સંઘ પ્રમુખ મોહન ભાગવતે ચીનને વિસ્તારવાદી ગણાવ્યું, કહ્યું- 'ભારતે ગેરસમજ દૂર કરી'

દશેરાના અવસરે દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર ખાતેના હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજા કરવામાં આવી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે(Mohan Bhagwat) પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતમાં કોરોના (Corona Virus) થી નુકસાન ઓછું છે. તેમણે કહ્યું કે કોરોનાના કારણે અનેક વિષયો પર ચર્ચા થઈ શકી નહીં. 

સંઘ પ્રમુખ મોહન ભાગવતે ચીનને વિસ્તારવાદી ગણાવ્યું, કહ્યું- 'ભારતે ગેરસમજ દૂર કરી'

નાગપુર: દશેરાના અવસરે દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર ખાતેના હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજા કરવામાં આવી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે(Mohan Bhagwat) પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતમાં કોરોના (Corona Virus) થી નુકસાન ઓછું છે. તેમણે કહ્યું કે કોરોનાના કારણે અનેક વિષયો પર ચર્ચા થઈ શકી નહીં. 

સંઘ પ્રમુખે કહ્યું કે, 'વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણો દેશ સંકટની આ વિકટ પરિસ્થિતિમાં વધુ સારી રીતે ઊભેલો જોવા મળે છે. ભારતમાં આ મહામારીની વિનાશકતાનો પ્રભાવ અન્ય દેશોની સરખામણીએ ઓછો જોવા મળી રહ્યો છે. તેના અનેક કારણ છે.'તેમણે વધુમાં કહ્યું કે આપણા સમાજની એકરસતાનો, સહજ કરુણા અને શીલ પ્રવૃત્તિનો, સંકટમાં પરસ્પર સહયોગના સંસ્કારનો, જે બધી વાતોને સોશિયલ કેપિટલ એવું અંગ્રેજીમાં કેહવાય છે, તે આપણા સાંસ્કૃતિક સંચિત સત્વનો સુખદ પરિચય આ સંકટની ઘડીમાં આપણને બધાને મળ્યો. 

— ANI (@ANI) October 25, 2020

 

ચીન પર આકરા પ્રહાર
ભાગવતે કહ્યું કે આ મહામારીના સંદર્ભમાં ચીનની ભૂમિકા શંકાસ્પદ રહી એ તો કહી જ શકાય પરંતુ પોતાના આર્થિક વ્યૂહાત્મક બળના કારણે ભારતની સરહદો પર જે પ્રકારે અતિક્રમણનો પ્રયત્ન કર્યો તે તો આખા વિશ્વ સમક્ષ સ્પષ્ટ છે. ભારતનું પ્રશાસન, શાસન, સેના અને જનતા બધાએ આ આક્રમણ સામે અડગ રહીને પોતાના સ્વાભિમાન, દૃઢ નિશ્ચય તથા વીરતાનો ઉજ્જવળ પરિચય આપ્યો. જેનાથી ચીનને અનપેક્ષિત ધક્કો મળ્યો લાગે છે. આ પરિસ્થિતિમાં આપણે સજાગ રહીને દૃઢ રહેવું પડશે. 

મોહન ભાગવતે કહ્યું કે શ્રીલંકા, બાંગ્લાદેશ, બ્રહ્મદેશ, નેપાળ આવા આપણા પાડોશી દેશ, જે આપણા મિત્ર પણ છે અને વિપુલ પ્રમાણમાં સમાન પ્રકૃતિના દેશ છે. તેમની સાથે આપણે આપણા સંબંધોને વધુ મિત્રતાપૂર્ણ બનાવવામાં આપણી ઝડપ વધારવી જોઈએ. આપણી સેનાની અતૂટ દેશભક્તિ અને અદમ્ય વીરતા, આપણા શાસનકર્તાઓનું સ્વાભિમાની વલણ તથા આપણે બધા ભારતના લોકોના અદમ્ય નીતિ-ધૈર્યનો પરિચય ચીનને પહેલીવાર મળ્યો છે. 

તેમણે કહ્યું કે આપણે બધા સાથે મિત્રતા ઈચ્છીએ છીએ. તે આપણો સ્વભાવ છે. પરંતુ આપણી સદભાવનાને દુર્બળતા માનીને પોતાના બળના પ્રદર્શનથી કોઈ ભારતને ઈચ્છે તેમ નચાવી લે, તે બની શકે નહીં. આવું દુ:સાહસ કરનારાઓએ હવે આ વાત સમજી લેવી જોઈએ. 

