અંદમાનમાં એડવેન્ચર ટ્રિપ પર આવેલા અમેરિકી પર્યટકની આદિવાસીઓએ કરી હત્યા, 7ની ધરપકડ
અંદમાન નિકોબારના નોર્થ સેન્ટીનલ આયરલેન્ડમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહેલા એક અમેરિકી નાગરિકની સંરક્ષિત આદિવાસીઓએ કથિત રીતે તીર મારીને હત્યા કરી નાખી હોવાનો મામલો સામે આવતા ચકચાર મચી છે.
Trending Photos
પોર્ટબ્લેયર/નવી દિલ્હી: અંદમાન નિકોબારના નોર્થ સેન્ટીનલ આયરલેન્ડમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહેલા એક અમેરિકી નાગરિકની સંરક્ષિત આદિવાસીઓએ કથિત રીતે તીર મારીને હત્યા કરી નાખી હોવાનો મામલો સામે આવતા ચકચાર મચી છે. પોલીસે જણાવ્યું કે જોન એલન ચાઉ (27)ની 17 નવેમ્બરના રોજ સેન્ટેનલીઝ આદિવાસીઓએ હત્યા કરી નાખી. અંદમાન નિકોબાર પોલીસે જનસંપર્ક અધિકારી જતિન નરવાલને કહ્યું કે એવી આશંકા છે કે તેના મૃતદેહને ગત સપ્તાહે જમીનમાં દફનાવી દેવામાં આવ્યો. આ મામલે પોલીસે આઈપીસીની કલમ 302 અને 304 હેઠળ હમફ્રીગંજ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધી અને અમેરિકી નાગરિકને ટાપુ સુધી લઈ જનારા સાત માછીમારોની ધરપકડ કરવામાં આવી.
મળતી માહિતી મુજબ ભારતમાં એડવેન્ચર ટ્રિપ અંદમાન નિકોબાર ટાપુઓ પર ફરવા માટે આવેલા એક અમેરિકન નાગરિકની અંદમાનમાં કથિત રીતે હત્યા કરી નાખવામાં આવી. જોન એલન ઉત્તર સેન્ટીનલ ટાપુ પર ગયો હતો. જ્યાં સ્થાનિક જનજાતિય સમુદાય (સેન્ટિનેલિસ)ના લોકોએ તેની હત્યા કરી. કહેવાય છે કે લગભગ બે સપ્તાહ પહેલા અમેરિકન નાગરિક જોન એલન ચાઉ સ્થાનિક માછીમારોની મદદથી સેન્ટિનેલિસ સમુદાયના લોકોને મળવા પહોંચ્યો હતો પરંતુ પાછો ફર્યો નહીં. સેન્ટિનેલિસ એક જનજાતિય સમુદાય છે, જે દક્ષિણ અંદમાનના ઉત્તર સેન્ટિનલ ટાપુ પર રહે છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ બુધવારે આ જાણકારી મળી કે અમેરિકી દૂતાવાસ આ વ્યક્તિને હજુ 'ગૂમ' જ ગણી રહ્યું છે. અમેરિકી દૂતાવાસના એક પ્રવક્તાએ જણાવ્યું કે અમને એ વાતની જાણકારી છે કે એક અમેરિકી નાગરિક અંદમાન નિકોબાર ટાપુઓ પર છે. અમેરિકા માટે પોતાના નાગરિકોનું કલ્યાણ અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ અમેરિકી નાગરિક ગૂમ થઈ જાય છે ત્યારે અમે સ્થાનિક અધિકારીઓની સાથે મળીને તેને શોધવાની કોશિશ કરીએ છીએ. પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને અમે આ અંગે વધુ ટિપ્પણી કરીશુ નહીં.
અમેરિકી નાગરિક જોન એલનની હત્યા બાદ માછીમારીઓએ પોલીસને જણાવ્યું કે 14 નવેમ્બરના રોજ સેન્ટિનેલિસ ટાપુ પર જવાની તે કોશિશ કરી રહ્યો હતો. પરંતુ અસફળ રહ્યો. સેન્ટિનેલિસ સમુદાય અંગે સ્થાનિક લોકોના માધ્યમથી માલુમ પડ્યું કે તેઓ બહારની દુનિયાના સંપર્કમાં રહેવાનું પસંદ કરતા નથી. પહેલા પ્રયત્નમાં અસફળ રહ્યાં બાદ બે દિવસ પછી એટલે કે 16 નવેમ્બરના રોજ જોન પૂરેપૂરી તૈયારીઓ સાથે ફરીથી ટાપુ પર પહોંચ્યો. આ દરમિયાન તેણે પોતાની નાવ અધવચ્ચે જ છોડી દીધી અને ટેન્ટ સાથે થોડો વધુ સામાન લઈને ટાપુ પર ગયો. સ્થાનિક માછીમારોએ જણાવ્યું કે જોને જેવો ટાપુ પર પગ મૂક્યો કે સેન્ટિનેલિસ સમુદાયના આદીવાસીઓએ તેના પર તીર કમાનથી હુમલો કર્યો.
જોનની હત્યા બાદ સેન્ટિનેલિસ સમુદાયના લોકોએ તેના મૃતદેહને રસ્સીથી બાંધીને ઢસડીને સમુદ્ર સુધી લઈ જઈ ત્યાં રેતીમાં દફન કરી દીધો. આ ઘટનાને જોઈને માછીમારો ત્યાંથી ડરીને ભાગી ગયાં. બીજા દિવસે જ્યારે તેઓ તે જગ્યાએ પહોંચ્યા તો તેમણે જોયું કે જોનનો મૃતદેહ સમુદ્ર કિનારે પડ્યો હતો. પરંતુ માછીમારો તેને સાથે લઈ જવાની હિંમત કરી શક્યા નહીં. ડરેલા માછીમારો રાજધાની પોર્ટ બ્લેયર પહોંચ્યા અને આ મામલાની જાણકારી જોનના મિત્ર અને સ્થાનિક ઉપદેશક એલેક્સને આપી. એલેક્સે અમેરિકામાં રહેતા જોનના પરિવારને સમગ્ર ઘટના અંગે જણાવ્યું અને ત્યારબાદ નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસની મદદ માંગવામાં આવી.
દૂતાવાસમાં જોનના ઘરવાળા સુધી તેના મૃત્યુનો સંદેશો પહોંચ્યો અને અમેરિકી અધિકારીઓની ફરિયાદ બાદ પોલીસે તે સાત માછીમારોની ધરપકડ કરી. જેમની સાથે જોન તે પ્રતિબંધિત ટાપુ પર ગયો હતો. પોલીસ અધિકારીઓએ જોનના મૃતદેહની શોધ માટે હેલિકોપ્ટર મોકલ્યુ પરંતુ તે સેન્ટિનેલિસ સમુદાયના હુમલાના કારણે ટાપુ પર ઉતરી શક્યું નહીં. જોનના ઉપદેશક મિત્ર એલેક્સે પોલીસને જણાવ્યું કેજોન છેલ્લા કેટલાક વર્ષોમાં અનેકવાર અંદમાન આવી ગયો હતો. તે પોતે પણ ઉપદેશક હતો. જે સેન્ટિનેલિસ સમુદાય સાથે વાતચીત કરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવા માંગતો હતો. સ્થાનિક લોકો દ્વારા માલુમ પડ્યું કે સેન્ટિનેલિસ સમુદાયનો આ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર છે. અહીં આવવા માટે પ્રશાસનની મંજૂરી લેવી પડે છે.
પોલીસે જણાવ્યું કે જે સાત માછીમારો જોનને ઉત્તર સેન્ટિનેલિસ ટાપુ પર લઈ ગયા હતાં તેમની ધરપકડ કરાઈ છે. આ જનજાતિ અને વિસ્તારને સંરક્ષિત શ્રેણીમાં રખાયા છે અને જોન કોઈ પણ મંજૂરી લીધા વગર ત્યાં પહોંચ્યો હતો આથી આ મામલે કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં થાય. તેણે સેન્ટિનેલિસ સમુદાયના લોકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા માછીમારોને ત્યાં લઈ જવા માટે રાજી કરી લીધા હતાં.
અત્રે જણાવવાનું કે ઉત્તર સેન્ટિનેલ ટાપુ પર બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. આ વર્ષે એક મોટું પગલું ઉઠાવતા સરકારે સંઘ શાસિત વિસ્તારોમાં આ ટાપુ સહિત 28 ટાપુને 31 ડિસેમ્બર 2022 સુધી પ્રતિબંધિત ક્ષેત્ર આજ્ઞાપત્ર (આરએપી)ની સૂચિમાંથી બહાર કરી દીધા હતાં. આરએપીને હટાવવાનો અર્થ એ થયો કે વિદેશી લોકો સરકારની મંજૂરી વગર આ ટાપુઓ પર જઈ શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે