Dhanteras 2023 Muhurat: ધનતેરસ પર ધનવૃદ્ધિ યોગ, જાણો લક્ષ્મી-કુબેર અને ભગવાન ધન્વંતરિની પૂજા કરવાનો શુભ સમય અને વિધિ

Dhanteras 2023: ધનતેરસન 10 નવેમ્બર 2023ના છે. આ દિવસે ખરીદી કરવાથી લક્ષ્મી ખુશ થાય છે. ધનતેરસના દિવસે ગણપતિ જી, લક્ષ્મી-કુબેર દેવ અને ધનવંતરિનીપૂજા શુભ મુહૂર્તમાં કરો, જાણો વિધિ, મંત્ર.

Dhanteras 2023 Muhurat: ધનતેરસ પર ધનવૃદ્ધિ યોગ, જાણો લક્ષ્મી-કુબેર અને ભગવાન ધન્વંતરિની પૂજા કરવાનો શુભ સમય અને વિધિ

અમદાવાદઃ ધનતેરસ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ધનતેરસને સિદ્ધ રાત્રિ અને દિવસ માનવામાં આવે છે તેથી જ ધનતેરસએ કરેલી  લક્ષ્મીની પૂજા સહસ્ત્ર ગણી ફળદાયી ગણાય છે. સાથે શુક્ર વારનો દુર્લભ સંયોગ ઘરમાં  અખુટ લક્ષ્મી પ્રાપ્તિ કરાવી શકે છે.

પ્રાચિન સમયથી શાસ્ત્રોમાં ધનતેરસની પૂજાનો  વિશેષ મહિમા વર્ણવ્યો છે.  આ પર્વે શુક્રવારે ધનતેરસ હોવાથી અતિ ફળદાયી માનવામાં આવે છે. પ્રાચીન સમયથી ધનતેરસે માતા લક્ષ્મીનું પૂજન કરાય છે પરંતુ બહુ જૂજ લોકો જાણે છે કે ધનતેરસે કુબેર દેવનું પણ પૂજન કરવું અનિવાર્ય છે. તેઓ સમૃદ્ધિ અને ઐશ્વર્યના અધિપતિ દેવ છે અને આ સાથે આ દિવસની પૂજાની આખરમાં ધન્વંતરી દેવનું પૂજન કરવું જોઈએ કેમકે તેઓ આરોગ્યની સુખાકારીના દેવ છે.  જો આ ત્રણેયનું પૂજન કરીએ તો જ ધનતેરસની પૂજા સંપૂર્ણ માનવામાં આવે છે. 

 લક્ષ્મી કૃપા અને કુબેર કૃપા તેની જ સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું હોય અને તે ધન એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ ભોગવી શકે માટે જ આ દિવસે માતા લક્ષ્મીના પૂજન સાથે આ બંને દેવોની આરાધના કરવાનો અનેરો મહિમા  છે.

ધનતેરસ  પૂજા વિધિ વિધાન 
કહેવાય છે કે  ધનતેરસને દિવસે ખાસ કરીને શુભ મુહૂર્ત માં સ્નાન  આદિ કાર્યથી શુદ્ધ થઈ નવા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી માતા લક્ષ્મીને પ્રિય હોય તેવા પુષ્પ પ્રસાદ પૂજાપો સુગંધિત દ્રવ્ય જેવા ઉપચાર અને વિશેષ મંત્રો દ્વારા કરેલ પૂજાથી અવશ્ય લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મી પૂજામાં મા લક્ષ્મીને રિઝવવાની નીચેના પ્રયોગો કરવાથી પણ અચૂક ફળની પ્રાપ્તિ થાય છે.

  ધનતેરસ શુભ મુહૂર્ત સમય 
આસો વદ-૧૩  શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩ 
સમય : સવારમાં ૧૨-૨૪ થી ૧૩-૪૬ ( શુભ ચોઘડિયું )
સાજે ૧૬-૩૩ થી ૧૭-૫૬ ( ચલ ચોઘડિયું)
રાત્રે ૨૧-૧૦ થી ૨૨-૪૭ ( લાભ ચોઘડિયું )
 અને ૨૪-૨૪ થી ૨૭-૩૮ ( શુભ અને અમૃત ચોઘડિયું ) 

