આઈપીએલ 2019: હરાજીમાં ઉતરશે 1003 ખેલાડી

આઈપીએલ 2019મા હરાજી માટે 1000થી વધુ ખેલાડીઓએ પોતાના નામની નોંધણી કરાવી છે. બીસીસીઆઈએ જણાવ્યું કે, હરાજીમાં 232 વિદેશી ખેલાડી સહિત કુલ 1003 ખેલાડીઓની બોલી લાગશે. 
 

આઈપીએલ 2019: હરાજીમાં ઉતરશે 1003 ખેલાડી

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં હરાજી માટે આ વખતે 1000થી વધુ ખેલાડીઓએ પોતાની નોંધણી કરી છે. આ હરાજી 18મી ડિસેમ્બરે જયપુરમાં થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ બુધવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે. નિવેદન અનુસાર, હરાજીમાં 232 વિદેશી ખેલાડી સહિત કુલ 1003 ખેલાડીઓની બોલી લાગશે. 

હરાજીમાં આ વખતે 800થી વધુ ખેલાડી એવા છે જે અત્યાર સુધી આઈપીએલમાં રમ્યા નથી, તેમાંથી 746 ભારતીય છે. આ ક્રિકેટ લીગમાં આવું પ્રથમવાર છે કે નવ રાજ્યોના ખેલાડીઓએ હરાજી માટે પોતાની નોંધણી કરાવી છે. આ રાજ્યોમાં અરૂણાચલ પ્રદેશ, બિહાર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ઉત્તરાખંડ અને પુડુચેરી સામેલ છે. આ વર્ષે બીસીસીઆઈએ આ નવા રાજ્યોને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની મંજૂરી આપી હતી. 

ખેલાડીઓની નોંધણી બાદ હવે તમામ ફ્રેન્ચાઇઝીએ 10 ડિસેમ્બર સુધી ખેલાડીઓની યાદી બોર્ડને સોંપી દેશે. જેથી હરાજી માટે અંતિમ યાદી તૈયાર કરી શકાય. લીગની 12મી સિઝન માટે જે દેશોના ખેલાડીઓએ પોતાના નામની નોંધણી કરાવી છે, તેમાં દક્ષિણ આફ્રિકાના સૌથી વધુ (59) ખેલાડી સામેલ છે. 

બાકી દેશોના ખેલાડીઓની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના 35, વેસ્ટ ઈન્ડિઝના 33, શ્રીલંકાના 28, અફઘાનિસ્તાનના 27, ન્યૂઝીલેન્ડના 17, ઈંગ્લેન્ડના 14 અને બાંગ્લાદેશના 10 ખેલાડીઓ સામેલ છે. આ સિવાય ઝિમ્બાબ્વેના 5, જ્યારે હોંગકોંગ, આયર્લેન્ડ, નેધરલેન્ડ તથા અમેરિકાનો એક-એક ખેલાડી સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news