Bageshwar Dham Controversy: બાગેશ્વર ધામના બાબાને જોશીમઠના શંકરાચાર્યએ ફેંક્યો પડકાર? કહ્યું કે......

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કેટલાક દિવસથી સતત વિરોધમાં છે. કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યાં છે તો કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. આ વચ્ચે જોશીમઠના શંકરાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. 

Bageshwar Dham Controversy: બાગેશ્વર ધામના બાબાને જોશીમઠના શંકરાચાર્યએ ફેંક્યો પડકાર? કહ્યું કે......

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશનાં બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કથિત ચમત્કારના પરચા હવે દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યા છે. ત્યાં સુધી કે હવે તો નેતાઓ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનાં પક્ષ અને વિપક્ષમાં આવી રહ્યા છે. ત્યારે જોશીમઠનાં શંકરાચાર્યએ તો ધીરેન્દ્ર શાસ્ત્રીને ચમત્કારથી જોશીમઠનું સંકટ દૂર કરવાનો પડકાર ફેંકી દીધો છે. 

આસ્થાની અસર અને ચમત્કારમાં એક પાતળી ભેદ રેખા હોય છે. જેને ઓળખવામાં વ્યક્તિની સમજશક્તિની પરીક્ષા થતી હોય છે. ધર્મનો આંચળો ઓઢીને ફરતા ઘણા વ્યક્તિઓ ચમત્કાર કરતા હોવાનો દાવો કરી ચૂક્યા છે. તેમાંથી ઘણા પોતાના દાવામાં ઉઘાડા પણ પડ્યા છે. 

મધ્ય પ્રદેશનાં બાગેશ્વર ધામનાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દાવાઓથી ફરી એકવાર ચમત્કારની ચર્ચા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં લોકો પોતાની સમસ્યાઓ લઈને જાય છે, ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોની સમસ્યાઓનું સમાધાન કરવાનો અને લોકોનાં મનની વાત જાણી લેવાનો દાવો કરે છે. 

જો કે ધીરેન્દ્ર શાસ્ત્રીનાં આ દાવાઓને પડકાર પણ મળી રહ્યો છે. જોશીમઠનાં શંકરાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે કે તેઓ જો ચમત્કાર કરી શકતા હોય તો જોશીમઠનું સંકટ દૂર કરી બચાવે, લોકોની સમસ્યાઓનું નિવારણ લાવે. સાથે જ તેમણે ભવિષ્ય જાણવા માટે ફક્ત જ્યોતિષ વિદ્યાને જ અસરકારક વિદ્યા ગણાવી છે. 

જો કે ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જાહેરમાં ક્યારેય દાવો નથી કરતા કે તે કોઈ ચમત્કાર કરે છે કે લોકોની સમસ્યાઓ દૂર કરે છે...આ બધાને તે પોતાનાં ઈષ્ટદેવ હનુમાનજીની કૃપા સાથે સાંકળી દે છે..

ધીરેન્દ્ર શાસ્ત્રી સામાન્ય લોકો અને સાધુસંતોની સાથે હવે  રાજકારણમાં પણ ચર્ચામાં છે. નેતાઓ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીની તરફેણ અને વિરુદ્ધમાં વહેંચાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશની સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીની કામગીરીને સનાતન ધર્મ સાથે સાંકળી રહી છે, તો છત્તીસગઢની કોંગ્રેસ સરકારના સૂર ધીરેન્દ્રની વિરુદ્ધ છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે તેમણે છત્તીસગઢમાં ધર્માંતરણ અટકાવ્યું છે. જો કે છત્તીસગઢ સરકારે આ દાવાને ફગાવી દીધા છે. જેને જોતાં ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની સામેનાં આક્ષેપોને મિશનરીઓ દ્વારા ઉભા કરાયેલા જુઠ્ઠાણા ગણાવે છે.  

ધીરેન્દ્ર શાસ્ત્રી હવે રાજકારણીઓનો વિષય બની જતાં એક વાત નક્કી છે કે આ મુદ્દો નજીકના સમયમાં ચર્ચામાંથી દૂર નહીં થાય. હવે નેતાઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના પક્ષમાં અને વિરોધમાં પરચા દેખાડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news