આવી રહ્યું છે વર્ષ 2023નું પહેલું વાવાઝોડું! નામ છે મોચા: આ રાજ્યોનું આવી બનશે, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
Cyclone Mocha: ભારતીય હવામાન વિભાગ (IMD) એ મેના બીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં 'મોચા' નામનું ચક્રવાત બનવાની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે ચક્રવાત વાવાઝોડામાં પરિવર્તિત થવાની પ્રબળ સંભાવના છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની સીઝન ચાલી રહી છે. આગામી 5 દિવસ રાજ્યના અનેક તાલુકા અને જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે એક વાવાઝોડાને લઈને એક નવું અપડેટ આપ્યું છે. IMDએ જણાવ્યું છે કે 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી પ્રબળ શક્યતા છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણથી વાવાઝોડું બનવાની શક્યતા છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી છે. જોકે, સદ્દનસીબે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં થાય.
IMD અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર એક ચક્રવાત સર્જાવાની સંભાવના છે. આ અંગે IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, 'કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે સ્થિતિ પર નજર રાખીને બેઠા છીએ અને કઈ પણ મોટું જાણવા મળશે એટલે તેની માહિતી અમે જણાવતા રહીશું. જ્યારે હવામાન વિભાગની આગાહી પછી ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ સ્થિતિ સામે બાથ ભીડવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થઈ શકે છે અસર
હકીકતમાં આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મેના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી શક્યતા છે.
'મોચા' નામ કેમ આપવામાં આવ્યું?
જો સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવે છે તો વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા અપનાવવામાં આવેલી નામકરણ પદ્ધતિ હેઠળ ચક્રવાતનું નામ 'મોચા' (Mocha) રાખવામાં આવશે. યમને આ ચક્રવાતનું નામ લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર 'મોચા'ના નામ પરથી તેનું નામ સૂચવ્યું હતું.
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે