UP MLC Election Result 2022: સપાના સૂપડાં સાફ, ભાજપનો ઝળહળતો વિજય, પણ આ 3 સીટો પર ખેલ બગડ્યો
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 36 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામ સમાજવાદી પાર્ટી માટે ખુબ જ આંચકાજનક છે.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 36 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામ સમાજવાદી પાર્ટી માટે ખુબ જ આંચકાજનક છે. પાર્ટી ખાતું પણ ખોલાવી શકી નથી. જ્યારે ભાજપે 33 બેઠકો મેળવી. જે 3 બેઠકો પર ભાજપની હાર થઈ ત્યાં અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. જીતનારા ત્રણેય ઉમેદવાર ઠાકુર સમુદાયના છે. વારાણસી-ચંદૌલી-ભદૌહી સીટ પર ભાજપના ઉમેદવાર ડો.સુદામા પટેલે અપક્ષ ઉમેદવાર અન્નપૂર્ણા સિંહના હાથે હારનો સામનો કરવો પડ્યો. અન્નપૂર્ણા બૃજેશ સિંહની પત્ની છે.
બીજી બાજુ પ્રતાપગઢ એમએલસી સીટ પર ભાજપના ઉમેદવાર હરિ પ્રતાપ સિંહે હારનો સામનો કરવો પડ્યો. અહીં કુંડાના વિધાયક રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાના નીકટના અક્ષય પ્રતાપ સિંહે જીત મેળવી છે. જે રાજાભૈયાની જનસત્તા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અક્ષય પ્રતાપ સિંહ બાહુબલી ગણાય છે અને પ્રતાપ ગઢ બેઠક પરથી સતત જીત મેળવે છે. આઝમગઢમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો. જ્યાં બીજેપી એમએલસી યશવંત સિંહે બળવો પોકારીને પુત્ર વિક્રાંત સિંહને અપક્ષ ચૂંટણી લડાવી હતી. જ્યારે ભાજપે આ બેઠક પરથી રમાકાંત યાદવના પુત્ર અરુણકાંત યાદવને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપે યશવંત સિંહને છ વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા હતા પરંતુ તેઓ પોતાના પુત્રને જીતાડવામાં સફળ રહ્યા.
વિધાન પરિષદમાં છીનવાશે વિપક્ષનો દરજ્જો!
વિધાન પરિષદમાં સપાને મળેલી શૂન્ય બેઠકો બાદ હવે જુલાઈમાં સપાનો ઓફિશિયલ વિપક્ષનો દરજ્જો પણ છિનવાઈ શકે છે. કારણ કે વિધાન પરિષદમાં વિપક્ષી દળ પાસે 10 બેઠકો હોવી જરૂરી છે અને તમામ ગણતરીઓ બાદ જુલાઈમાં સપા પાસે વિધાન પરિષદમાં વધુમાં વધુ 9 સીટો જ બચશે. જેથી એવું લાગે છે કે સપાનો ઓફિશિયલ વિપક્ષનો દરજ્જો જોખમાઈ રહ્યો છે.
અત્રે જણાવવાનું કે યુપીની 33 બેઠકો પર ભાજપના એમએલસી ચૂંટાઈ આવ્યા છે. જેમાંથી 9 સભ્યો તો પહેલેથી જ નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે 24 ઉમેદવારોએ મંગળવારે જીત મેળવી છે. બહરાઈચ-શ્રાવસ્તીથી પ્રજ્ઞા ત્રિપાઠી, રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહ, જૌનપુરથી બૃજેશ સિંહ પ્રિંશૂ, દેવરિયા-કુશીનગર બેઠકથી રતનપાલ, લખનઉ-ઉન્નાવ બેઠકથી રામચંદ્ર પ્રધાન, બારાબંકીથી અંગતકુમાર સિંહ, આગરા-ફિરોઝાબાદથી વિજય શિવહરે, બલિયાથી રવિશંકર સિંહ પપ્પુ, પ્રયાગરાજથી ડો. કેપી શ્રીવાસ્તવ, મેરઠથી ધર્મેન્દ્ર ભારદ્વાજ, સીતાપુરથી પવન સિંહ ચૌહાણ, ગાઝીપુરથી વિશાલ સિંહ ચંચલ, મુરાદાબાદથી સતપાલ સૈની, ગોરખપુરથી સીપી ચંદ, સુલ્તાનપુરથી શૈલેન્દ્ર પ્રતાપ સિંહ, બસ્તીથી સુભાષ યદુવંશ, ફર્રુખાબાદથી પ્રાંશુ દત્ત, ઝાંસીથી રમા નિરંજન, ગૌંડાથી અવધેશકુમાર સિંહ, અયોધ્યાથી હરિઓમ પાંડે, ફતેહપુરથી અવિનાથ સિંહ ચૌહાણ, અને બરેલી મહારાજ સિંહે જીત મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે