Wayanad landslides: વાયનાડમાં મૃત્યુઆંક 308 થયો, હજુ અનેક લોકો ગૂમ, સર્ચ માટે રડાર ડ્રોન ઉપયોગમાં લેવાયા

Wayanad landslides: વાયનાડમાં મૃત્યુઆંક 308 થયો, હજુ અનેક લોકો ગૂમ, સર્ચ માટે રડાર ડ્રોન ઉપયોગમાં લેવાયા

વાયનાડમાં ભૂસ્ખલનની ત્રાસદી બાદ આજે પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. જ્યારે 200થી વધુ લોકો ગૂમ છે. જો કે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી એજન્સીઓએ હજુ પણ હિંમત હારી નથી. શુક્રવારે પણ કાટમાળ નીચેથી અનેક જીવતા લોકોને કાઢવામાં આવ્યા હતા. આવામાં ટેક્નોલોજીની મદદથી સર્ચ અભિયાનને વધુ તેજ કરાયું છે. 

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યાં મુજબ 30મી જુલાઈએ ચુરલમાલા અને મુંડક્કઈમાં થયેલા ભૂસ્ખલનમાં 308 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. હોસ્પિટલમાં દાખલ લોકોમાંથી 187 લોકોને રજા આપી દેવાઈ છે. 

સર્ચ અભિયાન માટે ટેક્નોલોજીનો ઉપયોગ
વાયનાડના ગામમાં ભૂસ્ખલન બાદ કાટમાળ અને નદીમાં સર્ચ માટે આધુનિક ઉપકરણો અને ડોગનો ઉપયોગ થઈ રહ્યો છે. વાયનાડ ભૂસ્ખલન અકસ્માત બાદ મોટી મોટી હસ્તીઓ અને સંસ્થાઓ મુખ્યમંત્રી આફત રાહત કોષમાં લાખો કરોડો રૂપિયાનું દાન કરી રહ્યા છે. સેના દ્વારા 190 ફૂટ લાંબો બેલી બ્રિજના નિર્માણનું કામ પૂરુ થયા બાદ સર્ચ અભિયાનમાં તેજી આવી આ બધા વચ્ચે શુક્રવારે બચાવ ટુકડીઓએ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોના મોબાઈલ  ફોનથી અંતિમ લોકેશન સહિત જીપીએસ નિર્દેશાંકો અને ડ્રોન ચિત્રોનો ઉપયોગ કરીને કાટમાળમાં ફસાયેલા લોકોની શોધ કરી. 

રડારવાળા ડ્રોન
વાયનાડમાં રાહત અને બચાવ કાર્યમાં રડારવાળા ડ્રોન પણ ઉતારવામાં આવ્યા છે. આ ડ્રોન ધરતીથી 120 મીટરની ઊંચાઈ પર ઉડે છે અને એકવારમાં 40 હેક્ટરમાં સર્ચ કરે છે. તેમાં રડાર સિસ્ટમનો ઉપયોગ કરાયો છે. જે ચારેય બાજુ તરંગો મોકલે છે જેની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોની ભાળ મળી શકે છે. વાયનાડના ભૂસ્ખનલ પ્રભાવિત ગામડાઓમાં આધુનિક રડાર પ્રણાલી સાથે સર્ચ ઓપરેશન ચલાવતા બચાવકર્મીઓને સંભવત: કોઈ માનવ કે પશુ દ્વારા શ્વાસ લેવાતા હોય તેવા સંકેત મળે છે. 

અભિયાનમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે ખરાબ રીતે પ્રભાવિત મુંડક્કઈ ગામમાં એક ઘરની તપાસ દરમિયાન રડાર પર ગ્રીન સિગ્નલ મળ્યું. પત્રકારોને કહ્યું કે કોઈના સતત શ્વાસ લેવાના સંકેત મળે છે. જો કે શુક્રવારે સાંજે સર્ચ અભિયાન પૂરું થઈ ગયું. કારણ કે બચાવકર્મીઓએ તારણ કાઢ્યું કે કાટમાળ નીચે  કોઈ વ્યક્તિ હોવાની શક્યતા નથી. વાયનાડ જિલ્લાના મુંડક્કઈ વિસ્તારમાં ભૂસ્ખલનના ત્રણ દિવસ બાદ બચાવકર્મીઓએ શુક્રવારે એક જ પરિવારના ચાર લોકો પદવેટ્ટી કુન્નુ નજીક એક વિસ્તારમાં સુરક્ષિત મળ્યા. ભૂસ્ખલનની ઘટનાઓમાં મૃતકોની સંખ્યા વધીને 300 પાર પહોંચી ગઈ છે. 

કેરળના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ આ ઉપરાંત વધારાના 134 માનવ અંગો પણ મળી આવ્યા છે. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ જાનમાનના નુકસાનનો અંદાજો ત્યારે મળી શકશે જ્યારે બચાવકર્મીઓ ભારે મશીનરોનો ઉપયોગ કરીને કાટમાળ અને લાકડાના ઢગલાથી ઢંકાયેલા ઘરોને સાફ કરશે. કેરળના લોક નિર્માણ મંત્રી પી એ મોહમ્મદ રિયાઝે સાંજે કહ્યું કે આધાર દસ્તાવેજો, પર્યટકોનું વિવરણ, આશા કાર્યકરોની પૂછપરછ અને રાહત શિબિરો તથા હોસ્પિટલોમાં લોકો સાથે વાત કર્યા બાદ જિલ્લા પ્રશાસનના રેકોર્ડ મુજબ 218 લોકો ગુમ છે. 

વાયનાડના જિલ્લાધિકારી મેઘાશ્રી ડી આરે પત્રકારોને જણાવ્યું હતું કે સૌથી વધુ પ્રભાવિત મુંદક્કઈ અને ચુરલમાલા કસ્બાઓને છ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ભારે મશીનરી અને શ્વાન ટુકડીઓ સાથે બચાવકર્મીઓની 40 ટીમ તૈનાત કરાઈ છે. જો કે કેરળના સીએમએ આપેલા લેટેસ્ટ માહિતી મુજબ વાયનાડમાં થયેલા ભૂસ્ખલનને કારણે હજુ પણ 206 લોકો ગૂમ છે. જ્યારે 215 મૃતદેહો મળી આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન અંતિમ તબક્કામાં છે. 

(અહેવાલ ઈનપુટ- એએનઆઈ, પીટીઆઈ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news