ઉપરોક્ત શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીજીનું પૂજન કરવું 

ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા - ધન્વંતરી પૂજા
  લક્ષ્મી માતાજીને પ્રિય પુજન સામગ્રી 
સૌથી પહેલા તૈયાર કરી દેવી જેમાં માતાજીને કમળના પુષ્પ ગુલાબના પુષ્પો અને શ્વેત સુગંધિત પુષ્પો અતિપ્રિય છે તેમજ ગાયના દૂધમાંથી બનાવેલી કોઈપણ મીઠાઈ એમને અતિપ્રિય છે તેમજ મીઠા ફળ ફળાદી દેવીને  કમળ પુષ્પ કે ગુલાબની સુગંધ મોગરાની સુગંધ કે ચંદનની સુગંધ તેમને અતિ પ્રિય છે. તેથી તે અત્તર  રાખવા  કપુરી પાન કે સેવનના પાન સાથે  ખાસ અબીલ ગુલાલ સિંદુર કુમકુમ અક્ષત ,કમળ કાકડી , ધરો  તેમજ પંચામૃત કેસરબદામ દૂધ, ગંગાજળ કપૂર, ધૂપ અગરબત્તી ઘીનો દીપક તેલનો દીપક વગેરે પૂજામાં અવશ્ય રાખવું અને ઉપરોક્ત સામગ્રી સાથે ધામ ધૂમ થી થાળ આરતી  મંત્ર જાપ કરી  માતાજીનું પૂજન અર્ચન કરવું.

લક્ષ્મી પૂજામાં માળા નું પણ મહત્વ છે
તેથી  મહાલક્ષ્મી તેમજ કુબેર દેવ  મંત્રના જાપ કમળ કાકડીની માળા સ્ફટિકની માળા કે તુલસી ની માળા થી જાપ  કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે.

સૌથી પહેલા દીવો પ્રગટાવી ગણેશજીનું પૂજન કરવું તેમને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવવું તેમને વસ્ત્ર અર્પણ  કરવા સાથે દેવી રિદ્ધિ અને સિદ્ધિને યાદ કરી સોપારી પર ધરણાં કરી તેમનું પણ પૂજન કરવું ત્યાર બાદ
અબીલ ગુલાલ સિંદૂર અર્પણ કરવા પુષ્પ અર્પણ કરવા.  પ્રસાદમાં લાડુ મોદક કે ગોળ અર્પણ કરવો  અને પ્રાર્થના કરવી કે જીવનના વિઘ્નો દૂર થાય.
 
કહેવાય છે કે ધનતેરસ પર માતા લક્ષ્મીના મંત્રો જાપ વગર પૂજા પૂર્ણ થતી નથી.  
તેથી  શુદ્ધ આત્મા અને મનથી લક્ષ્મીજીની અપાર  કૃપા મળે  તેવી પ્રાથના  સાથે  સમગ્ર વિધિ કરતા કરતા નીચે મુજબ  મંત્ર જાપ કરવા  

 માટે  પૂજા કરનારે  સતત મંત્ર જાપ  અને પૂજામાં સાથે બેઠેલ ઘરના સભ્યોએ પણ મંત્ર જાપ કરવો.
  
મહા લક્ષ્મી માતાની કૃપા આપણા પર બની રહે તેના માટે પ્રાર્થના કરવી અને જણાવેલ બીજ મંત્રો માંથી કોઇપણ એક નો જાપ સતત  કરતા રહેવું 

1 લક્ષ્મી જી ના  પ્રસિદ્ધ બીજ મંત્ર 
   ૐ હ્રીં 
   ૐ શ્રીં

ત્યાર બાદ આજ પ્રમાણે દેવી લક્ષ્મીની મૂર્તિ કે સિક્કા પારંપારિક જેનું પણ આપણે પૂજન કરતા હોઈએ તેને બાજોટ કે પાટલા પર ડીશમાં મૂકી તેને પણ ગંગા જળ મિશ્રિત જળથી અભિષેક કરી પૂજન કરવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ફરી જળ મિશ્રિત જળથી  સ્વચ્છ કરી પાટલા કે બજોટ  પર રેશમી વસ્ત્ર કે ચુંદડી પાથરી તેના પર કપુરી પાન મૂકી લક્ષ્મીજીના સિક્કા મુકવા અને દરેક પર કુમકુમથી તિલક કરી ચોખા પુષ્પ અને નાડાછડી રૂપી વસ્ત્ર અર્પણ કરવા. સાથે લક્ષ્મીજીની પ્રિય વસ્તુઓ જે પૂજા માટે  લાવ્યા છીએ તે અને સુગંધિત દ્રવ્ય ફળ પ્રસાદ જેવા ઉપચાર અર્પણ કરવા.

