INDvsNZ: ભારતે વિજયની હેટ્રિક સાથે વન ડે શ્રેણીમાં ૩-૦થી અજેય સરસાઈ મેળવી

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ત્રીજી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે પરાજય આપીને પાંચ મેચોની સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. 

INDvsNZ: ભારતે વિજયની હેટ્રિક સાથે વન ડે શ્રેણીમાં ૩-૦થી અજેય સરસાઈ મેળવી

માઉન્ટ માઉનગેઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવીને પાંચ મેચોની વનડે સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 243 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે 244 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતીય ટીમે રોહિત શર્મા અને વિરાટની અડધી સદીની મદદથી 43 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. અંબાતી રાયડૂ 40 અને દિનેશ કાર્તિક 38 રન બનાવી અણનમ રહ્યાં હતા. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચોની વનડે સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. શ્રેણીની ચોથી વનડે મેચ 31 જાન્યુઆરીએ રમાશે. મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર ભારતીય બોલર મોહમ્મદ શમીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

244 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. શિખર ધવન અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 39 રન જોડ્યા હતા. ઈનિંગની શરૂઆતથી ધવન વધારે આક્રમક જણાતો હતો. પરંતુ ઈનિંગની 9મી ઓવરમાં શિધર ધવન (28) ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. તેણે 27 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. બંન્નેએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંન્નેએ ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. રોહિત શર્મા (62) સેન્ટનરનો શિકાર બન્યો હતો. ટોમ લાથમે તેને સ્ટંપ આઉટ કર્યો હતો. તેણે 77 બોલમાં 3 ફોર અને બે સિક્સ ફટકારી હતી. ત્યારબાદ વિરાટ (60)ને બોલ્ટે પેવેલિયન પરત મોકલીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. વિરાટે 74 બોલનો સામનો કરતા છ ફોર અને એક સિક્સ ફટકારી હતી. ત્યારબાદ રાયડૂ અને કાર્તિકે ચોથી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરીને ભારતને વિજય અપાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે બે તથા સેન્ટનરે એક વિકેટ ઝડપી હતી. 

ન્યૂઝીલેન્ડની ઈનિંગનો રોમાંચ
પ્રથમ બે વનડેની જેમ આ મેચમાં પણ કીવીના બંન્ને ઓપનરો નિષ્ફળ રહ્યાં હતા. ઈનિંગની બીજી ઓવરમાં મોહમ્મદ શમીએ કોલિન મુનરો (7) રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ સ્લિપમાં મુનરોને કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ સાતમી ઓવરમાં ભુવનેશ્વર કુમારે માર્ટિન ગુપ્ટિલ (13)ને પોતાનો શિકાર બનાવ્યો હતો. દિનેશ કાર્તિકે ગુપ્ટિલનો કેચ ઝડપ્યો હતો. આમ 26 રનના ગાળામાં ન્યૂઝીલેન્ડે બંન્ને ઓપનરોને ગુમાવી દીધા હતા. 

ત્યારબાદ કેપ્ટન કેન વિલિયમસન અને રોસ ટેલરે મળીને ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડ્યો હતો. ત્યારબાદ ઈનિંગની 17મી ઓવરમાં ચહલે કેન વિલિયમસન (28) આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ તેનો શાનદાર કેચ ઝડપ્યો હતો. ન્યૂઝીલેન્ડે 59ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ટોમ લાથમ અને  ટેલરે કીવીની ઈનિંગ સંભાળી હતી. ટેલરે 71 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ટેલર અને લાથમે ચોથા વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન લાથમે પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટીમનો સ્કોર 178 રનો હતો ત્યારે ચહલે લાથમ (51)ને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ચોથા ઝટકો આપ્યો હતો. તેણે 64 બોલનો સામનો કરતા 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. 

ત્યારબાદ હેનરી નિકોલ્સ ક્રિઝ પર આવ્યો હતો. તેની પાસેથી કીવી ટીમને એક શાનદાર ઈનિંગની આશા હતી. પરંતુ હાર્દિક પંડ્યાએ નિકોલ્સ (6)ને આઉટ કરીને કીવીને પાંચમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ પંડ્યાએ સેન્ટનર (3)ને આઉટ કરીને પોતાની બીજી વિકેટ પૂરી કરી હતી. એકતરફ વિકેટનું પતન શરૂ હતું જ્યારે બીજા છેડે રોસ ટેલરે શાનદાર બેટિંગ કરતા ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. 

45 ઓવરમાં કીવીએ 222 રન બનાવી લીધા હતા. ત્યારે ઈનિંગની 46મી ઓવરમાં શમીએ ટેલર (93) રન બનાવી આઉટ થતાં પોતાની સદી ચુકી ગયો હતો. તેણે 106 બોલનો સામનો કરતા 9 બાઉન્ડ્રી ફટકારી હતી.  ટેલર આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ એક બાદ એક વિકેટ ગુમાવી અને 243 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અંતમાં ડગ બ્રેસવેલ (15), સોઢી (12) અને બોલ્ટ (2) રન બનાવી આઉટ થયા હતા. 

ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમીએ 9 ઓવરમાં 41 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તો ભુવનેશ્વરે 46 રન આપીને બે, ચહલે 51 રન આપીને બે તથા પંડ્યાએ 10 ઓવરમાં 45 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડનો એક બેટ્સમેન રન આઉટ થયો હતો. 

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની ઈજાને કારણે બહાર છે, તેના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાની પણ ટીમમાં વાપસી થઈ છે. 

ટીમ આ પ્રકારે છેઃ
ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર. 

— BCCI (@BCCI) January 28, 2019

ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમસન, માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, રોસ ટેલર, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, મિશેલ સેન્ટનર, ડગ બ્રેસવેલ, ટ્રેન્ટ બોલ્ટ, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન. 

કોહલીની મળશે આરામ
બીસીસીઆઈએ કોહલીનો ભાર ઓછો કરવા માટે ત્રીજી વનડે બાદ તેને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. તે ન્યૂઝીલેન્ડ સામે બાકીની બંન્ને વનડે અને 3 મેચોની ટી20 સિરીઝમાં રમશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news