ગરીબોને રાશન, યોગીનું શાસન, મોદીનું ભાષણ, કઈ રીતે ભાજપે યુપીમાં ધ્વસ્ત કર્યા તમામ સમીકરણ

Election Results 2022: ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ માટે આ જીત ખુબ મહત્વની છે. પાર્ટી દ્વારા આ જીતનો શ્રેયસ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપવામાં આવી રહ્યો છે. 
 

ગરીબોને રાશન, યોગીનું શાસન, મોદીનું ભાષણ, કઈ રીતે ભાજપે યુપીમાં ધ્વસ્ત કર્યા તમામ સમીકરણ

લખનઉઃ ઉત્તર પ્રદેશની ચૂંટણીનું પરિણામ સામે આવવાની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી સામે આવેલા ટ્રેન્ડ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી મોટી બહુમતી સાથે સત્તામાં વાપસી કરી રહી છે. ગુરૂવારે સવારે 8 કલાકે મત ગણતરી શરૂ થયા બાદ ભાજપમાં ઉત્સાહ વધતો ગયો હતો. યુપીમાં ભાજપ શાનદાર જીત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. લોકો મોદી-યોગીની જોડીની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. ઘણા લોકોએ કહ્યુ કે, યોગી સરકારના કામને લઈને મત આપવામાં આવ્યા છે. તો નરેન્દ્ર મોદીનો ચહેરો સૌથી આગળ છે. ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રી યોગીની રણનીતિ કેટલી કામ આવી. વિકાસનો મુદ્દો કેટલો મહત્વનો રહ્યો. ગરીબોને ફ્રી રાશન આપવાનો કેટલો ફાયદો થયો. પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીની રેલીનો કેટલો ફાયદો થયો? આ તમામ મુદ્દાનો જવાબ મેળવીએ. 

ગરીબોને ફ્રી રાશનથી થયો ફાયદો?
કોરોના મહામારી દરમિયાન ગરીબોને મફત રાશન વિતરણનું કામ ભાજપે કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફ્રી રાશનના વિતરણના મુદ્દે બોલતા જોવા મળ્યા હતા. જેની કદાચ સીધી અસર લોકો પર પડી હતી. ચૂંટણી વિશ્લેષકોના મતે મફત રાશનનો સીધો ફાયદો વિધાનસભાની ચૂંટણી દરમિયાન જોવા મળ્યો હતો. કોરોના રોગચાળા દરમિયાન, ભાજપે મફત રાશનનું વિતરણ કર્યું જેણે જનતાને ભાજપ તરફ સૌથી વધુ આકર્ષિત અને પ્રભાવિત કર્યા. ત્રણ મહિના સુધી જનધન ખાતું ધરાવતી મહિલાઓને પૈસા મોકલવામાં આવ્યા હતા, જેની અસર આ ચૂંટણી પર પણ પડી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર લાભાર્થી ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને 2 હજાર રૂપિયા એટલે કે વાર્ષિક 6 હજાર રૂપિયા મોકલી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો માટે ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એવા પરિવારો પણ મોટી સંખ્યામાં છે જેમણે પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હતો. સામાન્ય લોકો અને ગરીબોને સીધો ફાયદો થવાને કારણે વિપક્ષી પાર્ટીઓ ભાજપના મતોમાં સપાટો બોલાવવામાં સફળ રહી.

ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા
ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વાપસી કરી રહી છે. મોટા ભાગના એક્ઝિટ પોલે પણ ભાજપની જીતની ભવિષ્યવાણી કરી હતી. યુપીમાં કાયદો-વ્યવસ્થા હંમેશા ચર્ચાનો વિષય રહી છે. ત્યારે આ ચૂંટણીમાં લોકોએ કાયદો-વ્યવસ્થાના મુદ્દે પણ મત આપ્યો છે. ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં કાયદો-વ્યવસ્થા માટે કરેલા કામને લઈને ચૂંટણીમાં ઉતરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ખુદ સીએમ યોગી સહિત ઘણા નેતાઓએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની તુલના અગાઉના વિપક્ષી દળોના શાસન સાથે કરી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો જનતાની સામે રાખ્યો અને કદાચ લોકોને સમજાવવામાં સફળ થયા કે યોગીની સરકારમાં કાયદો અને વ્યવસ્થા કેટલી સારી છે. યોગી સરકારમાં ભૂ-માફિયા સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવીને ચૂંટણીનો રંગ આપવામાં આવ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે મોટાભાગની રેલીઓમાં ઉલ્લેખ કર્યો હતો કે ગુંડાઓ અને માફિયાઓ સામે સરકારની કાર્યવાહી ચાલુ રહેશે. કાયદાની સાથે સાથે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ભાજપે લોકોના મનમાં એવી છાપ ઉભી કરવાનો પૂરો પ્રયાસ કર્યો કે રાજ્યમાં કાયદાનું શાસન છે.

પ્રધાનમંત્રી મોદીનો ચહેરો અને તેમનું ભાષણ
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રધાનમંત્રીનો ચહેરો સૌથી આગળ રહ્યો હતો. પીએમ મોદી હંમેશા લોકોને પોતાની તરફ આકર્ષીત કરે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ યોગી સરકારની તુલના પાછલી સરકારો સાથે કરી અને જનતાનો વિશ્વાસ જીત્યો હતો. ઉત્તર પ્રદેશની ચૂંટણીને લોકસભા 2024 પહેલાં સેમીફાઇનલ ગણવામાં આવી રહી હતી. એટલે કે આ જીતે ફરી સાબિત કરી દીધુ છે કે પ્રધાનમંત્રી મોદીનો જાદૂ યથાવત છે. તો કેન્દ્રની મોદી સરકારની યોજનાઓનો ફાયદો પણ ભાજપને થયો છે. પીએમ મોદી અને સીએમ યોગીની જોડી તમામ વિપક્ષી પાર્ટીઓ પર ભારે પડી છે. પીએમ મોદીએ આ ચૂંટણીમાં પરિવારવાદ પર પણ હુમલો કર્યો હતો. 

ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટુ રાજ્ય છે અને રાજકીય રીતે યુપીને સૌથી મહત્વનું માનવામાં આવે છે. તેમ માનવામાં આવે છે કે દિલ્હીની સત્તાનો માર્ગ ઉત્તર પ્રદેશથી નિકળે છે. એટલે કે ફરી યુપીમાં ભાજપની જીત લોકસભા 2024ની ચૂંટણીમાં પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પહેલાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 325 સીટ જીતી હતી. ત્યારબાદ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news