દોષિતો તરત પકડાવા જોઈએ
સંઘ પ્રમુખે કહ્યું કે સમાજમાં કોઈ પણ પ્રકારના અપરાધની અથવા અત્યાચારની ઘટના ઘટવી જોઈએ નહીં. અત્યાચારી અને અપરાધિક પ્રવૃતિના લોકો પર પૂર્ણ નિયંત્રણ રહે અને આમ છતાં ઘટનાઓ ઘટે તો તેમાં દોષિત વ્યક્તિ તરત પકડાય અને તેને કડક સજા થવા જોઈએ. આ બધુ શાસન પ્રશાસને સુનિશ્ચિત કરવું જોઈએ. શાસન પ્રશાસનના કોઈ પણ નિર્ણય કે સમાજમાં ઘટનારી સારી ખરાબ ઘટનાઓ પર પોતાની પ્રતિક્રિયા આપતી વખતે અથવા પોતાનો વિરોધ વ્યક્ત કરતી વખતે રાષ્ટ્રીય એકાત્મકતાનું ધ્યાન અને સન્માન રાખીને, બંધારણ કાયદાની મર્યાદાની અંદર જ અભિવ્યક્તિ થાય તે જરૂરી છે. 

હિન્દુત્વ પર કરી મહત્વની વાત
હિન્દુત્વ પર વાત કરતા ભાગવતે કહ્યું કે હિન્દુત્વ એક એવો શબ્દ છે જેના અર્થને પૂજ સાથે જોડીને સંકૂચિત કરી દેવાયો છે. સંઘની ભાષામાં તેનો સંકુચિત અર્થમાં ઉપયોગ થતો નથી. તે શબ્દ પોતાના દેશની ઓળખને, આધ્યાત્મ આધારિત તેની પરંપરાના સનાતન સાતત્ય તથા સમસ્ય મૂલ્ય સંપદા સાથે અભિવ્યક્તિ આપનારો શબ્દ છે. 

તેમણે જણાવ્યું કે સંઘ માને છે કે હિન્દુત્વ શબ્દ ભારતવર્ષને પોતાના માનનારા, તેમની સંસ્કૃતિના વૈશ્વિક તથા સર્વકાલિન મૂલ્યોને આચરણમાં ઉતારવા માંગતા તથા યશસ્વી રીતે આમ કરીને દેખાડનારી તેમની પૂર્વજ પરંપરાનું ગૌરવ મનમાં રાખનારા તમામ 130 કરોડ સમાજબંધુઓ પર લાગુ થાય છે. 

ભાગવતે કહ્યું કે હિન્દુ શબ્દના વિસ્મરણથી આપણને એકાત્મતાના સૂત્રમાં પરોવીને દેશ તથા સમાજના બંધનમાં બાંધનારા બંધન ઢીલા થાય છે. આથી તે દેશ તથા સમાજને તોડવા માંગતા, પરસ્પર લડાવવા માંગતા, આ શબ્દને, જે બધાને જોડે છે, તેને પોતાના તિરસ્કાર અને ટીકા ટિપ્પણીનો પહેલો લક્ષ્ય બનાવે છે. તે આ બધી વિશિષ્ટ ઓળખોને કાયમ, સ્વિકૃત અને સન્માનિત રાખીને, ભારત ભક્તિ તથા માનવતાની સંસ્કૃતિના વિશાળ પ્રાંગણમાં બધાને વસાવનારો, જોડનારો શબ્દ છે. 

સંઘના મતે 'હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર'નો અર્થ
વધુમાં કહ્યું કે હિન્દુ કોઈ પંથ, સંપ્રદાયનું નામ નથી. કોઈ એક પ્રાંતે પોતાનો ઉપજાવી કાઢેલો શબ્દ નથી. કોઈ એક જાતિની જાગીર નથી, કોઈ એક ભાષાનો પુરસ્કાર  કરનારો શબ્દ નથી. દેશની એકાત્મતા તથા સુરક્ષાના હિતમાં હિન્દુ શબ્દને આગ્રહપૂર્વક અપનાવીને, તેના સ્થાનિક તથા વૈશ્વિક તમામ અર્થોને કલ્પનામાં સમેટીને સંઘ ચાલે છે. સંઘ જ્યારે 'હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર' છે તે વાતનું ઉચ્ચારણ કરે છે ત્યારે તેની પાછળ કોઈ રાજકીય કે સત્તા કેન્દ્રિત સંકલ્પના હોતી નથી. સમસ્ત રાષ્ટ્ર જીવનના સામાજિક, સાંસ્કૃતિક, આ માટે તેમના સમસ્ત કામગીરીને દિગ્દર્શિત કરનારા મૂલ્યોનું તથા તેની વ્યક્તિગત, કૌટુંબિક, વ્યવસાયિક  તથા સામાજિક જીવનમાં અભિવ્યક્તિનું નામ 'હિન્દુ' શબ્દથી નિર્દિષ્ટ થાય છે. 

હિન્દુ બનવા માટે છોડવી પડે છે માત્ર આ વાત
તેમણે કહ્યું કે હિન્દુ શબ્દની ભાવનાની પરિધિમાં આવવા અને રહેવા માટે કોઈએ પણ પોતાની પૂજા, પ્રાંત, ભાષા વગેરે કોઈ પણ વિશેષતા છોડવી પડતી નથી. માત્ર પોતાનું જ વર્ચસ્વ સ્થાપિત કરવાની ઈચ્છા છોડવી પડે છે. સ્વયંના મનથી અલગતાવાદી ભાવનાને સમાપ્ત કરવી પડે છે. 

મોહન ભાગવતે કહ્યું કે 'ભારતની વિવિધતાના મૂળમાં સ્થિત શાસ્વત એક્તાને તોડવાના ધૃણિત પ્રયત્ન, આપણા કથિત લઘુમતીઓ તથા અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને ખોટા સપના તથા કપોલકલ્પિત દ્વેષની વાતો જણાવી કરી રહ્યા છે. 'ભારત તારા ટુકડાં થશે' આવી વાતો કરનારા લોકો આ ષડયંત્રકારી મંડળીમાં સામેલ છે. રાજનીતિક સ્વાર્થ, કટ્ટરપણું તથા અલગાવની ભાવના, ભારત પ્રત્યે શત્રુતા તથા જાગતિક વર્ચસ્વની મહત્વકાંક્ષા, તેનું એક અજીબ મીશ્રણ ભારતની રાષ્ટ્રીય એક્તા વિરુદ્ધ કામ કરે છે.' 

આ અવસરે તેમણે કહ્યું કે ભારતની ભાવનિક એક્તા તથા ભારતમાં તમામ વિવિધતાઓનો સ્વીકાર તથા સન્માનની ભાવનાના મૂળમાં હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરા તથા હિન્દુ સમાજની સ્વીકાર પ્રવૃત્તિ તથા સહિષ્ણુતા છે. 

શ્રમિકોના પલાયન પર કરી આ વાત
કામદારોના પલાયન પર સંઘ પ્રમુખે કહ્યું કે કોરોનાના કારણે ગયા અને હવે પાછા ફરી રહ્યા છે. જે લોકો રોજગાર છોડીને ગયા તે પાછા ફરી રહ્યા છે. કોરોનાથી સમાજને બચાવવા માટે સમાજની સેવા કરવી પડશે. આપણે કોરોનાને હરાવી શકીશું. 

રામ મંદિર વિશે આપ્યું નિવેદન
પોતાના સંબોધનમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર વિશે કહ્યું કે 9 નવેમ્બરના રોજ શ્રીરામ જન્મભૂમિ મામલે પોતાનો અસંદિગ્ધ નિર્ણય આપીને સુપ્રીમ કોર્ટે ઈતિહાસ બનાવ્યો. ભારતીય જનતાએ આ નિર્ણયને સંયમ અને સમજદારીનો પરિચય આપીને સ્વીકારય કર્યો. આ સાથે જ તેમણે નાગરિકતા કાયદ પર વાત કરી અને કહ્યું કે CAA વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવ્યો, નાગરિકતા કાયદાથી કોઈને જોખમ નથી. 

નોંધનીય છે કે કોરોના સંકટને જોતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વખતે વિજયાદશમીના કાર્યક્રમ અંગે અનેક ફેરફાર કર્યા છે. આ વખતે વિજયાદશમી કાર્યક્રમમાં કોઈ મુખ્ય અતિથિ નથી. આ સાથે જ 50થી પણ ઓછા સ્વયંસેવકોએ જ આયોજનમાં ભાગ લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news