સોમનાથમાં થયો ચમત્કાર : આકાશમાં મધ્ય રાત્રિએ 12ના ટકોરે બની અદભૂત ઘટના, ચંદ્રએ કર્યો અભિષેક
Somnath Temple : સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ, અને ચંદ્ર એક હરોળમાં આવ્યા
Trending Photos
Gujarat Temples સોમનાથ : કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે. જેમાં વર્ષમાં માત્ર 1 જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ, શ્રી સોમનાથ મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ, અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ" સર્જાય છે. ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરતો હોય તેવુ દ્રશ્ય રચાય છે. આ સંયોગના દર્શન કરવા દેશ-વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ પહોંચે છે.
માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે.
આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે. કારણકે ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે. અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી.
સોમનાથમાં ચમત્કાર: મધ્ય રાત્રિએ 12ના ટકોરે આકાશમાં બની અદભૂત ઘટના, ચંદ્રએ કર્યો અભિષેક....!#somnath #somnathtemple #Gujarat #Mahadev #shiva #somnathmahadev #Viralvideo #ZEE24kalak pic.twitter.com/ebmnWiDVX6
— Zee 24 Kalak (@Zee24Kalak) November 27, 2023
કાર્તિકી પૂર્ણિમાના આ અદભુત સંયોગને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિરમાં રાત્રિના 11:00 વાગે મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રીએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હર મહાદેવ જય સોમનાથના નાદથી શ્રી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે