Ashes 2019: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં
એશિઝ સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધી ઈંગ્લેન્ડે પોતાની કુલ લીડ 382 રન સુધી પહોંચાડી દીધી છે.
Trending Photos
લંડનઃ એશિઝ સિરીઝની (Ashes 2019)ની પાંમચી અને અંતિમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ઈંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવી 313 રન બનાવી લીધા છે. દિવસના અંતે જેક લીચ 5 અને જોફ્રા આર્ચર 3 રન બનાવી ક્રીઝ પર હતા. ઈંગ્લેન્ડની કુલ લીડ 382 રનની થઈ ગઈ છે. મહત્વનું છે કે, ઈંગ્લેન્ડને પોતાની પ્રથમ ઈનિંગમાં 294 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 225 રન બનાવી ઓલઆઉટ થઈ જતા ઈંગ્લેન્ડને 69 રનની લીડ મળી હતી.
ઈંગ્લેન્ડે આજે ગઈકાલના સ્કોર 9 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. બંન્ને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 54 રન હતો ત્યારે રોરી બર્ન્સ (20)ને નાથન લાયને આઉટ કરીને કાંગારૂને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ જો રૂટ (21) પણ લાયનનો શિકાર બન્યો હતો.
ઈંગ્લેન્ડે 87 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ જો ડેનલી અને બેન સ્ટોક્સે ત્રીજી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડની મેચ પર પકડ વધુ મજબૂત બનાવી હતી. ટીમનો સ્કોર 214 રન હતો ત્યારે બેન સ્ટોક્સ (67)ને લાયને બોલ્ડ કર્યો હતો. જો ડેનલી સદી ચુકી ગયો હતો અને 94 રન પર સીડલનો શિકાર બન્યો હતો. તેણે 206 બોલનો સામનો કરતા 14 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
ત્યારબાદ જોની બેયરસ્ટો (14), સેમ કરન (17) અને ક્રિસ વોક્સ (6) જલ્દી આઉટ થઈ ગયા હતા. જોસ બટલરે 47 રનનું યોગદાન આપ્યું હતું. દિવસના અંતે જોફ્રા આર્ચર અને જેક લીચ અણનમ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઈનિંગમાં નાથન લાયને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મિશેલ માર્શ તથા પીટર સીડલને બે-બે અને પેટ કમિન્સને એક સફળતા મળી હતી.
મહત્વનું છે કે, પાંચ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે અને કાંગારૂ ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર 2001 બાદ એશિઝ સિરીઝ જાળવી રાખવામાં સફળ રહી છે. હવે ઈંગ્લેન્ડ પાસે આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝ બરોબરી કરવાની તક છે. જ્યારે ઓસ્ટ્રેલિયા મેચ જીતે કે ડ્રો કરાવશે તો એશિઝ જાળવી રાખવાની સાથે સિરીઝ પર પણ કબજો કરી લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે