યુવરાજ સિંહ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવવામાં આવેલા 4 વિશ્વ રેકોર્ડ

યુવરાજ સિંહ હાલ ભારતીય ટીમમાં નથી. હાલમાં જયપુરમાં યોજાયેલી આઈપીએલની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 

 યુવરાજ સિંહ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવવામાં આવેલા 4 વિશ્વ રેકોર્ડ

નવી દિલ્હીઃ યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટના તે દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ કરતા વધુ સમય પસાર કર્યો છે. યુવરાજ સિંહે પોતાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 11 હજારથી વધુ રન બનાવ્યા છે. તેણે 304 એકદિવસીય મેચોની 274 ઈનિંગમાં 36.27ની એવરેજથી 8701 રન બનાવ્યા છે. જ્યારે 40 ટેસ્ટ મેચોની 62 ઈનિંગમાં 1900 રન બનાવ્યા છે. ટી20 ક્રિકેટના શાનદાર ખેલાડીમાંથી એક યુવરાજ 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની 52 ઈનિંગમાં 28.02ની એવરેજથી 1177 રન બનાવ્યા છે. 

યુવરાજના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર વિશ્વ રેકોર્ડ

1. ટી20મા એક ઓવરમાં છ સિક્સ
યુવરાજ સિંહે 2007મા દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં સતત છ સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. 

2. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી
યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 વિશ્વકપ 2007મા ડરબનમાં માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. જે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં એક વિશ્વ રેકોર્ડ છે. 

જ્યારે માત્ર ટી20 ક્રિકેટની વાત કરીએ તો ક્રિસ ગેલે બિગ બેશ લીગમાં એલિલેડ સ્ટ્રાઇકર્સ વિરુદ્ધ અને હઝરતુલ્લાહ જઝાઇએ અફગાનિસ્તાન પ્રીમિયર લીગમાં બાલ્ખ લીજેન્ડ્સ વિરુદ્ધ 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. 

3. સર્વાધિક 7 વખત આઈસીસી દ્વારા આયોજીત ટૂર્નામેન્ટ રમનાર ખેલાડી
યુવરાજ સિંહ વિશ્વનો એકમાત્ર ખેલાડી છે જેણે આઈસીસી દ્વારા આયોજીત ટૂર્નામેન્ટોમાં 7 વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે 2000 ચેમ્પિયન્સ ટ્રોફી, 2002 ચેમ્પિયન્સ ટ્રોફી, 2003 વિશ્વકપ, 2007 ટી20 વિશ્વકપ, 2011 વનડે વિશ્વકપ, 2014 ટી20 વર્લ્ડ કપ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભાગ લીધો હતો. 

4. ભારત તરફથી બે વિશ્વકપમાં મેન ઓફ ધ સિરીઝ થનાર એકમાત્ર ખેલાડી
યુવરાજ સિંહે 2007 ટી20 વિશ્વકપ અને 2011ના એકદિવસીય વિશ્વકપમાં પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવ્યો હતો. જે ભારત તરફતી એક રેકોર્ડ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news