VIDEO અનંત અંબાણી PM મોદીની રેલીમાં પહોંચ્યા, પિતાએ કર્યું છે કોંગ્રેસ ઉમેદવારનું સમર્થન
Trending Photos
મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ હાલમાં જ મુંબઈ દક્ષિણ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવડાને સમર્થન આપ્યું હતું. હવે તેમના પુત્ર અનંત અંબાણી શુક્રવારે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં શ્રોતાઓમાં બેઠેલા જોવા મળ્યાં.
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક રેલીમાં આગળની હરોળના શ્રોતાઓમાં બેઠેલા અનંતે એક મરાઠી સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ મોદીને સાંભળવા અને દેશનું સમર્થન કરવા આવ્યાં છે.
પિતા મુકેશ અંબાણીએ કર્યું હતું દેવડાને સમર્થન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ હાલમાં જ દક્ષિણ મુંબઈ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવડાને સમર્થન આપ્યું હતું. અહીં 29મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે.
અત્રે જણાવવાનું કે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિના ભાઈ અનિલ અંબાણી પર રાફેલ ડીલને લઈને કોંગ્રેસ સતત આકરા પ્રહાર કરી રહી છે. એવા સમયે મુકેશ અંબાણીએ કોંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવડાને સમર્થન જાહેર કર્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવડાએ પોતાના ટ્વિટર પેજ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં અંબાણી તેમના વખાણ કરી રહ્યા છે.
રેલીમાં શું બોલ્યા મોદી?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે તમારો મત ન બગાડો. જે પાર્ટી સત્તામાં આવી રહી છે તેને મત આપવો તમારા માટે સારું છે. તમારો મત તેને મજબુત બનાવી શકે છે. મોદીએ કહ્યું કે હવે તો એકમાત્ર સવાલ એ છે કે શું ભાજપ 2014ની સરખામણીમાં પોતાની સીટોની સંખ્યા વધુ સારી કરવા જઈ રહ્યો છે.
મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા તેના પર પોલીસ ફોર્સિસની અવગણના કરવાનો અને તેમને સત્તામાં રહ્યાં તે દરમિયાન પંચિંગ બેગ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. મુંબઈ આતંકી હુમલાના શહીદ પોલીસ ઓફિસર હેમંત કરકરેને લઈને ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહની ટિપ્પણી પર ઉઠેલા વિવાદના બેકગ્રાઉન્ડમાં પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું કે મુંબઈ પોલીસ જો સતર્કતા ન દર્શાવત તો શહેરે આતંકી ગતિવિધિઓની ભારે કિંમત ચૂકવવી પડત. તેમણે કહ્યું કે કોંગ્રેસનું વલણ આતંકી હુમલા બાદ મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રીઓને બદલવાની હતી. અમે આ સંસ્કૃતિને બદલી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે સુરક્ષાદળો માટે કશું કર્યું નથી. તેમણે પોતાની સરકાર દ્વારા નવી દિલ્હીમાં પોલીસ સ્મારક બનાવવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે