Sedition Law: રાજદ્રોહના કાયદા પર રોક, હવે નવનીત રાણા, ઉમર ખાલીદ અને અન્યનું શું? ખાસ જાણો

સુપ્રીમ કોર્ટના આ આદેશનો અર્થ શું છે તે વિસ્તૃત રીતે જાણો. 

Sedition Law: રાજદ્રોહના કાયદા પર રોક, હવે નવનીત રાણા, ઉમર ખાલીદ અને અન્યનું શું? ખાસ જાણો

Supreme Court puts Sedition law on hold: સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર પુર્નવિચાર થાય ત્યાં સુધી તેના ઉપયોગ પર હાલ રોક લગાવી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને કહ્યું છે કે પુર્નવિચારની પ્રક્રિયા પૂરી ન થઈ જાય ત્યાં સુધી રાજદ્રોહ એટલે કે આઈપીસીની કલમ 124એ હેઠળ કોઈ નવા કેસ દાખલ કરવામાં ન આવે. હવે આ મામલે આગામી સુનાવણી જુલાઈમાં થશે. કોર્ટે આ સાથે એમ પણ કહ્યું કે આ દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દિશાનિર્દેશ આપી શકે છે. કોર્ટે પહેલેથી નોંધાયેલા કેસની સુનાવણી ઉપર પણ રોક લગાવી છે. આ સાથે એમ પણ કહ્યું કે જે લોકો આ કાયદા હેઠળ જેલમાં છે તેઓ જામીન માટે અરજી કરી શકે છે. કોર્ટે મહત્વની વાત કરતા એમ પણ કહ્યું કે આ કાયદાનો ખોટો ઉપયોગ થયો છે અને દેશના નાગરિકોના અધિકારોની રક્ષા કરવી જરૂરી છે. કોર્ટનો આ આદેશ એ લોકો માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે જે હાલ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ છે.  હવે કોર્ટના આ આદેશનો અર્થ શું છે તે વિસ્તૃત રીતે જાણીએ...

હવે કોઈ નવો કેસ નહીં!
દેશની સર્વોચ્ચ કોર્ટે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સ્પષ્ટપણે કહી દીધુ કે જ્યાં સુધી કેન્દ્ર દ્વારા કાયદાની સમીક્ષાની પ્રક્રિયા પૂરી ન થઈ જાય યાં સુધી રાજદ્રોહનો (આઈપીસીની કલમ 124એ) કોઈ પણ કેસ દાખલ કરી શકાશે નહીં. ચીફ જસ્ટિસ એનવી રમણાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ કે જેમાં જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા  કોહલી પણ સામેલ છે તેમણે  કહ્યું કે સરકારોએ દેશદ્રોહની જોગવાઈનો ઉપયોગ કરવો જોઈએ નહીં. 

હાલના સામાજિક પરિવેશને અનુરૂપ નથી-સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ઈન્ડિયન પીનલ કોડની કલમ 124એની જોગવાઈ અત્યારના સામાજિક પરિવેશને અનુરૂપ નથી. આ સાથે કેન્દ્ર સરકાર પણ કોર્ટ સાથે સહમત છે. અમને આશા અને ભરોસો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ કલમ હેઠળ કોઈ કેસ દાખલ કરશે નહીં. 

જેમના પર કેસ થયેલા છે તેમનું શું?
અહીં હવે સવાલ એ થાય કે શું રાજદ્રોહ કાયદા પર રોક લગાવવાથી એવા લોકો કે જેમના પર કેસ થયેલો છે તેઓ બહાર આવી જશે ખરા? કે તેમને રાહત મળશે? તો અહીં એ જાણવું જરૂરી છે કે સુપ્રીમ કોર્ટના આદેશનો એ અર્થ જરાય નથી કે હાલ જેલમાં બંધ આરોપીઓ છૂટી જશે. કારણ કે કોર્ટે કહ્યું છે કે રાજદ્રોહ કાયદો નિષ્પ્રભાવી રહેશે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પષ્ટપણે  કહ્યું છે કે આ આરોપીઓ વિરુદ્ધ કાયદાની અન્ય કલમો હેઠળ કાર્યવાહી ચાલુ રહેશે. તેઓ જામીન માટે કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. આથી હવે તેમનો જામીન પર છૂટકારો થશે કે નહીં તે તો તેઓ જે સંલગ્ન કોર્ટમાં અરજી કરે તેના પર નિર્ભર રહેશે. 

અત્રે જણાવવાનું કે હાલ રાજદ્રોહના કેસમાં જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર  ખાલિદ, શરજીલ ઈમામ, હાર્દિક પટેલ અને નવનીત રાણા પર આ કલમ હેઠળ કેસ થયેલા છે. કોર્ટે નવા કેસ દાખલ કરવા પર રોક લગાવી છે પરંતુ આમ છતાં કેસ દાખલ થાય તો પણ તેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે જો આમ છતાં કેસ થાય તો આરોપી વ્યક્તિ સુપ્રીમ કોર્ટના આજના ઓર્ડરને લઈ નીચલી કોર્ટમાં જઈ શકે છે. અહીં એ વસ્તુ ખાસ જાણવી જરૂરી છે કે સુપ્રીમ કોર્ટે આ કાયદાને સ્થગિત  કર્યો છે આથી આ કાયદાની લીગલ વેલિડિટી પૂરી થઈ નથી. કાયદા પર પુર્નવિચાર માટે સરકાર પાસે જુલાઈના ત્રીજા અઠવાડિયા સુધી સમય છે. 

કોર્ટમાં સરકારી રજૂ કરી આ દલીલ
સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલનો પક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂ કર્યો. તેમણે કહ્યું કે એસપી કે તેની ઉપરના રેન્કવાળા અધિકારીને રાજદ્રોહના આરોપમાં નોંધાયેલી એફઆઈઆરની નિગરાણી કરવાની જવાબદારી સોંપી શકાય. રાજદ્રોહના આરોપમાં એફઆઈઆર નોંધવાનું બંધ કરી શકાય નહીં. કારણ કે આ જોગવાઈ એક ગંભીર ગુના સંબંધિત છે અને 1962માં એક બંધારણીય બેન્ચે તેને યથાવત રાખી હતી. કેન્દ્ર તરફથી એવું પણ સૂચન કરવામાં આવ્યું કે આ પ્રકારના કેસમાં જામીન અરજીઓ પર જલદી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. કારણ કે સરકાર દરેક કેસની ગંભીરતાથી અવગત નથી અને તે આંતકવાદ, મની લોન્ડરિંગ જેવા પહેલુંઓ સાથે સંકળાયેલા હોઈ શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે આ દલીલો ફગાવી દીધી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news