આ રીતે થઈ ભારતમાં વડાપાઉં અને ભાજીપાઉંની એન્ટ્રી...જાણો રસપ્રદ કહાની

ભાગ્યે જ એવું હશે કે જેને ચટાકેદાર વડાપાઉ અને સ્વાદથી ભરપૂર ભાજીપાઉ નહીં ભાવતી હોય. આ બંને વાનગી સમગ્ર દેશમાં સૌથી વખાણાયેલી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. મહારાષ્ટ્રમાંથી આવનારી આ બંને વાનગી દાયકાઓથી દેશના મોટાભાગના રાજ્યોમાં ગલીઓ ગલીઓમાં પહોંચી ગઈ છે. સ્વાદશોખીનો વડાપાઉ અને ભાજીપાઉની ઉત્સાહથી જ્યાફત માણતા હોય છે પરંતું ભાગ્યેજ આ બંને વાનગી ક્યાથી આવી છે તેનો ઈતિહાસ જાણતા હશે...અહીં જાણીએ ચટાકેદાર વડાપાઉ અને ભાજીપાઉની કહાની...કેટલા વર્ષોથી ખવાય છે આ બંને વાનગી...કેવી રીતે આવ્યું વડાપાઉ અને ભાજીપાઉનું ચલણ...

આ રીતે થઈ ભારતમાં વડાપાઉં અને ભાજીપાઉંની એન્ટ્રી...જાણો રસપ્રદ કહાની

વિરલ પટેલ, અમદાવાદઃ સ્વાદશોખીનો વડાપાઉ અને ભાજીપાઉની ઉત્સાહથી જ્યાફત માણતા હોય છે પરંતું ભાગ્યેજ આ બંને વાનગી ક્યાથી આવી છે તેનો ઈતિહાસ જાણતા હશે...સૌથી પહેલા વડાપાઉની વાત કરીએ...મુંબઈના વડાપાઉ વર્લ્ડ ફેમસ કહેવાય છે. આ વાનગીનો ઈતિહાસ 5 દાયકાથી વધુ જૂનો છે...મુંબઈ અને વડાપાઉં, શહેર અને આ વાનગી જાણે એકબીજામાં વણાઈ ગયા છે. મુંબઈઘરાઓમાં કોઈ એવું નહીં હોય જેણે અહીંનો વડાપાઉં નહીં ખાધો હોય...વડાપાઉં કઈ રીતે એક વાનગી તરીકે ફેમસ થઈ ગયો તે કહાની પણ જાણવા જેવી છે.

મુંબઈમાં દાદરના રેલવે સ્ટેશનથી શરૂ થઈ વડાપાઉની કહાની 
મુંબઈ જેટલું તેની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઉદ્યોગ જગતના કારણે જાણીતું છે તેટલું જ તેના વડાપાઉના કારણે ફેમસ છે. વડાપાઉનો શ્રેય મુંબઈના સામાન્ય પરિવારમાં જન્મેલા અશોક વૈધને મળે છે. વર્ષ 1966નો તે સમય હતો જ્યારે મુંબઈમાં શિવસેના નવી નવી શરૂઆત કરી રહી હતી. અશોક વૈધ પણ તે સમયે શિવસેનાના કાર્યકર હતા. તે સમયે શિવસેનાના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરે દરેક કાર્યકરને નાના મોટા વ્યવસાય સાથે જોડાવવાની શીખ આપતા રહેતા હતા.  બાલાસાહેબ ઠાકરેની પ્રેરણાથી અશોક વૈધે દાદર રેલવ્ સ્ટેશન પર બટાકાવડા (આલુ વડા) નો સ્ટોલ શરૂ કર્યો.

