીધી. આમ ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમ વિરુદ્ધ બધી 10 વિકેટ સ્પિનરોએ લીધી. આ ટીમ ઈન્ડિયા માટે એક શરમજનક રેકોર્ડ કહી શકાય. 

આમ તો વનડે ક્રિકેટના ઈતિહાસમાં આવું 10મી વાર બન્યું છે. જ્યારે સ્પિનરોએ વનડે મેચમાં બધી 10 વિકેટ લીધી છે. પણ ભારત વિરુદ્ધ પહેલીવાર કોઈ ટીમે આ કારનામું કર્યું છે. ભારતે 1997માં આ જ મેદાન પર શ્રીલંકા સામે સ્પિન બોલિંગમાં નવ વિકેટ ગુમાવી હતી. 

વેલાલગેએ મેચમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને પોતાનો શિકાર બનાવ્યા હતા. એટલે કે ટોપ 5 બેટર્સ વેલાલગે સામે નતમસ્તક થઈ ગયા. જ્યારે અસલંકાએ ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવને પોતાનો શિકાર બનાવ્યા. તીક્ષણાએ અક્ષર પટેલને આઉટ કર્યો. 

પાકિસ્તાન વિરુદ્ધ પ્લેયર ઓફ ધ મેચ રહેલા વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ 12 બોલ રમ્યા અને ફક્ત 3 રન બનાવીને કેચ આઉટ થયો. ઓપનર શુભમન ગિલે 19 રન કર્યા. જ્યારે 5માં નંબર પર આવેલો રાહુલ ફક્ત 39 રન બનાવી શક્યો. આ મેચમાં ઈશાન કિશનને ચોથા નંબર પર મોકલવામાં આવ્યો હતો. પરંતુ તે પણ 33 રન કરીને આઉટ થઈ ગયો. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા તો ડબલના આંકડે પણ પહોંચી શક્યા નહીં. પંડ્યાએ 5 અને જાડેજાએ 4 રન બનાવ્યા. 

કોલંબોમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે 213 રન કર્યા હતા. મેચમાં એકલા રોહિત શર્માનો દમ જોવા મળ્યો જેમણે 48 બોલમાં 53 રન કર્યાં. આ સિવયા કોઈ પણ ખેલાડી 50 રન કરી શક્યો નહીં. આખી ભારતીય ટીમ બે સ્પિનરો ડુનિથ વેલાલગે અને ચરિથ અસલંકા સામે ઘૂંટણિયે પડતી જોવા મળી. 

શ્રીલંકા સામે 214 રનનો ટાર્ગેટ હ તો. જેના જવાબમાં આખી ટીમ 172 રન જ કરી શકી. ટીમ માટે ડુનિથ વેલાલગેએ સૌથી વધુ અણનમ 42 રન કર્યા. આ સિવાય ધનંજય ડિસિલ્વાએ 41 રન કર્યા. બંનેએ 7મી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ ઝડપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news