લક્ષ્મી પૂજામાં આગળ નીચે આપેલ મંત્ર
માંથી કોઈપણ એક મંત્ર  ની  3,6,કે 9  માળા  કરવાથી વર્ષ પર્યંત  મહાલક્ષ્મી માતાની કૃપા બની રહે છે અને સ્થિર અને અખુટ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

 ૐ હ્રીં શ્રીં નમઃ
 ૐ હ્રીં શ્રીં  મહાલક્ષ્મયે નમઃ

કુબેર મહા મંત્ર પ્રયોગ
શાસ્ત્રમાં કહ્યું છે કે કુબેરજી ના આશીર્વાદ હોય તો જ  સુખ-સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ધન હોય તેનું ઐશ્વર્ય ભોગવી શકાય.

 કુબેર મંત્ર જાપ પ્રયોગ
માતા લક્ષ્મીના  પૂજન બાદ ધન એજ કુબેર દેવ ના ફોટા મૂર્તિ કે યંત્ર સમક્ષ બેસી કમળ કાકડી કે સ્ફટિકની માળાથી અહી દર્શાવેલ કોઈપણ મંત્રની 1 માળા કે  3, માળા  કરવી  કુબેર દેવને પ્રાર્થના કરવી કે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય આ મંત્રના અચૂક પ્રભાવથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં એશ્વર્યા સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ રહે છે.
      
કુબેર  મંત્ર પ્રયોગ 
મંત્ર ૧ : ૐ શ્રી કુબેરાય નમઃ 
મંત્ર ૨:  ૐ  શ્રી યક્ષાય નમઃ
મંત્ર ૩ : ૐ યક્ષાય કુબેરાય વૈષ્ણવણાય ધન ધાન્યાદિ  પતયે ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દાયપ સ્વાહા ! 

ધન્વંતરી પૂજન
લક્ષ્મીપૂજન માંજ ધનવંતરી દેવનું આહવાન કરી તજ લવિંગ ઈલાયચી મધ કે કપુરી પાન જેવી ઔષધિ પૂજામાં મૂકી અહીં આપેલ મંત્રની એક માળા કરવાથી  ધન્વંતરિ દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સુંદર સ્વસ્થ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

ૐ ધન્વંતરયે નમઃ  1 માળા કરવી 
આ પ્રમાણે ધનતેરસે સંપૂર્ણ વિધિ વિધાન સહિત પૂજા કરી લક્ષ્મીજીના ફોટા સિક્કા કે મૂર્તિને અબીલ ગુલાલ સિંદૂર અત્તર  તેમજ પુષ્પ અર્પણ કરી વર્ષ પર્યંત દેવી લક્ષ્મી કુબેર દેવ અને ધન મંત્રી દેવની કૃપા રહી તેવી પ્રાર્થના કરવી. અને ત્યારબાદના શુભ મુહૂર્તમાં પૂજાનું વિસર્જન કરવું અને પૂજન કરેલ ધન સિક્કા કે લક્ષ્મીજી પારંપરિક રીતે કબાટમાં જ્યાં મુકતા હોઈએ ત્યાં મુકવા. આ પ્રમાણે સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા જ્યાં કરાય છે  ત્યાં ધન ધાન્ય સુખ સંપત્તિ સમૃદ્ધિ અને આરોગ્ય ના ઉતમ સુખ ની પ્રાપ્તિ થાય છે વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને વેપાર ધંધા નોકરીમાં પ્રગતિ થાય છે.

યમ દીપમ (ધનતેરસ યમ દીપ દાન)
ઘણા ઘરોમાં ધનતેરસ પર યમરાજના નામનો દીવો અવશ્ય દાન કરવામાં  આવે છે તેના દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે, વ્યક્તિને મૃત્યુનું દુઃખ સહન કરવું પડતું નથી. 

આ દીવો ખાસ કરીને પ્રદોષ કાળમાં કરવામાં આવે છે આ દીવો લોટનો દીવો કરાય છે  અને તેમાં રૂની બે લાંબી વાટ રાખી તેમને એવી રીતે કોળિયામાં રાખો કે દિવેટના  ચાર મુખ દીવાની બહાર દેખાય. આ દીવો  તલના  તેલનો કરી તેલમાં  કાળા તલ નાખીને  ઘરની બહાર  ઘઉંના ઢગલા પર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને યમરાજને અર્પણ કરવામાં આવે છે.  જેનાથી યમરાજના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પ્રકારે ધનતેરસ નો મહિમા અનુસાર સંપૂર્ણ  પૂજા વિધિ વિધાન થાય છે.
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news