વડા અને પાઉનો કરાયો પ્રયોગ
અશોક વૈધ બટાકાવડાનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. દરરોજ બટાકાવડા વેચતા વૈધને અખત્તરો કરવાનું સૂઝ્યું. અશોક વૈધે તેની પાસે જ આમલેટનું વેચાણ કરતા સ્ટોલ માલિક પાસેથી કેટલાક પાઉ લીધા. આ પાઉને ચપ્પાથી વચ્ચેથી કાપ્યા અને તેની વચ્ચે બટાકાવડા મૂકી દીધા. આ પ્રયોગાત્મક વાનગીને અશોક વૈધ મહારાષ્ટ્રની પરંપરાગાત લાલ મરચુ અને લસણની ચટણી તથા લીલા મરચા સાથે આપવા લાગ્યા. મહારાષ્ટ્રીયન લોકોને તીખુ તમતમતું ખાવું પહેલેથી પસદ હતું તેથી તેમને અશોક વૈધે બનાવેલી પ્રયોગાત્મક વાનગી પસંદ આવવા લાગી. આ અશોક વૈધના વડા અને પાઉ જોતજોતામાં ખૂબ લોકપ્રિય થવા લાગ્યા. તે સમયે શિવસેનાના કાર્યકર્તાઓને પણ વડાપાઉ ખવરાવવામાં આવતા હતા. કેટલાક વર્ષોમાં અન્ય લોકો સુધી વડાપાઉની રેસિપી પહોંચી દઈ.વર્ષ 1998માં અશોક વૈધના નિધન બાદ તેમના પુત્ર નરેન્દ્ર વૈધે આ વારસો સંભાળ્યો. ત્યારે દાદર રેલવે સ્ટેશનથી શરૂ થયેલો વડાપાઉનો ટેસ્ટ ન માત્ર ભારત પરંતું હવે સમગ્ર ભારતમાં ફેલાઈ ગયો. 70ના દાયકામાં એક વડાપાઉની કિંમત 20 પૈસા હતી. આજે પણ ભારતની સૌથી સસ્તી વાનગીમાં વડાપાઉનો સમાવેશ થાય છે. વડાપાઉ પર 'વડાપાઉ ઈંક' નામની ડોક્યુમેન્ટ્રી પણ બની હતી જેને મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ડાઈમેશન્સ મુંબઈ કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી..

ચટાકેદાર પાઉભાજીની કહાની
વડાપાઉની જેમ મુંબઈના સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડની વાત કરવામાં આવે તો પાઉભાજીનું નામ તેમાં અચૂકથી આવે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં માણેકચોકની ભાજીપાઉ બહુ ફેમસ છે. ચટપટી ભાજીપાઉનો સ્વાદ એવો હોય કે કોઈપણ આંગળી ચાટતો રહી જાય. પાઉભાજી જેટલી સ્વાદિષ્ટ છે તેનો ઈતિહાસ તેટલો જ રસપ્રદ છે.

આ રીતે બની ટેસ્ટી પાઉભાજી
વર્ષ 1861-65 દરમિયાન અમેરિકાના ગૃહયુદ્ધ દરમિયાન કોટનની માગ વધી હતી. તેને લઈ મુંબઈમાં કાપડ મિલોમાં દિવસ રાત જોયા વિના ઉત્પાદન વધી ગયું. સતત ઉત્પાદનના કારણે મજૂરો મિલમાં દિવસ રાત કામ કરતા હતા. સતત કામના કારણે મજૂરોનો સમય બચી શકતો નહોતો. તે સમયે સ્ટ્રીટ ફૂડ અને વેન્ડર્સની કમાણી પણ ઘટવા લાગી. તે સમયે સમય બચાવવા નવી ડિશ શોધી લીધી. બટાકા, ટામેટાને મિક્સ કરી શાક બનાવી દીધું અને તેને પાઉ સાથે પીરસવામાં આવ્યું. આ વાનગી મજૂરોને બહુ સ્વાદિષ્ટ લાગી. મજૂરો આ વાનગી ખાતા અને ત્યારબાદ કામ પર પાછા લાગી જતા. ભાજીપાઉ ખાવાના કારણે તેમને ઊંઘ આવી નહીં સાથે તેની કિંમત પણ બહુ ઓછી હતી. આ સ્વાદિષ્ટ વાનગી લોકોને પસંદ આવવા લાગી. ભાજીપાઉ ધીમે ધીમે મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ આખા દેશમાં ફેમસ થઈ ગઈ. ભાજીપાઉ સ્ટ્રીટ ફૂડથી નીકળી 5 સ્ટાર હોટલ સુધી પહોંચી ગઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news