Uttarakhand Glacier Burst મામલે અમિત શાહે પત્રકારોને જણાવી આ વાત

અમિત શાહે જણાવ્યું હતું કે જોશી મઠમાં ગ્લેશિયર તૂટવાથી અને પહાડ નદીમાં પડવાથી પાણીનો પ્રવાહ ખૂબ જ પ્રચંડ વેગે વહી રહ્યો છે અને પહેલા ઋષિ ગંગા તેમજ બાદમાં અલકનંદા નદીમાં જળ સપાટી વધવાની શરૂઆત થઇ ગઇ છે.

Uttarakhand Glacier Burst મામલે અમિત શાહે પત્રકારોને જણાવી આ વાત

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર ઉત્તરાખંડના જોશી મઠમાં આવેલી કુદરતી આપત્તિના સમયમાં રાજ્યના લોકો સાથે ખભાથી ખભો મિલાવીને ઉભી છે. મહારાષ્ટ્રના પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા દળ (NDRF)ની 3 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, બાકીની ટીમો ઉત્તરાખંડ જવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં જ બાકીની ટીમો ત્યાં પહોંચી જશે. અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે, ITBPના જવાનો ત્યાં પહોંચી ગયા છે તેમજ રાજ્યનું તંત્ર પણ સક્રિય થઇ ગયું છે.

અમિત શાહે જણાવ્યું હતું કે જોશી મઠમાં ગ્લેશિયર તૂટવાથી અને પહાડ નદીમાં પડવાથી પાણીનો પ્રવાહ ખૂબ જ પ્રચંડ વેગે વહી રહ્યો છે અને પહેલા ઋષિ ગંગા તેમજ બાદમાં અલકનંદા નદીમાં જળ સપાટી વધવાની શરૂઆત થઇ ગઇ છે. અમિત શાહે જણાવ્યું હતું કે, કેટલાક લોકો મૃત્યુ પામ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સંકટના આ સમયમાં સરકાર ઉત્તરાખંડની પડખે ઉભી છે અને એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે કે દરેક પ્રકારે સંભવ હોય તેવી મદદ પહોંચાડીને તેમને સંકટમાંથી વહેલામાં વહેલી તકે બહાર કાઢવામાં આવે અને સામાન્ય જનજીવન પહેલાંની જેમ ફરી શરૂ થઇ શકે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત થઇ ગઇ છે અને વાયુસેનાને એલર્ટ કરવામાં આવી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન કરીને NDRFની ટીમને માર્ગદર્શન આપ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય ગૃહ મંત્રાલયના NDRFના કંટ્રોલ રૂમમાં બેસીને પોતે સમગ્ર સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યાં છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, હું ઉત્તરાખંડના તમામ લોકોને આશ્વાસન આપવા માંગુ છુ કે, તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે સ્થિતિને નિયંત્રણ હેઠળ લેવામાં આવશે અને આ આપત્તિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિકતાના આધારે શક્ય હોય તેવી તમામ મદદ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news